Madhya Gujarat

ડાકોર મંદિરમાંથી આજે શ્રીજીની દબદબાભેર રથયાત્રા નીકળશે

ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરેક ઉત્સવોની ઉજવણી નક્ષત્રને આધિન કરવામાં આવે છે. મંદિરમાં રથયાત્રાની ઉજવણી પુષ્ય નક્ષત્રમાં જ કરવામાં આવે છે. આ વખતે પુષ્ય નક્ષત્ર રથયાત્રાના બીજા દિવસે આવે છે. જેથી ડાકોર મંદિરમાં આ વખતે તારીખ 21 મી જુનને બુધવારના રોજ પુષ્ય નક્ષત્રના શુભ મૂહુર્તમાં શ્રીજીની ભવ્ય રથયાત્રા નીકળશે.

આ રથયાત્રામાં ડાકોર ઉપરાંત અમદાવાદ-વડોદરા સહિતના ગામ-શહેરોની મંડળીઓ દ્વારા ભજનોની રમઝટ બોલાવાશે. ‹જય રણછોડ….માખણ ચોર› ના ગગનભેદી નાદથી મંદિર પરિસર સહિત આખું નગર ગુંજી ઉઠશે. લગભગ 8 કિલોમીટરની આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે અને ભગવાનને ફણગાવેલા મગ, જાંબુ, કેરી, કેળાનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સવારે મંદિરમાંથી નીકળેલી રથયાત્રા ગોમતીજીની પ્રદક્ષિણા ફરી મોડી સાંજે નીજ મંદિરે પરત ફરશે.

Most Popular

To Top