SURAT

95 વર્ષથી ભરોસાપાત્ર છગનલાલ નરોત્તમદાસ પેઢીની નવી ઓળખ છે સિદ્ધિ વિનાયક કોર્પોરેશન

ભીમપોર આજે ભલે સુરત સિટીની હદમાં છે પણ કેટલાંક વર્ષો પહેલાં તે એક ગામડું હતું. 95 વર્ષ પહેલા ત્યાંના એક વેપારી છગનલાલ નરોત્તમદાસ મોદીએ સુરત સિટીમાં વેપારની નવી ક્ષિતિઝ વિસ્તારવા ભાગળ ડબગરવાડમાં એક નાની અમસ્તી દુકાન ખરીદી હતી અને સુરતીઓને શુદ્ધ અને સારી ક્વોલિટીનું ખાદ્ય તેલ આપવાનું શરૂ કર્યું હતું. એ વખતે તો સુરત પણ માત્ર સવા લાખની વસ્તી ધરાવતું શહેર હતું. એ સમયે સુરતમાં તલનું તેલ ખાવાનું પ્રચલન હતું. જોકે, કેટલાંક લોકો સીંગતેલ ખાતા જે સૌરાષ્ટ્ર તરફથી આવતું. બદલાતા જમાનાની સાથે ઘણા લોકો સનફલાવર તેલ ખાવા તરફ પણ વળ્યા છે અને આ કાચું તેલ વિદેશની ધરતી પરથી મંગાવવામાં આવે છે.

આ પેઢી પણ હવે આ તેલની સાથે અન્ય અવનવા તેલ સુરતીઓને પુરા પાડે છે. આ પેઢીનું નામ 16 વર્ષ પહેલા બદલીને સિદ્ધિ વિનાયક કોર્પોરેશન કરવામાં આવ્યું હતું. જોકે, આજે પણ આ પેઢી છગનલાલ નરોત્તમદાસ મોદીના નામે જ સુરતીઓમાં ઓળખાય છે. હવે તો ડબગરવાડમાં બીજી કેટલીક ઓઇલની દુકાનો બંધ થઈ ગઈ છે પણ આજે 95 વર્ષે પણ આ પેઢી અડીખમ ઉભી છે તો કયા કરણોથી? આ પેઢીનું નામ કેમ બદલાયું ? તે આપણે આ પેઢીનાં ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ. વંશવેલો – છગનલાલ નરોત્તમદાસ મોદી, નટવરલાલ છગનલાલ મોદી, બળવંતરાય છગનલાલ મોદી, પ્રવીણચંદ્ર છગનલાલ મોદી, શૈલેષભાઇ નટવરલાલ મોદી, ભવિષ્ય શૈલેષભાઈ મોદી, યશ શૈલેષભાઇ મોદી

છગનલાલ નરોત્તમદાસ મોદી વ્યાપાર માટે ઘોડાગાડીનો ઉપયોગ કરતા
છગનલાલ નરોત્તમદાસ મોદી ભીમપોર ગામમાં અનાજ-કરીયાણા નો વ્યાપાર કરતા હતા. તેમની પાસે ઘોડાગાડી હતી જેનો ઉપયોગ તે શહેરમાંથી તેલ, અનાજ, કરીયાણુ લાવવા માટે કરતા. અઠવાડિયામાં બે-ત્રણ વખત તેઓ ઘોડાગાડીમાં સુરત આવતા અને અહીંથી વ્યાપારની વસ્તુઓ લઈ જતા. જોકે, ભીમપોર નાનું ગામ હતું એટલે તેઓ વ્યાપારનો વિકાસ કરવા માટે સુરત શહેરમાં આવીને વસી ગયા. અહીં ડબગરવાડમાં દુકાન ખરીદી તેલનો વેપાર શરૂ કર્યો. આજે પણ તેમને કારણે તેમનો પરિવાર ભીમપોરવાળા છગનલાલ નરોત્તમદાસ મોદી તરીકે ઓળખાય છે.

નવાબના ઘરે જાતે જરૂરીયાતનો માલ પહોંચાડતા
શૈલેષભાઈએ જણાવ્યું કે, મારા દાદા છગનલાલ મોદી સચિન અને ડુમસના નવાબના ઘરે તેમના ઘરની જરૂરિયાત અનુસારનો માલ પહોંચાડતા હતા. તેઓ ઘોડાગાડીમાં માલ-સામાન લઈ જતા. મારા દાદાએ ડબગરવાડમાં દુકાન લીધી હતી તે ખૂબ નાની હતી એટલે તેઓ માત્ર તેલનો જ ધંધો કરતા હતા. અન્ય વસ્તુઓના વેપાર માટે જગ્યા નહીં હતી. અમારા મોટા ગ્રહકમાં ભીમપોરના સી.કે.પીઠાવાલા પણ હતા.

રશિયા-યુક્રેનનું યુદ્ધ થતા સનફલાવર તેલ મોંઘું થયું હતું: શૈલેષભાઈ મોદી
ત્રીજી પેઢીનાં સંચાલક શૈલેષભાઈ મોદીએ જણાવ્યું કે, મોટાભાગનું સનફલાવર કાચું તેલ યુક્રેનથી આયાત કરવામાં આવે છે. લગભગ દોઢેક વર્ષ પહેલા રશિયા-યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું. ત્યારે સનફલાવર તેલ ખૂબ મોંઘું થયું હતું. 15 કિલો તેલનો ભાવ 2700-2800 રૂપિયા થઈ ગયો હતો. જોકે, હવે ફરી યુક્રેનથી આ તેલ આવવાનું શરૂ થતા અત્યારે તેનો ભાવ ઘટીને 1700 રૂપિયા થયો છે. સનફલાવર તેલ સાઉથ ઇન્ડિયામાંથી પણ આવે છે.

તેલ ભરવાની સીઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની હોય છે: ભવિષ્ય મોદી
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ભવિષ્ય ( ફેનીલ) શૈલેષભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતી પરિવારો બારેમાસ ચાલે તેટલું અનાજ ઉપરાંત તેલ ભરીને રાખે છે. તેલ ભરવાની સીઝન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીની હોય છે. જોકે, મોટાભાગે સીંગતેલ અને તલનું તેલ લોકો ભરીને રાખતા હોય છે.

ગ્રાહકો માંગે ત્યારે જામખંભાળીયાથી શુદ્ધ ઘી લાવીને આપીએ છીએ: યશ મોદી
ચોથી પેઢીનાં સંચાલક યશ શૈલેષભાઈ મોદીએ જણાવ્યું કે અમારે ત્યાંથી વિવિધ પ્રકારના તેલ, મસાલા અને અનાજ એક સાથે ખરીદતા ગ્રાહકો જામખંભળીયાનું શુદ્ધ ઘી માંગે ત્યારે અમે ત્યાંથી લાવીને ગ્રાહકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપીએ છીએ. પહેલા ડબગરવાડ તેલ માટે સમગ્ર સુરતમાં વખણાતું. અહીંયા ખાસ્સા તેલના દુકાનદારો હતા. જોકે, મોલ કલ્ચરને કારણે નાના વેપારીઓની દુકાનો બંધ થઈ. આજે અહીં જૂની પેઢીઓમાં અમારી પેઢીનું અસ્તિત્વ ટકી રહ્યું છે.

હાર્ટના પ્રોબ્લેમ વધતા સનફલાવર અને મકકાઈના તેલનું ચલણ વધ્યું
શૈલેશભાઈએ જણાવ્યું કે, હાર્ટના પ્રોબ્લેમ વધતા હવે ઘણા લોકો મક્કાઈ અને સનફલાવરના તેલમાં ઝીરો કોલેસ્ટ્રોલને કારણે તે તેલ ખાવા તરફ વળ્યા છે. જ્યારે પામોલીન અને સરસીયું તેલ સેલ્ફ પ્રીઝર્વેટીવ હોવાને કારણે ફરસાણ 15થી 20 દિવસ તાજું રહેતું હોવાને કારણે ફરસાણ બનાવવા માટે આ તેલનો ઉપયોગ થાય છે. જિમ જતા, કસરત કરતા લોકો ઓલિવ ઓઇલ ખાય છે અને તેનો ઉપયોગ માલિશ માટે પણ કરાય છે. રેસ્ટોરન્ટમાં સલાડમાં ઓલિવ ઓઇલ વપરાય છે. જોકે, હજી પણ અસલ સુરતીઓ સીંગતેલ અને તલનું તેલ ખાય છે. એનું કારણ આ બંને તેલમાં વાનગીઓ બનતી હોય ત્યારે સરસ મજાની સોડમ આવતી હોય છે અને વાનગીઓ ટેસ્ટી પણ બનતી હોય છે.

1968માં તેલનો 16 કિલોનો ભાવ 35 રૂપિયા હતો
પ્રવીણચંદ્ર મોદીના પુત્ર ધર્મેશભાઈ મોદી જેઓ પણ આ પેઢીનાં સંચાલનમાં સહયોગ આપે છે તેમણે જણાવ્યું કે, 1968માં તેલનો 16 કિલોના ડબ્બાનો ભાવ 35 રૂપિયા હતો. જ્યારે આજે સિંગતેલના 15 કિલોનો ભાવ 3000 રૂપિયા જેટલો છે જ્યારે કપાસિયા તેલનો ભાવ 1750થી 1800 રૂપિયા છે.

નટવરલાલ અને તેમના બે ભાઈઓએ ધંધાનો વિસ્તાર કર્યો
છગનલાલ મોદીના ત્રણ દીકરા નટવરલાલ, બળવંતરાય અને પ્રવીણચંદ્ર મોદી સાથે ધંધામાં બેઠા. આ ત્રણે ભાઈઓ ખૂબ સાહસિક હતા. તેમણે ધંધાનો વ્યાપ વધારી ખાંડ, ચોખા, તુવેરદાળ, વનસ્પતિનું ડાલડા ઘી, જામખંભાળિયાનું શુદ્ધ ઘી, વિવિધ જાતના મસાલા અને અથાણા માટે મેથીયા કેરીનો મસાલો વેચવાનું શરૂ કર્યું. પ્રવીણચંદ્ર ગ્રેજ્યુએટ થયા હતા. તેમના સમયથી બારડોલી, ઓલપાડ, કામરેજ, કઠોર, કિમ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, નવસારીથી ગ્રાહકો તેલની ખરીદી કરવા માટે આવતા.

Most Popular

To Top