‘ગુજરાતમિત્ર’ સત્સંગ પૂર્તિના અધ્યાત્મ દર્શન લેખમાં વિદેહ અમરત્વ વ્યાસ પુત્ર શુકદેવજી અનુપભાઇ શાહની કલમે ઘણા સમયથી વાંચીએ છીએ. આ અનુપભાઇનો અધ્યાત્મ વિદ્યાના ગહન જ્ઞાનનો પુરાવો છે. એક ગુફામાં શંકર ભગવાન પાર્વતીજીને અમર કથા કહી રહ્યા હતા ત્યાં બીજું કોઇ નહોતું. પાર્વતીજી હોકારો કરી રહ્યા હતા તેવામાં પાર્વતીજીને ઊંઘ આવી ગઇ અને ત્યાં શુક ગુફામાંથી હુંકારો કરી રહ્યો હતો. જયારે શિવજીને આ વાતની ખબર પડી ત્યારે ખૂબ ગુસ્સે થયા અને શુકને મારવા તેની પાછળ ત્રિશૂળ લઇને દોડયા. શુક વ્યાસજીના આશ્રમ આવી તેની પત્ની વાટિકાના મુખ માર્ગે ગર્ભ સ્વરૂપે સ્થિર થઇ ગયા. 12 વર્ષ સુધી તે ગર્ભસ્થ અવસ્થામાં જ રહ્યા. તે દરમિયાન તેમણે વેદ, ઉપનિષદ, પુરાણ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેઓ ગર્ભમાં પણ બોલતા હતા.
વ્યાસજીએ તેમનું નામ શુક પાડયું અને તેઓ વ્યાસપુત્ર કહેવાયા. તેઓ ગર્ભમાંથી બહાર નહોતા આવતા કારણ કે તેમને ડર હતો કે મને સંસારની મોહમાયા ઘેરી લેશે. તેના પ્રભાવથી બચવા માંગતા હતા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને આશ્વાસન આપ્યું કે તેમને સંસારની મોહમાયાની અસર થશે નહિ અને તેઓ ગર્ભમાંથી બહાર આવી 12 વર્ષની ઉંમરે જ ઘર છોડી નીકળી ગયા. વ્યાસજ તેમને પુત્ર, પુત્ર કરતા તેમની પાછળ ગયા પરંતુ તેઓ રોકાયા નહિ. પછી તો તેમણે રાજા પરીક્ષિતને ભાગવત કથા કહી તેમને મોક્ષ પ્રદાન કર્યો. આજે પણ ભાગવત કથાનું એટલું જ મહત્ત્વ છે. અનુપભાઇ શાહને ગહન અધ્યાત્મ જ્ઞાન માટે ઘણા અભિનંદન અને ‘ગુજરાતમિત્ર’ આવું અધ્યાત્મ જ્ઞાન વાચકને પીરસતા જ રહે તેવી અપેક્ષા.
સુરત – પ્રભા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
