Business

શ્રીરામ સકારાત્મકતાનું અને રાવણ નકારાત્મકતાનું પ્રતીક છે

આપણાં ભારતમાં કેટલાંય મહાન ગ્રંથો છે, જેમાં રામાયણ એક એવું મહાકાવ્ય છે, જેના માટે ભારતવાસીઓના જ દિલમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોમાં શ્રધ્ધા છે. કેટલાંય ચિંતકો રામાયણ પર સંશોધન કરી રહ્યા છે, ને એમાંથી કેટલાંયે પ્રકારના તથ્યો કાઢી રહ્યા છે. જે વાતો શાસ્ત્રોમાં લખવામાં આવી છે, એની પાછળ પણ કોઈ મર્મ જરૂર છુપાયેલો છે. જે મર્મને વર્તમાન સમયે વ્યકિતની સાથે પણ જોડી શકાય છે અને એમાંથી જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી શકાય છે. કારણકે આ બધાં જ ગ્રંથોમાં વર્તમાન સમયની પરિસ્થિતિને ઘણી જ સુંદર રીતે દર્શાવેલ છે. આજે પણ મનુષ્ય પોતાના વ્યવહારિક જીવનમાં આ મહાકાવ્યમાંથી ઘણી વાતો શીખી શકે છે અને પ્રેરણાઓ લઈ શકે છે. જેનાથી પોતાના જીવનને એક દિશા આપી શકે અને શ્રેષ્ઠ બનાવી શકે.

જીવનના માર્ગમાં એવા ઘણાં વળાંકો આવે છે, જ્યારે મનુષ્ય પોતાને ભટકતો જીવ હોય એવો અનુભવ કરે છે એવા સમયે એની મનોસ્થિતિ તનાવગ્રસ્ત થઈ જાય છે. આ મહાકાવ્યમાં આ બધી જ સમસ્યાઓનું સમાધાન ઉપલબ્ધ છે. લોકો શાસ્ત્રોનું અધ્યયન તો કરે છે પરંતુ એનો આધ્યાત્મિક અર્થ શું છે એ નથી જાણતા. આ એક એવા સમયની વાત છે, આ કથા નથી પરંતુ વાસ્તવિક જીવનમાં વર્તમાન સમયના સંસારની એક દશા છે. (પરિસ્થિતિ) અને તેથી પ્રત્યેક મનુષ્યના જીવન માટે આ આધ્યાત્મિક રહસ્ય નવી દિશા પ્રદાન કરી શકે છે. રામાયણમાં જેટલાં પણ પાત્રો વર્ણવેલાં છે, તે પ્રત્યેક પાત્રોમાં કોઈ ને કોઈ રીતે તેનો અર્થ સમાયેલો છે. જેમ કે શ્રી રામ એક એવું પાત્ર છે જેમાં એક આદર્શ સમાયેલો છે. એને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે, શ્રીરામે બધાં જ પ્રકારના સંબંધોને મર્યાદા અને જવાબદારીપૂર્વક નિભાવ્યા છે. કોઈ પણ સંબંધે, કોઈ પણ પરિસ્થિતિમાં એમણે ક્યારેય એમના મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક ભાવો ઉત્પન્ન થવા દીધા નથી.

સમસ્યાઓ દરેક મનુષ્યના જીવનમાં આવે છે. પરંતુ એવી સમસ્યાઓની વચ્ચે આપણા મનમાં તરત જ નકારાત્મક ભાવ ઉત્પન્ન થઈ જાય છે અથવા તરત જ આપણે કોઈને દોષિત સિધ્ધ કરવાના પ્રયત્નોમાં લાગી જઈએ છીએ કે આ જ વ્યકિતને કારણે આમ બન્યું છે પરંતુ શ્રી રામના જીવનમાં પણ અનેક સમસ્યાઓ આવી પરંતુ એવી પરિસ્થિતિ દરમ્યાન પણ શ્રીરામે કેટલી સ્વસ્થતા સાથે, સકારાત્મક મન સાથે પરિસ્થિતિઓને સંભાળી લીધી. આ વાત ફક્ત કથા યોગ્ય જ નહિ પરંતુ આચરણ યોગ્ય પણ છે. એમણે કોઈપણ સમસ્યા માટે કોઈ એકને પણ દોષિત કર્યા નથી, કે રાવણને કારણે આમ થયુ અથવા મંથરાને કારણે આમ થયું અથવા કૈકેયીએ આમ કેમ કર્યુ. કોઈપણ પરિસ્થિતિમાં નકારાત્મક મનોવૃત્તિથી કાર્ય ન કર્યુ. હંમેશા સમાધાન સ્વરૂપ રહ્યા અને દરેક સમસ્યાઓનું સમાધાન કરતા ગયા. કોઈપણ પરિસ્થિતિમાં તનાવગ્રસ્ત બનીને ન કોઈ નિર્ણય લીધો કે ન કોઈ કાર્ય વ્યવહાર કર્યો.

આજની દુનિયામાં પણ શું થઈ રહ્યું છે? અપહરણના કિસ્સાઓ બની રહ્યા છે. તે સમયે પણ એવી પરિસ્થિતિ બતાવવામાં આવી છે કે કેવી રીતે અપહરણ કરવામાં આવ્યું ? આજના અહંકારી મનુષ્યની જેમ તે સમયે પણ રાવણને અહંકારી અથવા કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર યુક્ત દર્શાવાયો છે. ઈર્ષા, દ્વેષથી પૂર્ણ બતાવાયો છે. જે પરિસ્થિતિઓ રામાયણમાં દર્શાવી છે તે વર્તમાન સમયે પણ છે એટલે આપણે આપણા સંબંધો કઈ રીતે કુશળતાપૂર્વક નિભાવવાના છે એની અદ્વિતીય સ્પષ્ટતા રામાયણના મહાકાવ્ય દ્વારા પ્રાપ્ત થાય છે. કેવી રીતે આપણે આદર્શ વ્યવહાર પ્રસ્થાપિત કરીએ એ સત્ય વાતની સ્પષ્ટતા રામાયણ પ્રદાન કરે છે. રામાયણમાં રાવણ એક એવું પાત્ર છે, જેમાં અનેક પ્રકારની નકારાત્મક મનોવૃત્તિઓ છે અને એને નષ્ટ કરવા માટે દશરથના પુત્ર શ્રીરામે જન્મ લેવો પડયો એવું વર્ણન છે, પરંતુ હકીકતમાં જોઈએ તો આ સંસારમાં મુખ્ય રામના ત્રણ સ્વરૂપો છે.

‘‘એક રામ દશરથ કા બેટા દૂજા રામ ઘટ ઘટમેં લેટા (આત્માને પણ રામ કહેવામાં આવે છે) ત્રીજા રામ જગત સે ન્યારા (સંસારથી ન્યારા પરમાત્માને પણ રામ કહેવામાં આવે છે) આ ત્રણે‘‘રામ’’ની વાતોને ભેળવી દેવામાં આવી છે. સતયુગ અને ત્રેતાયુગમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વ્યકિતત્વનું કોઈ સ્થાન નથી. હકીકતમાં આ સત્ય વાત આત્મા-રામ અને પરમાત્મા-રામ વચ્ચે છે. આત્મા-રામ એ આધ્યાત્મિકતાનો સાથ લે તો કેવી રીતે પોતાના સ્વસ્થ મનોવૃત્તિને આધારે કઠિન થી કઠિન પરિસ્થિતિઓ પણ દૂર કરી શકે છે. જીવનમાં જ્યારે પણ નકારાત્મક વાતો આવે ત્યારે તેને કેવી રીતે પાર ઉતારવી એ પ્રશ્ન સામે આવીને ઊભો રહી જાય છે. રામાયણમાં આ રહસ્યને સ્પષ્ટ કરતા સમજાવ્યું છે કે, દૈવી તત્ત્વ અને આસુરી તત્ત્વ વચ્ચે હંમેશાં યુધ્ધ ચાલતું આવ્યું છે. આત્મા-રામનાં જીવનમાં પણ આ સંઘર્ષનો દૌર આવ્યો, સંઘર્ષ સતકર્મ અને દુષ્કર્મની સાથે ખેલાતો આવ્યો. પ્રત્યેક વ્યકિતમાં સદ્દગુણો પણ છે તો અવગુણો પણ છે, પરંતુ ક્યારેક એવી સ્થિતિ સામે આવે છે ત્યારે નકારાત્મકતાનો પ્રભાવ વધી જાય છે અને સકારાત્મકતા પર ચઢાઈ કરે છે. સકારાત્મકતાને પરાસ્ત કરવા પ્રયાસ કરે છે. પરંતુ શ્રીરામ અર્થાત્ પોતાનામાં રહેલા સદ્દગુણોને જાગૃત કરવા, કોઈ પણ અવગુણરૂપી નકારાત્મકતા જીવનમાં ક્યારે પણ આવે તેની સામે લલકાર કરવો.

રાવણ અર્થાત્ નકારાત્મક અશુધ્ધ કર્મોનું પ્રતીક છે. જે મનુષ્ય પોતાના સંસ્કારોને વશીભૂત થઈ કાર્ય કરે છે પરંતુ જ્યારે માનવી સકારાત્મક માર્ગ પર ચાલવા મનોમન નિશ્ચય કરે છે ત્યારે તે સમયે નકારાત્મક શક્તિ એને પરાસ્ત કરવા માંગે છે. આ પડકાર તેને માટે યુધ્ધ  બને છે. આ યુધ્ધમાં એવું બને છે કે નકારાત્મક શક્તિ વિદાય લેતાં પહેલાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે જે થકી મનુષ્ય ક્યારેક ક્યારેક ગભરાય જાય છે, વિચારે છે કે સદ્દગુણના માર્ગ પર ચાલવા અસમર્થ છું. આ રીતે ડરીને તે માનવી સત્યનો માર્ગ છોડી દે છે પરંતુ વાસ્તવમાં જેટલો આપણે પોતાની જાતમાં વિશ્વાસ મૂકીશું, પરમાત્મા રામમાં વિશ્વાસ મૂકીશું, નિશ્ચય રાખીશું એટલી આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીશું અને પરમાત્મા શક્તિના સહારે રાવણ અર્થાત્ નકારાત્મકતા પર વિજય પ્રાપ્ત કરી શકીશું. આપણા સહપરિવાર માટે પ્રેરણાસ્ત્રોત બનીએ.

Most Popular

To Top