સુરત: સુરતમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. અશ્વની કુમાર ગૌ શાળા બ્રિજ ઉપર બનેલી ઘટના બાદ ફાયરના જવાનોએ સમયસર પહોંચી આગને કાબુમાં લઈ લીધી હતી. જોકે આગ લાગતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કારના બોનેટમાં આગ લાગી હતી. જોકે કોઈ જાનહાની નોંધાય ન હતી.
કાર માલિક સંજયભાઈ પડસાલાના પિતાએ જણાવ્યું હતું કે દીકરો હીરા મેનેજર તરીકે કામ કરે છે. રવિવારના રોજ રાત્રિના ભોજન બાદ મિત્રો સાથે ઓલપાડના સિદ્ધનાથ મંદિરે દર્શન માટે ગયો હતો. જયાંથી પરત ફરતા અશ્વની કુમાર ગૌ શાળા બ્રિજ ઉપર જ અચાનક કારમાં આગ લાગી હતી. રોડ બાજુએ કાર પાર્ક કરી તમામ મિત્રો કારમાંથી બહાર દોડી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. તપાસ કરતા શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. કારના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ દેખાતા ભયનો માહોલ ઉભો થયો હતો. આગ કંટ્રોલમાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. કાર સંજય ભાઈની હતી. જેનો નંબર GJ5CK6254 હોવાનું જાણવા મળ્યું છે.