શસ્ત્રવિહીન પર્યટકો પર હુમલો તે ભારતના આત્મા પર હુમલો છે એવા ઝટકા મારવા, વિદેશી ધરતી પર ભારતીય સંસ્થાઓ અને લોકતંત્રનું અપમાન કરનારાંઓને દેશદ્રોહી ગણાવવાં, 140 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ દુશ્મનના આતંકવાદની કમર તોડી નાખશે અને ફોડીફોડીને કહેવું, દુર્ગંધ પસંદ કરનારાઓ ગૌશાળાઓની સ્થાપના કરનારાઓ છે એવી ઐસીતૈસી કરવી, હુમલો કરનાર આતંકવાદીઓ અને તેનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પનાથી મોટી સજા મળશે એવી પસ્તાળ પાડવી, પોલીસ જો પોતાના રાજકીય માલિકોનું જ કહ્યું માનશે તો રાજ્યભરમાં અરાજકતા ફેલાઈ જશે એમ પ્રતિપાદન કરવું તથા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર પરદેશી પેનલના રિપોર્ટને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત હોવાની આકરી પ્રતિક્રિયા આપવી આદિ વિવિધ પ્રયોગો દ્વારા ભારતીય રાજનીતિમાં હરણફાળ ભરી શકાય એમ છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાર્યક્રમના અંતે પ્રશ્નોતરી: ટાળવા જેવી પ્રથા
સંખ્યાબંધ કાર્યક્રમોમાં હાજરી આપવાનું આ લખનારને પ્રાપ્ત થાય છે. આમાં વકતા તો આપેલા વિષયને મોટા ભાગે સારો ન્યાય આપે છે પણ બાદમાં શ્રોતોઓને આ વિષય અંગે પ્રશ્ન પૂછવા કહેવાય છે. આનો હેતુ સારો છે. વકતાને પણ ઉત્તર આપવાનું મન થાય એવા પણ પ્રશ્ન હોય છે પણ મોટા ભાગે આમ નથી બનતું, કારણ કે પ્રશ્નની સજ્જતા ન હોવાથી સાવ સામાન્ય પ્રશ્ન શ્રોતાઓ પૂછતા હોય છે. વળી એક સાથે અર્ધો ડઝન આંગળી પ્રશ્ન પૂછવા ઊંચી થાય છે ત્યારે વકતા અને આયોજક મૂંઝવણ અનુભવે છે. થોડુંક આગળ વધતાં એકાદ બે મેટરમાં તો પૂછનારને પોતે ધારેલ જવાબ મળે એની ઈચ્છા હોય છે. પરિણામે બાકી રહેલાં શ્રોતાઓના મનનો પડઘો પાડે એવો સારો પ્રશ્ન બાજુએ રહી જાય છે. એના કરતાં વક્તાને જ થોડો સમય વધુ અપાય તો સૌને લાભદાયી નીવડી શકે. કાર્યક્રમને અંતે જો પ્રશ્નોત્તરી ઉચિત જણાય તો બે કે ત્રણ પ્રશ્નોની મર્યાદા બાંધી શકાય.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.