Health

વિશ્વ આગેવાનોની બીમારી રહસ્યમય રાખવાની કવાયત…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ફરી ચર્ચામાં છે. આ વખતે ચર્ચા યુક્રેન પર ક્યારે-કેવી રીતે હુમલો કરશે તે નથી બલકે પોતાનું સ્વાસ્થ્ય તે કેવી રીતે જાળવશે તે છે. એકાએક પુતિનના સ્વાસ્થ્યની વાત આવી તે ઇંગ્લેંડના પૂર્વ ઇન્ટેલિજન્સ ઑફિસર ક્રિસ્ટોફર સ્ટીલના કારણે. તેનો એવો દાવો છે કે પુતિન ગંભીર રીતે કોઈ બીમારીથી પિડાય છે. ક્રિસ્ટોફર ઇન્ટેલિજન્સ ક્ષેત્રનું મોટું નામ છે અને તેનો દાવો નકારી દેવાય એમ નથી. બ્રિટિશ ઇન્ટેલિજન્સમાં તેની રશિયા પર નજર રાખવાની જ જવાબદારી હતી. આ વાત જેવી બહાર આવી એટલે મીડિયાની ચાંપતી નજર પુતિન પર ગોઠવાઈ ગઈ. એક જાહેર કાર્યક્રમમાં એવું નોટિસ પણ કરવામાં આવ્યું કે પુતિનનો ચહેરો વધુ ફૂલેલો છે અને તેઓ ચાલતી વખતે સ્થિર દેખાતા નથી. જો કે હજુ પણ રશિયામાં આ ચર્ચાએ જોર પકડ્યું નથી.

પુતિનની બીમારીની વાત આજની નથી. આ અગાઉ પણ તેવી માહિતી આવી છે કે પુતિન બીમાર છે. પણ આ વખતે માર્ચના મધ્યમાં ‘ન્યૂઝ લાઇન્સ મેગેઝિન’ના હાથમાં એક ફોન રેકોર્ડિંગ લાગ્યું છે. આ રેકોર્ડિંગમાં રશિયાના એક ઉદ્યોગપતિ એમ કહી રહ્યા છે કે, ‘પુતિનને બ્લડ કેન્સર છે.’ જો કે તે કયા પ્રકારનું છે અને તેની તીવ્રતા કેટલી છે તેની માહિતી જાહેરમાં નથી. રશિયાની ઇન્વેસ્ટિગેશન ન્યૂઝ એજન્સી ‘પ્રોયક્ટ’માં પણ એવી વિગત આવી હતી કે પુતિન હાલના પ્રવાસોમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની ટુકડી સાથે રાખે છે. આ જ ‘પ્રોયક્ટ’માં એવો પણ દાવો થયો છે કે પુતિન હોમિયોપેથિક અને અન્ય કુદરતી ઉપચારો કરી રહ્યા છે. પુતિનના સ્વાસ્થ્ય વિશે આવી જાતભાતની વાતો કહેવાય છે. વિશ્વના આગેવાનોને લઈને જ્યારે કોઈ બીમારીની વાત આવે ત્યારે તેનો ઇલાજ કરવા કરતાં તેને છુપાવી રાખવાની મશક્કત વધુ હોય છે.

પુતિનની બીમારી અંગે હવે નિષ્ણાતોના મત લેવાઈ રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એન્ડોક્રોનોલોજીના પ્રોફેસર એશલે ગ્રોસમેનને પુતિનના અસહજ દેખાતા ચહેરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પુતિન હંમેશાં ફીટ રહ્યા છે અને હાલમાં થોડાં વર્ષોમાં તેમના ચહેરા અને ગળા પર ચરબી જામેલી દેખાય છે અને તેઓ સ્ટીરોઈડ લેતા હોય તેમ તેમનો ચહેરો ફૂલેલો છે. પુતિનની જેમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાસ્થ્ય વિશે પણ એવા જ ન્યૂઝ ચમકી રહ્યા છે. એવું કહેવાય છે કે તેમને ‘સેરેબ્રલ એનેઉરીઝ્મ’નામની બીમારી છે, જેમાં મસ્તિષ્કની નસો ફૂલી જાય છે.

2021ના અંતમાં આ ન્યૂઝ આવ્યા હતા અને ત્યારે એ પણ માહિતી ન્યૂઝમાં ચમકી હતી કે તેઓ પોતાનો ઇલાજ પરંપરાગત ચીનની દવાઓ દ્વારા કરી રહ્યા છે. અનેક વાર શી જિનપિંગના કિસ્સામાં અનુભવાયું છે કે તેઓ મીટિંગમાં હાજર ન રહ્યા હોય કે મોડા આવ્યા હોય. જાહેરમાં બોલતી વેળાએ તેઓને કોઈ બીમારી છે તેવું મીડિયા દ્વારા નોંધવામાં આવ્યું છે. અત્યારે એવી પણ વાતો આવી રહી છે કે શી જિનપિંગ બીમારીનું કારણ આપીને પોતાનું પદ છોડવા માંગે છે. ઘણી વાર આ વર્લ્ડ લીડર્સ હંમેશ માટે સક્ષમ રહેશે તેમ માની લેવામાં આવે છે પરંતુ તેઓ પણ આખરે માણસ છે અને ઉંમર, બીમારીની અસર તેમના પર પણ થાય જ છે.

પરંતુ આ વર્લ્ડ લીડર્સે જે રીતે પોતાની સત્તા હાંસલ કરી હોય છે તેમાં તેઓને પોતાની નબળાઈ દાખવવાનું પોસાય તેમ હોતું નથી અને એટલે બીમારી શક્ય એટલી છુપાવી રાખવામાં આવે છે. આવો જ મામલો ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનનો છે. કિમ જોન્ગના સ્વાસ્થ્ય વિશે પણ સવાલ ઊઠતા રહ્યા છે અને હાલમાં દોઢ મહિના સુધી તેઓ જાહેરમાં દેખાયા નહીં અને જ્યારે ફરી લોકો સમક્ષ આવ્યા તો તેમનું વજન ખાસ્સું ઘટેલું હતું. એસોશિયેટેડ પ્રેસના રિપોર્ટ મુજબ કિમ જોન્ગે બે મહિનામાં 20 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. 2020માં તો કિમ જોન્ગની મૃત્યુની ખબર સુદ્ધાં આવી ગઈ હતી અને જે કિમ જોન્ગ જાહેરમાં દેખાતા હતા તે તેમના હમશકલ હતા. કિમના મૃત્યુને લઈને હંમેશાં પશ્ચિમી જગત અસમંજસમાં છે કારણ કે તેના મૃત્યુ પછી ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર શસ્ત્ર કોઈના પણ હાથમાં જઈ શકે છે.

દાયકાઓથી શાસન કરનારા નેતાઓ જ્યારે એકાએક આ રીતે બીમારીના શિકાર બને ત્યારે તેમના રસ્તા બંધ થઈ જાય છે કારણ કે તેમની કાર્યશૈલી મુજબ તેઓ કોઈ પણ પુરોગામી તૈયાર કરતા નથી અને પછી દેશને રેઢિયાળ સ્થિતિમાં મૂકીને વિદાય લે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પણ સ્વાસ્થ્યની ખબરો આવતી રહી છે પણ તેમાં તેમની સ્વાસ્થ્યની સાચી સ્થિતિનું આકલન હંમેશાં મુશ્કેલ રહ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક વખત એવું બન્યું છે જ્યારે તેઓ થાકેલા જણાતા કે પછી તેઓના ચહેરા પર કંટાળો વર્તાતો. ટ્રમ્પને કોરોના થયો ત્યારે પણ તેમની સ્થિતિ નાજુક થઈ હતી તેમ કહેવાય છે. જો કે ટ્રમ્પના સ્વાસ્થ્યની બીજી બાજુ એવી છે કે તેમાં એવો પ્રચાર થાય છે કે ટ્રમ્પ જેવો સ્વસ્થ પ્રેસિડન્ટ હજુ સુધી અમેરિકાને મળ્યો નથી.

વર્લ્ડ લીડર્સ હંમેશાં પોતાની છબિ એ રીતે જાળવી રાખે છે કે તેઓ પૂરી દુનિયા પર શાસન કરવા સક્ષમ છે. પુતિન સ્પોર્ટસ અને અન્ય એડવેન્ચર દ્વારા તેવી છબિ તૈયાર કરવામાં કામિયાબ રહ્યા પરંતુ બધા જ પુતિનની જેમ આવી છબિ ઘડી શકતા નથી. જેમ કે, અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડનની હાલની ઉંમર 79 છે અને તેઓ ઉંમરના હિસાબે થતી કેટલીક એવી બીમારીઓથી પીડાય છે અને તેમણે આ બીમારી સાથે જ દેશનું નેતૃત્વ કરવાનું છે. તેઓ ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે. આ બીમારીમાં માણસના વર્તનમાં અતિરેક દેખાય છે. તે સામાન્ય વ્યવહાર કરવામાં અક્ષમ હોય છે. એ રીતે 1988માં તેમને મસ્તિષ્કની બીમારી થઈ હતી જેનો ઇલાજ કરીને તેઓ સ્વસ્થ્ય થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મજબૂત નથી તેવું અનેક ઇવેન્ટમાં વીડિયોમાં કેદ થઈ ચૂક્યું છે. જેમ કે, યુનિવર્સિટી ઑફ પેન્સેવેલિનિયામાં તેમનું વક્તવ્ય હતું ત્યારે તેઓએ વક્તવ્ય પૂરું કર્યા બાદ જ્યાં કોઈ વ્યક્તિ નહોતી ત્યાં હસ્તધૂનન માટે હાથ આગળ કર્યો હતો અને હસ્તધૂનન કર્યું પણ હતું. એવી જ રીતે વ્હાઈટ હાઉસની એક અન્ય ઇવેન્ટમાં તેઓ બિલકુલ બેધ્યાન દેખાતા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા પણ હતા અને તે વખતે બાયડનના વિરોધીઓએ તેમને ‘Sleepy joe’ એવું નામ આપ્યું! જાપાનના શિન્જો આબેએ પણ પોતાના સ્વાસ્થ્યના કારણે જ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે તેમ કહેવાય છે.

વર્લ્ડ લીડર્સમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ દેવાય છે પણ તેઓની ઉંમર 71 વર્ષની થઈ હોવા છતાં તેઓ પ્રમાણમાં ફીટ દેખાય છે. થોડા વખત પહેલાં તેમનો યોગ કરતા અને અન્ય એક્સસાઇઝ કરતા વીડિયો આવ્યા હતા. હજુ પણ તેઓ જે રીતે કાર્યક્ષમ દેખાય છે તેનાથી અનેકને આશ્ચર્ય પણ થાય છે. વિદેશ જતી વેળાએ વિમાનની સીડી તે જે રીતે ચઢતા હોય છે તેનાથી તેમની સ્વસ્થતાનો અંદાજ લગાવી શકાય પરંતુ તેમની મિનિસ્ટ્રીમાં અનેક આગેવાનો એવા છે જેમની તબિયત નાજુક છે. સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીએ ધાર્યા કરતાં ખૂબ વહેલા વિદાય લીધી. એ રીતે અમિત શાહની બીમારીને લઈને રહસ્ય રાખવામાં આવ્યું હતું.

ગૃહમંત્રીને કોવિડ થયા પછી તેઓને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તે પછી પણ સ્વાસ્થ્ય સુધારા પર ન આવતાં ફરી બે અઠવાડિયા પછી તેઓને એઇમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અમિત શાહની બીમારી વિશે અનેક તર્કવિતર્ક આ રીતે થતા રહ્યા છે. થોડા વખત પહેલાં એ રીતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એક સ્ટેજ પર ઢળી પડ્યા હતા. આ રીતે પૂરી દુનિયામાં જાણે એવો શિરસ્તો પડી ગયો છે કે રાજકીય આગેવાનોની બીમારીઓને છૂપી રાખવી. તેઓ આખરે માણસ છે અને આપણા આગેવાન હોવાના નાતે તેમના સ્વાસ્થ્ય વિશે પારદર્શિતા હોવી જોઈએ.

Most Popular

To Top