Entertainment

સિધ્ધાર્થનું “મિશન” સફળ

સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી માટે મિડીયાએ તો વેડિંગની તૈયારી કરી લીધી હતી પણ સિધ્ધાર્થ કહે છે કે મને જ કોઇએ મારા આ લગ્નમાં આમંત્રિત નથી કર્યો. આ પહેલાં પણ તેઓ બે વાર મને પરણાવી ચૂકયા છે એટલે હું મને જ પૂછું છું કે ખરેખર હું પરણી રહ્યો છું કે નહીં? સ્વાભાવિક રીતે જ તે ગુસ્સામાં હતો અને તેણે કહ્યું છે કે લોકો મારા અંગત જીવનના બદલે મારી ફિલ્મો પર ધ્યાન આપે તે વધુ યોગ્ય છે.

અચ્છા ચલો તેની ફિલ્મ પર જ ધ્યાન આપીએ. ગયા વર્ષે તે ‘થેન્ક ગોડ’માં હતો પણ સાથે અજય દેવગણ પણ હતો. હવે તેની ‘મિશન મજનુ’ રજૂ થઇ રહી છે. જેમાં ‘શેરશાહ’ની જેમ જ બહાદુરી દેખાડશે. હા, તેમાં તે સીધો સરહદ પર નથી લડતો બલ્કે સરહદ પરના પ્રશ્નો લડી રહ્યો છે. પાકિસ્તાન સામે તે એક સાહસિક ઓપરેશન પાર પાડે છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા સાથે અમર (રાજેન્દ્ર) બુટાલાએ કર્યું છે. અમરના પિતા વર્ષોથી ગુજરાતી નાટકોના નિર્માતા-અભિનેતા છે. કહી શકીએ કે એક ગુજરાતી યુવા નિર્માતાની ફિલ્મમાં સિધ્ધાર્થ કામ કરી રહ્યો છે. સિધ્ધાર્થને વિક્રમ બત્રાએ સફળતા અપાવેલી હવે ‘મિશન મજનુ’ તેને સફળતા અપાવે તેવી અપેક્ષા છે.

સિધ્ધાર્થનો રોલ મોડેલ શાહરૂખ ખાન છે અને શાહરૂખની ‘પઠાણ’ આવતા અઠવાડિયે રજૂ થવાની છે. મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ કેપ્ટનનો પુત્ર એવો સિધ્ધાર્થ જાણે છે કે ‘મિશન મજનુ’ની સફળતાનું ઘણું મૂલ્ય છે. ‘શેરશાહ’થી તે પોતાના દમ પર આગળ વધી રહ્યો છે અને તેની આ ઇમેજને ‘મિશન મજનુ’ મદદ કરી શકે છે. એની તકલીફ એ છે કે તે ફિલ્મોથી વધારે અફેર્સ પર ધ્યાન આપે છે. કિયારા પહેલાં આલિયા ભટ્ટ સાથે પણ તેનું નામ જોડાયેલું. એક વાર તે માધુરી દીક્ષિત વિશે એવું બોલેલો કે હું તેને પથારીમાં લઇ જવા ઇચ્છું છું. તેણે અફેર્સથી વધુ ફિલ્મો પર ધ્યાન આપવું જોઇએ. અત્યારે તેની પાસે ‘મિશન મજનુ’ ઉપરાંત ‘યોધ્ધા’ જ છે. તેમાં પણ તે હાઇજેક થયેલ વિમાનમાં એક સોલ્જર તરીકે પ્રવાસીઓને આતંકવાદીથી બચાવવા પ્રયત્ન કરે છે. વિષય સારો છે પણ જો તે શાહરૂખને રોલમોડેલ માનતો હોય તો રોમેન્ટિક ફિલ્મો માટે પણ પોતાને તૈયાર કરવું જોઇએ. હા, તેને ટોપ સ્ટાર સાથે ફિલ્મો મળે છે.

‘યોધ્ધા’માં તેની સાથે દિશા પટની અને રાશી ખન્ના છે. પણ તેની સાથે એકેય ફિલ્મમાં કિયારા નથી. તે કદાચ જાણી જોઇને પરદા પર કિયારાથી દૂર રહે છે. બધા કાંઇ ધર્મેન્દ્ર-હેમામાલિની બની શકતા નથી. ખેર! ‘મિશન મજનુ’માં રશ્મિકા મંદાના છે તેની લોકપ્રિયતા સિધ્ધાર્થ કરતાં વધારે છે. સિધ્ધાર્થ વિચારતો હશે કે મારી અને રશ્મિકાની લોકપ્રિયતા પ્લસ થઇને સફળતા અપાવે. હમણાં તો એવી ચર્ચા છે કે ‘મિશન મજનુ’માં સિધ્ધાર્થનું જે લુક છે તે જોઇને પાકિસ્તાનીઓ ભડકયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. જો પાકિસ્તાની પ્રેક્ષકો ભડકયા હોય તો સિધ્ધાર્થે આશા રાખવી જોઇએ કે હિન્દુસ્તાની પ્રેક્ષકોને ગમશે.
ફિલ્મમાં કહાણી એવી છે કે ભારતને ખતમ કરવા પાકિસ્તાન ન્યૂકિલયર બોમ્બ બનાવી રહ્યું છે ને ભારતને તેની ખબર પડતાં સિધ્ધાર્થ મલ્હોત્રાને રૉ એજન્ટ તરીકે ત્યાં મોકલવામાં આવે છે જેની પાકિસ્તાનનું મિશન નિષ્ફળ પુરવાર થાય. •

Most Popular

To Top