દરેક વસ્તુની સારી કે માઠી અસર, છાપ કે પ્રભાવ હોય છે. અતિ ક્યારેક ભારે પડી શકે છે. સાઈડ ઈફેક્ટ-આડ અસર આડકતરી, સીધી નહીં તેવી, અપેક્ષા બહારની હોય. આ અસર નુકસાનકારક બને છે. અમુક લાગણી, ભાવની અસર પણ લાભ કરતાં ગેરલાભ આપી જાય. અમુક લાગણીઓ અવગુણ દાખવતી હોય આડ અસરો કરે છે. આમ તો આડ અસર એટલે વધારેની અસર. સામાન્ય બોલચાલની ભાષામાં દવાની આડ અસરથી એલર્જી થઈ એમ કહીએ છીએ. સારવારની પદ્ધતિ એલોપથી કે આયુર્વેદનો ઉપયોગ કરી મોટે ભાગની બીમારીની સારવાર કરવામાં આવે છે.
જે અંગે વિવિધ મત પ્રવર્તમાન છે. દવાઓનો ઉપયોગ કરનારાઓને લાંબે ગાળે તેની આડ અસરો જોવા મળે એમ પણ બને. અહીં યોગ્ય સલાહ મુજબ સારવાર કરવામાં સમજદારી છે. તંદુરસ્તી જાળવવા, રોગ સામે રક્ષણ મેળવવાની દવાઓ છે જે વ્યક્તિની પ્રકૃતિ પર આધારિત અસર કરે છે. અલબત્ત, બનાવટી દવાઓની તો વાતોમાં સમયની બરબાદી છે. દરેક ચીજ-વસ્તુની આડ અસરમાં લાંબી યાદી બની શકે. વધુ પડતી કસરત કે કૃત્રિમ રંગોની પણ અસર જોવા મળે. આજે કંઈક જુદી વાત કરવી છે, તે એ કે વધારે અથવા તો ખોટી રીતે, ટૂંકા રસ્તાથી આવેલી સંપત્તિની સાઈડ ઈફેક્ટ.
કોઈ ગર્ભશ્રીમંત હોય તેના વારસોમાં એવાં લક્ષણો જોવા મળે કે આશ્ચર્ય થાય. પુત્રના લક્ષણ પારણામાં એમ કહેવાય પણ પૈસાદાર ઘરના પુત્રમાં વધુ ભોગ-વિલાસ એટલે કે સુખને કારણે વિવિધ આડ અસરો જોવા મળે. તેના દાખલાઓ વર્તમાનપત્રોમાં જોવા-વાંચવા મળે છે. યુવા પેઢી દુર્લક્ષણોથી દૂર રહે એ જોવાની જવાબદારી માતા-પિતાની અને સૌની છે.પુત્ર સ્વનિર્ભર બને એ પ્રકારે ઉછેર કરવો જોઈએ. ચાલો, વિવિધ લોભામણી આડ અસરથી બચીએ. તન-મનની તંદુરસ્તી જાળવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.