નડિયાદ: નડિયાદ શહેરમાં કોરોના અને કોલેરા બાદ હવે વાઈરલ ઈન્ફેક્શનની બિમારીએ માથું ઉંચક્યું છે. છેલ્લાં કેટલાક દિવસોથી વાઈરલ ઈન્ફેક્શનની બિમારીમાં સપડાતાં દર્દીઓની સંખ્યામાં ઓચિંતો વધારો નોંધાયો છે. જેને પગલે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. નડિયાદમાં કોરોના અને કોલેરાનો કહેર માંડ-માંડ શાંત પડ્યો છે. ત્યારે શહેરીજનો વધુ એક બિમારીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લાં કેટલાક દિવસોથી મેઘરાજાના વિરામ વચ્ચે સતત બદલાતાં વાતાવરણથી નડિયાદ શહેરમાં વાઈરલ ઈન્ફેક્શનની બિમારી ફેલાઈ છે.
આવી બિમારીમાં સપડાયેલાં દર્દીઓની સંખ્યામાં ઓચિંતો વધારો નોંધાવા લાગ્યો છે. શહેરના અમુક વિસ્તારોમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. તો બીજી બાજુ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. દર્દીઓમાં શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી-ઉબકા તેમજ ડાયેરીયા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. શહેરમાં એક પછી એક આવતી વિવિધ બિમારીઓથી શહેરીજનો ચિંતીત બન્યાં છે. મોટાઓની સાથે સાથે નાના બાળકો અને વયસ્કો પણ વાઈરલ ફિવરની ઝપેટમાં આવ્યાં છે.
મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભિતી વચ્ચે નડિયાદની નર્કાગાર સ્થિતી
નડિયાદ નગરપાલિકાના નઘરોળ તંત્ર દ્વારા શહેરમાં સ્વચ્છતા પરત્વે બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેને પગલે શહેરના તમામ વિસ્તારો હાલ ગંદકીથી ખદબદી રહ્યાં છે. શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. આ ગંદકીની નિયમીત સફાઈ કરવામાં આવતી ન હોવાથી જે તે વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. બિમારીના વાવર વચ્ચે પાલિકાતંત્ર દ્વારા જો વહેલીતકે શહેરમાં ફેલાયેલી ગંદકીની સાફસફાઈ કરાવવામાં નહી આવે તો, આવનાર દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પણ વર્તાઈ રહી છે. તંત્ર દ્વારા સત્વરે ફોગીંગ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.
નિષ્ણાંતોના મતે આ બિમારી કોરોનાની નહીં પરંતુ વાઈરલ ઈન્ફેક્શન છે
કાળમુખા કોરોનાના કહેર બાદ સૌ કોઈ વ્યક્તિ નાનામાં નાની બિમારીથી ગભરાવવા લાગ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરમાં એકાએક બિમારીનો વાવર વર્તાતા સૌ કોઈ ગભરાઈ ગયાં છે. હાલ ફેલાયેલી બિમારીમાં શરદી, ખાંસી, તાવની સાથે સાથે ગળામાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી-ઉબકા તેમજ ડાયેરીયા જેવી સમસ્યા સર્જાતી હોવાથી કેટલાક લોકો આને કોરોનાની બિમારી સમજી ચિંતીત બન્યાં છે. કેટલાક દર્દીઓ તો કોરોનાના ડરથી સારવાર માટે હોસ્પિટલ પણ જતાં નથી. ત્યારે નિષ્ણાંત તબીબોએ આ બિમારી કોરોનાની નહીં પરંતુ વાઈરલ ઈન્ફેક્શનની હોવાનું જણાવતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.