Sports

ઋષભ પંત પર હવે આ પૂર્વ ક્રિકેટરનો ગુસ્સો ફૂટ્યો, કહી દીધું એવું જેનાથી ટીમની ચિંતા વધી ગઈ…

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) ખરાબ ફોર્મને લઈને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી રહી છે ત્યારે બીજી તરફ હવે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પંત વિશે કડક ટિપ્પણીઓ કરવા લાગ્યા છે. ખાસ કરીને પંતના એટીટ્યૂડ વિશે તીખી ટીકાઓ થઈ રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર ક્રિષ્ણામાચારી શ્રીકાંતે (Shrikant) પંતને ટીમમાંથી પડતો મુકવાની સલાહ આપી દીધી છે.

ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડમાં છે અને વનડે સીરીઝ રમી રહી છે. આ શ્રેણીમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું નિરાશાજનક પ્રદર્શન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી રહ્યું છે. હવે પૂર્વ ક્રિકેટર અને પૂર્વ પસંદગીકાર કે.કે. શ્રીકાંતે ઋષભ પંતને ઠપકો આપ્યો છે. કૃષ્ણમાચારી શ્રીકાંતનું માનવું છે કે ઋષભ પંત તકો વેડફી રહ્યો છે. તેને પોતાની રમતને સુધારવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેકની જરૂર છે.

તમને જણાવી દઈએ કે ઋષભ પંત મર્યાદિત ઓવરની ક્રિકેટમાં સતત નિષ્ફળ રહ્યો છે. પંતે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમતના સૌથી ટૂંકા ફોર્મેટ T20માં તેની છેલ્લી અડધી સદી ફટકારી હતી. 2022માં ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં તેણે 21 ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે માત્ર બે વખત 30 રનનો આંકડો પાર કર્યો છે. 25 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેને આ વર્ષે નવ વન ડે ઇનિંગ્સમાં બે અડધી સદી અને એક સદી ફટકારી છે.

શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ ચીકી ચીકા પર કહ્યું, ‘તમે પંતને આરામ આપી શકો છો અને તેને થોડી રાહ જોવાનું કહી શકો છો. ટીમ મેનેજમેન્ટ પંતને સારી રીતે સંભાળી શક્યા નથી. શું તેઓ પંતને આરામ આપતા પહેલાં થોડી મેચોની રાહ જોઈ રહ્યાં છે કે પછી તેને એકાદ બે મેચ રમાડી ડ્રોપ કરવા માંગે છે. શ્રીકાંતે વધુમાં કહ્યું, ‘ઋષભ પંતે તેને મળેલી તમામ તકોનો ફાયદો ઉઠાવ્યો નથી. હું ખૂબ જ નિરાશ છું, શું થઈ રહ્યું છે પંત. જણાવી દઈએ કે ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં માત્ર 17 રન બનાવ્યા હતા, જ્યારે તે પ્રથમ વનડેમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.

‘વર્લ્ડ કપ નજીક છે, બ્રેક આપવો યોગ્ય છે’
ભૂતપૂર્વ ભારતીય ઓપનર શ્રીકાંતે કહ્યું, ‘પંત તકો વેડફી રહ્યો છે. જો તમે આ પ્રકારની મેચોમાં સારો દેખાવ કરશો તો સારું રહેશે. વર્લ્ડ કપ નજીક છે. ઘણા લોકો કહી રહ્યા છે કે પંત રન બનાવવા માટે સક્ષમ નથી, જે આગમાં ઘી નાંખવાનું કામ કરશે. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘તે પોતાના પર દબાણ બનાવી રહ્યો છે. પંતે પોતાની રમતને ફરીથી સમજવાની જરૂર છે. પંતે ક્રીઝ પર ટકીને રમવું પડશે. તે હંમેશા પોતાની વિકેટ વિરોધી ટીમને ઈનામમાં આપી દે છે. તમને જણાવી દઈએ કે ચાહકો સતત માંગ કરી રહ્યા છે કે ઋષભ પંતની જગ્યાએ સંજુ સેમસનને વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં રમાડવામાં આવે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે ત્રીજી અને અંતિમ વનડે રમાશે.

Most Popular

To Top