Columns

જાણો ગણેશજીને ચઢાવવામાં આવતા હજારો ટન ફૂલોનું શું થાય છે?

કોરોનાના મહામારીના બે વર્ષ દરમ્યાન આકરા નિયંત્રણો વચ્ચે અનેક તહેવારો- ઉત્સવોની જેમ ગણેશોત્સવ પણ અનેક મર્યાદાઓ વચ્ચે ઉજવાયો પણ આ વર્ષે દેશભરમાં બમણાં ઉત્સાહથી ગણેશોત્સવના આયોજનો થઇ રહ્યા છે ખાસ કરીને મહારાષ્ટ્રીયન લોકો દ્વારા પ્રારંભ થયેલો આ તહેવાર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ લોકો ઉજવતા થયા છે. ગુજરાતમાં પહેલા સુરત, વડોદરામાં યોજાતો ગણેશોત્સવ હવે અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજ્યના નાના-મોટા શહેરો અને ગામોમાં ઉત્સવ ઉજવાતો થયો છે. સુરતમાં 65,000 થી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિઓની સ્થાપના થશે અને દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ કે દસ દિવસ પછી નદી-દરિયા કે કૃત્રિમ તળાવોમાં આ મૂર્તિઓનુ વિસર્જન થશે.

પર્યાવરણવાદી, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ તથા સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓના સહકાર સલાહ અને વિનંતીથી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તઓ બંધ થઇ રહી છે અને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનવા લાગી છે જે ખૂબ પ્રસંશનીય કહી શકાય તેવું પગલું છે. તાપીની સ્વચ્છતા જળવાઈ રહે એટલા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન મુજબ 18 જેટલા કૃત્રિમ તળાવો બનાવાઈ રહ્યા છે.

ગણેશોત્સવ દસ દિવસ દરમ્યાન હજારો પંડાલોમાં ગણપતિને ચઢાવાતા હજારો ટન ફૂલો લોકો નદીમા ના પધરાવે તે માટે મહાનગરપાલિકા દ્વારા ચઢાવાયેલા ફૂલો એકઠા કરી પાલિકા દ્વારા શરૂ કરાયેલા ચોક અને કતારગામના પ્લાન્ટમાં મોકલીને તેનુ ખાતર બનાવવામાં આવે છે. રસાયણોની ભેળસેળ વગર બનતું આ ખાતર ફ્રુટ, શાકભાજી માટે ખૂબ ઉત્તમ ગણાય છે. ધાર્મિક લાગણીના દુભાય એ રીતે ફૂલોનો વેસ્ટ પગ નીચેના કચડાય અને સીધો પ્લાન્ટ સુધી પહોંચાડાય તે માટે સુરતની સામાજીક સંસ્થાઓના કાર્યકારો પણ દસ દિવસ દરમ્યાન સેવા આપતા હોય છે.

બે દિવસ પછી બુધવારથી શરૂ થઇ રહેલ ગણેશોત્સવ માટે છેલ્લા પંદર દિવસથી શહેરમાં જોરદાર તૈયારીઓનો ધમધમાટ જોવા મળે છે આનંદપૂર્વક અને જુસ્સાભેર ઉજવાયેલ 15 ઓગસ્ટનો અમૃત મહોત્સવ અને ગોવિંદાઓના ઉત્સાહ સાથેની જન્માષ્ટમીની ઉજવણી પછી ટુંકા સમયમાં આવેલ આનંદ ઉત્સવના આ અવસરે ગણેશ પ્રતિમાઓમાં અને પંડાલોના ડેકોરેશન માં અમૃત મહોત્સવની અસર જોવા મળે છે. દુંદાળા દેવ, વિઘ્નહર્તા-સુખકર્તા ગજાનન ગણપતિ મહારાજ સનાતન ધર્મમાં સર્વત્ર પ્રથમ પૂજનિય છે. અને દેશના પ્રત્યેક મંદિરોમાં ગણેશનું સ્થાન અવશ્ય હોય છે. માત્ર ગણેશજીના મંદિરો ગુજરાતમાં અનેક જગ્યાએ છે એવા કેટલાક મંદિરોની થોડી સંક્ષિપ્તમાં વિગતો જાણીએ…

સૌરાષ્ટ્રમાં ઉપલેટા નજીક ઢાંક ગામે સિધ્ધિ વિનાયક મંદિર હજારો વર્ષ પૌરાણિક હોવાનુ કહેવાય છે. અહિં મુષકના બદલે સિંહ પર અસવાર થયેલી જમણી બાજુના સુંઢવાળી ગણપતિની પ્રતિમા છે. મંગળવારે, સંકષ્ટચોથ અને ગણેશોત્સવ દરમ્યાન અહી ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. અહિં એક વિશિષ્ટ માન્યતા છે કે શ્રદ્ધાળુઓ તેમની મનોકામના પોસ્ટકાર્ડમાં લખેલી મનોકામના ગણપતિની પ્રતિમાના કાનમાં કહી સંભળાવે છે. વારંવાર લખાયુ છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી.

સૌરાષ્ટનું જ એક જામનગરથી 21 કિ.મી.ના અંતરે કાલાવડ રોડ પર આવેલ સપડા ગામની સીમમાં 500 વર્ષ પુરાણુ સિદ્ધિ વિનાયક મંદિર આવેલ છે. ગામના પાદરની હરિયાળી વચ્ચે નાની ટેકરી પર પ્રસ્થાપિત મંદિરમાં દેશ વિદેશથી ભકતો દર્શને આવે છે. આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં રહેતા ખેડુતો તેના ખેતરમાં પાકને જીવજંતુ અને કિટાણુઓથી રક્ષા માટે ખેતરના બે-ચાર પથ્થર લઇ જઇને સપડા ગામના આ મંદિરે અર્પણ કરે છે. આવા એકત્ર થયેલ હજારો પથ્થરમાંથી મંદિરની બાજુમાં ઉંચા ચબુતરા ઉપર ગણપતિજીની વિશાળ મૂર્તિનું નિર્માણ કરાયું છે. શ્રધ્ધાળુઓ અહી પગપાળા દર્શને આવે છે.

અમદાવાદથી ડાકોર જવાના રસ્તે 25 કિ.મી.ના અંતરે મહેમદાવાદ પાસે વાત્ર નદીના કિનારે 2011માં એક વિશાળ મંદિરનું નિર્માણ થયેલ છે. 6 લાખ વર્ગફૂટમાં નિર્માણ થયેલ આ મંદિર 120 ફૂટ લાંબુ, 71 ફૂટ ઉંચુ અને 80 ફૂટ પહોળું છે. આ મંદિરના નિર્માણમાં ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સિમેન્ટ કે લોખંડ વાપર્યા વગર 20 ફૂટના ફાઉન્ડેશન પર એક જ શિલા પર મંદિર બનાવ્યુ છે મુંબઇના સિદ્ધિ વિનાયક યાત્રાળુઓ માટે રહેવાની, ભોજનની વ્યવસ્થા સાથે કાફેટેરીયા પણ છે. છેક ઉપરના માળે બિરાજતા શ્રીજીના દર્શન કરવા જવા માટે લિફટની વ્યવસ્થા પણ છે. ભજન-કિર્તન માટેનો હોલ ઉપરાંત સત્સંગ માટેનો સત્સંગ – હોલ સાથે અત્યાધુનિક સુવિધા સાથેના મંદિરની એકવાર જરૂર મુલાકાત લેજો.

ભરૂચ જિલાના જંબુસર નજીક ભાણખેતર ગામ આવેલુ છે પુરાણકાળમાં ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મહર્ષિ યજ્ઞવાલ્કયજીએ ઉગ્ર તપસ્યા કરીને સૂર્ય ભગવાનને પ્રસન્ન કરેલ સૂર્યનું એક નામ ભાનુ છે એટલે ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતા આ પ્રદેશમાં પેશ્વાકાળ સમયનું 400 વર્ષ જુનુ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. શંખ-છીપલા અને માટીની બનેલી 9 ફૂટ ઊંચી પ્રતિમા અહિં પ્રસ્થાપિત છે જમણી સુંઢની આ પ્રતિમા પાછળ ફેણ ફેલાવેલ સેષનાગ દૃશ્યમાન છે. મંગળવાર, સંકષ્ટી ચોથ અને ગણેશોત્સવ દરમ્યાન ભાવિકોની ભીડ જોવા મળે છે.

ધોળકા પાસેના કોઠ ગામની બાજુમાં ગણેશપુરા ગામ છે. ધોળકાથી 23 કિ.મી. અંતરે આવેલ ગણેશપુરામાં ભવ્ય ગણેશ મંદિર છે એવી માન્યતા છે કે પાંડવોએ અજ્ઞાતવાસનું એક વર્ષ અહિં વિતાવ્યુ હતું. પાંડવો નામ બદલીને રૂપ બદલીને છુપાવેશે અહિં રહેતા હતા.અર્જુને તેનુ ગાંડીવ ક્યાં છુપાવ્યુ તે યાદ રહે એટલે અહિં ગણપતિ મૂર્તિની સ્થાપના કરી હતી. જે શિમળાના વૃક્ષ ઉપર ગાંડીવ છુપાવેલુ તે શિમળાનું વૃક્ષ આજે પણ ત્યાં જ છે. છ ફૂટની ઉંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમા મંદિરમાં પ્રસ્થાપિત છે. થોડા વર્ષો પહેલા જીર્ણોધ્ધાર બાદ અધ્યતન મંદિર બનાવવામાં આવ્યું છે. અહિં અન્નક્ષેત્ર ચાલે છે તેમજ મંદિરમાં દર્શને આવતા ભકતો માટે ચા-કોફી અને ફરાળી ભોજન પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. ચોથના દિવસે શ્રધ્ધાળુઓની મોટી સંખ્યા દર્શને આવતી હોય મંદિરે 300 મણ એટલે કે છ હજાર કિલો લાડુનો પ્રસાદ વહેંચાય છે. સંકષ્ટી ચોથ અનેએગણેશોત્સવ દરમ્યાન બેથી અઢી લાખ દર્શનાર્થીઓ આવતા હોવા છતાં જાતે જ સ્વંયસેવક બનીને વ્યવસ્થા જાળવે છે.

સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલ બડા ગણેશ મંદિરનો ખૂબ મહિમા છે. ચપ્પલ પહેર્યા વિના ખુલ્લા પગે મંગળવારના દિવસે અહિ દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓની ખૂબ મોટી સંખ્યા છે. અહિં પ્રતિમાની તસ્વીર ખેંચવી કે વિડિયો ઉતારવા પર સખત પ્રતિબંધ છે. પૌરાણિક મનાતા આ મંદિરમાં જમણી સુંઢના ગણપતિ બિરાજમાન છે. દર મંગળવારે વહેલી પરોઢથી અહિં દર્શનાર્થીઓની લાઈન જોવા મળે છે.

સુરતમાં જ પાલ વિસ્તારમાં આવેલ અન્નપુર્ણા મંદિરના પરિસરમાં જ મુંબઇના સિદ્ધિ વિનાયક મંદરિની ગણેશ પ્રતિમા જેવી જ પ્રતિમા ધરાવતુ સિધ્ધિવિનાયક મંદિર છે અહીં રોજ દર્શનાર્થીઓની ભીડ હોય છે પણ મંગળવાર અને ગણેશચોથના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ વધી જાય છે. અને એક સિદ્ધિ વિનાયક મંદિર વેસુ વિસ્તારમાં છે. ભવ્ય અને ખૂબ વિશાળ આ મંદિર 2009-10 દરમ્યાન નિર્માણ પામ્યુ છે. મંદિરની વિખ્યાતિ વધતા દૂર-દૂરથી દર્શનાથીઓ અહિં બાપ્પાને માથુ ટેકવવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે મનોહર અને દૈદિપ્યમાન શ્રીજીની પ્રતિમા અદ્દભૂત અને આહલાદકતાનો અનુભવ કરાવે છે તેવી મોહક છે.

મંદિરની આવકનો સતત સદ્દપયોગ થતો રહ્યો છે. ટ્રસ્ટીગણ  દ્વારા સ્કૂલોમાં પાઠયપુસ્તકો અપાવવા, કિરણ હોસ્પિટલમાં દર્દીઓને ખર્ચમાં રાહત કરાવવી જેવી સેવાઓ ઉપરાંત કોરોના કાળ દરમ્યાન પાંચ લાખ જેવી રકમ સરકારના રાહત ફંડમાં આપવાની હોય કે દેશ માટે શહિદોના પરિવારને રોકડ સહાય કરાવાની હોય. વેસુના સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ હંમેશા એક કદમ આગળ હોય છે. અનેક ગણેશ મંદિરોની ભવ્ય ગાથાઓ લખી શકાય તેમ છે. પણ સ્થળ સંકોચને કારણે ફરી કોઇક-વાર..

Most Popular

To Top