ગાંધીનગર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે હોળી પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાનો ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે આ વિશેષ શોભાયમાન આયોજન સંપન્ન થયું હતું. વહેલી સવારે ૦૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. દાદાને વૃંદાવનમાં તૈયાર કરાયેલા આકર્ષક એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ દાદાના સિંહાસનને ગુલાબના સુગંધિત ફૂલોથી અને રંગબેરંગી કાપડોથી અલૌકિક શોભા આપવામાં આવી હતી.
હોળીના ઉમંગને વ્યક્ત કરતાં દાદાને રંગો અને પીચકારીઓ પણ ધારણ કરાવવામાં આવી હતી. મંદિર તથા સમગ્ર પરિસરને રંગીન ફૂલો અને કાપડોથી વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. આ અનોખા શણગાર અને આરતીના દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. હોળી-ધુળેટી પર્વ નિમિત્તે તા. આવતીકાલે ૩ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ તરીકે જાણીતા ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાદાને વિશેષ શણગાર અર્પણ કરી સાત રંગોના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો— ગુલાબી, લાલ, પીળો, નારંગી સહિત હર્ષોલ્લાસભેર દિવ્ય રંગોત્સવ ઉજવાશે. રંગોત્સવની પૂર્વ તૈયારીઓમાં અનેક હરિભક્તો સેવા કાર્યમાં જોડાયા છે. આ ભવ્ય આયોજન ધાર્મિક ઉત્સાહ, ભક્તિભાવ અને ભારતીય સંસ્કૃતિના રંગોથી સરોબર બની ભક્તજનો માટે યાદગાર સાબિત થશે.