ભોપાલ: (Bhopal) ટીવીની (Tv) જાણીતી અભિનેત્રી (Actress) અને બિગ બોસ (Big Boss) સિઝન 4ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta tivari) જોશમાં હોશ ગુમાવી બેઠી છે. એક વેબ સિરિઝના (Web Series) પ્રમોશન માટે ભોપાલ ગયેલી શ્વેતા તિવારીએ પત્રકારોની સામે ભગવાન વિશે વિવાદાસ્પદ નિવેદન કરી મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે, ‘અહીં, મારી બ્રા ની સાઈઝનું માપ ભગવાન લઈ રહ્યાં છે’. શ્વેતાના આ નિવેદન બાદ ભડકો થયો છે.
અભિનેત્રી શ્વેતા તિવારી ફેશનવર્લ્ડ સાથે સંકળાયેલી એક વેબસિરિઝની પ્રોડક્શન ટીમ સાથે 26મી જાન્યુઆરીએ ભોપાલ ગઈ હતી. અહીં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા (Social Media) પર લોકો અભિનેત્રી વિરુદ્ધ બેફામ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. યુઝર્સ શ્વેતા તિવારી પર તૂટી પડ્યા છે અને તેને ગાળો ભાંડી રહ્યાં છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આ નિવેદનની ગંભીર નોંધ લીધી, આ આદેશ આપ્યા
આ સમગ્ર મામલે મધ્યપ્રદેશના રાજકારણીઓ પણ સક્રિય થયા છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવારીના આ નિવેદનની ગંભીર નોંધ લીધી છે. પત્રકારોએ પ્રશ્નોના જવાબમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ‘શ્વેતા તિવારીનું નિવેદન મેં સાંભળ્યું પણ છે અને જોયું પણ છે. આ નિવેદન ચલાવી લેવાય નહીં. હું તેની નિંદા કરું છું. નિવેદન સાંભળ્યા બાદ તરત જ મેં ભોપાલ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે તપાસ કરીને ઝડપથી તેનો રિપોર્ટ મને સોંપે. તે પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’
હિન્દુ સંગઠનો સક્રિય થયા, શ્વેતા વિરુદ્ધ આ કાર્યવાહીની માંગ કરી દીધી
દરમિયાન આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય થઈ ગયાં છે. ‘સંસ્કૃતિ બચાઓ મંચ’ નામના સંગઠનના ચંદ્રશેખર તિવારીએ એવી માગ કરી છે કે, ‘શ્વેતા તિવારી જાહેરમાં આ મુદ્દે માફી માગે. ફિલ્મ ડિરેક્ટરો અને અભિનેતા-અભિનેત્રીઓએ જાણે હિંદુ ધર્મના ભગવાનોનું અપમાન કરવાનો ઈજારો લીધો છે.’ ચંદ્રશેખર તિવારીએ મધ્ય પ્રદેશના ગૃહમંત્રીને શ્વેતા તિવારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડ કરવાની તેમજ વેબ સિરીઝના શૂટિંગની પરમિશન રદ્દ કરવા માગ કરી છે.
વિવાદ શું છે?
આ વિવાદના મૂળમાં એક વેબસિરિઝ છે. આ વેબ સિરીઝ ફેશન વર્લ્ડ પર આધારિત છે. તેનું શૂટિંગ ભોપાલમાં થવાનું છે. આ વેબસિરિઝ સંબંધિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ સિરીઝની તમામ સ્ટારકાસ્ટ સ્ટેજ પર હાજર હતી. ‘શો સ્ટોપર્સ’ નામની આ વેબ સિરીઝમાં શ્વેતા તિવારી ઉપરાંત કંવલજીત સિંહ, રોહિત રોય, સૌરભ રાજ જૈન જેવા કલાકારો અભિનય કરી રહ્યાં છે. એક પત્રકારે અભિનેતા સૌરભ રાજ જૈન, જે ટેલિવિઝનના પડદા પર ભગવાન શ્રીકૃષ્ણનું અને અન્ય ધાર્મિક પાત્રો ભજવવા માટે જાણીતો છે, તેને પૂછ્યું કે, તમે તો ભગવાનનાં પાત્રો ભજવવા માટે જાણીતા છો, આ ફેશન વર્લ્ડમાં ક્યાંથી ફસાઈ ગયા? તેના જવાબમાં સૌરભ રાજ જૈન કશું બોલે એ પહેલાં મજાક મજાકમાં શ્વેતા તિવારી બોલી ગઈ કે, ‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝનું માપ લઇ રહ્યા છે.’ દેખીતી રીતે જ શ્વેતા તિવારીનો ઇશારો અભિનેતા સૌરભ રાજ જૈનના પાત્ર તરફ હતો. એ દરમિયાન બધાએ આ વાત મજાક સમજીને ઉડાવી દીધી અને તેને સહેજ પણ ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ હવે આ સ્ટેટમેન્ટનો વીડિયો પબ્લિક પ્લેટફોર્મ પર આવતાં નવો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારનાં એક્સ્ટ્રીમ રિએક્શન આપી રહ્યાં છે.
વિવાદ બાદ શ્વેતા તિવારીનો ડાન્સ વીડિયો વાયરલ થતાં લોકો વધુ ગુસ્સે ભરાયા
વિવાદ વચ્ચે શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્વેતા તિવારી એક અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં શ્વેતાની સાથે પાયલ સોની પણ જોવા મળી રહી છે. વીડિયોના કેપ્શનમાં શ્વેતાએ પાયલને ‘સુતલી બોમ્બ’ કહી છે. જ્યાં એક તરફ શ્વેતાનો આ વીડિયો ચાહકોને પસંદ આવી રહ્યો છે, તો બીજી તરફ તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે.