સનાતનીઓમાં સૌથી વધુ પઠન કરાતી કે ગવાતી ચાલીસા હોય તો તે છે ‘હનુમાન ચાલીસા.’ સૌથી વધુ અસરકારક અને ત્વરિત ફળદાયક હનુમાન ચાલીસા એટલી બધી પ્રચલિત બની છે કે 70% સનાતનીઓને કંઠસ્થ હશે. સુખ-શાંતિ, વિદ્યાપ્રાપ્તિ, બળપ્રાપ્તિ, આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે કરાતી હનુમાનજીની આ સ્તુતિ 500 વર્ષ પૂર્વે સંત તુલસીદાસજીએ ચાલીસા સ્વરૂપે અદ્ભુત ઉપહાર આપણને આપ્યો છે. હનુમાન ચાલીસાની કેટલીક રોચક વાતો અહીં સંક્ષિપ્તમાં લખી છે. ખરેખર તો સંત તુલસીદાસજીનું જીવન જ રોચક રહ્યું છે. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના રાજાપુર ગામમાં ઇ.સ. 1532માં માતા હુલસી દેવી અને પિતા આત્મારામ દુબેના પરિવારમાં જન્મેલા તુલસીદાસનું જન્મ સમયે રડવાના બદલે રામ બોલવું, સામાન્ય બાળક કરતાં વધુ વજનના આ બાળકને જન્મતા સાથે જ દાંત ફૂટવા જેવી ઘટનાઓથી ગભરાયેલી તેની માતાએ કંઇ અમંગળ ના થાય તેથી ચુનિયા નામની દાસીને આ બાળક સોંપી દીધેલું. જો કે બીજે દિવસે તેની માતાનું અવસાન થતાં ચુનિયા દાસી તેના ઘરે આ બાળકનો ઉછેર કરવા લાગી પણ સાડા પાંચ વરસનું આ બાળક થયું ત્યારે ચુનિયા દાસીનું પણ અવસાન થયું ત્યારે સંત નરહરિદાસને કોઇ ઇશ્વરી પ્રેરણા થઇ એક બાળક તારી પ્રતીક્ષા કરે છે અને બાળપણનું નામ રામબોલા ધરાવતા તુલસીદાસના ગામમાં આવી તે રામબોલાને શિક્ષણ આપવા સાથે લઇ ગયા. યજ્ઞોપવિત સંસ્કાર સાથે વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરાવી તેને રામ-મંત્રની દીક્ષા આપી. ધર્મ વિદ્યાભ્યાસ દરમ્યાન એક વખત સાંભળી લે તો તેને કંઠસ્થ થઇ જતું હોવાની ઇશ્વરી બક્ષિસને લીધે ગુરુ નરહરિદાસ વેદ-વેદાંતના અભ્યાસ અર્થે કાશીના શેષસનાતનજી પાસે મૂકી ગયા ત્યાં તેમણે 15 વર્ષ ધર્મનું ઉચ્ચ અધ્યયન અને અભ્યાસ કર્યો બાદ ગુરુના આદેશ મુજબ રત્નાવલી નામની કન્યા સાથે વિવાહ કર્યા. એક સમયે રત્નાવલી પિયર જતાં તેના વિરહમાં પાછળ પાછળ સાસરે પહોંચી ગયેલા તુલસીદાસજીને રત્નાવલીએ મહેણું માર્યું કે મને પ્રેમ કરો છો એટલો ઇશ્વરને કરો તો ભવસાગર સુધરી જાય અને તેની અસર તુલસીદાસજીને હૃદયમાં ખૂબ ઊંડે સુધી થઇ. પ્રયાગરાજ પહોંચી તુલસીદાસજી સંસાર છોડી સંન્યાસી બની ગયા. ખૂબ તીર્થાટન કરી કાશીમાં સ્થાયી થયા. અહીં રામચરિત માનસ, વિનય પત્રિકા, ગીતાવલી કવિતાવલી, દોહાવલી, જાનકી મંગળ પાર્વતિમંગલ, બરવૈ રામાયણ જેવા અનેક ગ્રંથોની રચના કરી.

એક સમયે તુલસીદાસજી મથુરા જતાં હતા અને રાતવાસો કરવા રસ્તામાં આવતા આગ્રા ખાતે રોકાણ કર્યું. જો કે એ અરસામાં તુલસીદાસજીની ખ્યાતિ ખૂબ થઇ ગયેલી એટલે લોકટોળા તેમના દર્શને આવા લાગ્યા. ફતેહપુર સિક્રીમાં ત્યારે રાજા અકબર હતા તેમને માહિતી મળી કે કોઇ ચમત્કારી સંત આગ્રામાં રોકાયા છે અને તેના દર્શને લોકજુવાળ ઉમટી પડ્યો છે ત્યારે તેમને દરબારમાં બોલાવવા સિપાઇઓને મોકલ્યા. તો સંત તુલસીદાસે કહ્યું કે રાજા તો રામ છે. હું માત્ર તેના દરબારમાં જ જઉં છું. ત્યારે નારાજ અકબરે તેમને પકડી જેલમાં પૂરી દેવા આદેશ કર્યો. સંત તુલસીદાસને ચાલીસ દિવસ જેલમાં રહેવું પડ્યું અને એ દરમ્યાન એમણે હનુમાન ચાલીસાની રચના કરી અંતિમ દિવસે હનુમાન ચાલીસાની રચના પૂર્ણ થતાં કોઇ ચમત્કારની જેમ આખા ફતેહપુર સિક્રીમાં વાનરોની જાણે ફોજ ઉતરી પડી હોય એમ અનેક વાનરોએ આવીને આખા શહેરમાં ઉત્પાત મચાવવાનું ચાલું કર્યું. લોકોને ઇંટ-પત્થર મારવા લાગ્યા તો ઘરોમાં નુકસાન કરવા લાગ્યા. અંતે એક ફકિરે બાદશાહ અકબરને સલાહ આપી કે રામભક્ત સંત તુલસીદાસને મુક્ત કરો. કદાચ આ તેનો જ ચમત્કાર છે. અકબર બાદશાહે હાથ જોડી માફી માંગી સંત તુલસીદાસજીને મુક્ત કરતાં જ શહેરમાંથી વાનરોનું ટોળું જંગલ ભણી ચાલી ગયું.
હનુમાન ચાલીસાની રચનાની શરૂઆત શ્રી અક્ષરથી એટલે કે સીતા માતાથી થઇ ગુરુને યાદ કરીને પ્રથમ દોહરાથી થાય છે. 46 છંદના સમાવેશ સાથે પ્રારંભિક બે દોહા એ ચાલીસ ચોપાઇ બાદ એક દોહાથી પૂર્ણાહુતિ થાય છે. અવધિ ભાષામાં રચાયેલ હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ 108 વખત આવે છે. રામનું નામ 11 વખત આવે છે. એટલે એક વખત હનુમાન ચાલીસા બોલીએ તો 108 નામની એક માળા પણ થઇ જાય છે. ચાલીસાની 40 ચોપાઇઓમાં 418 શબ્દ છે અને 1041 અક્ષર છે. ચાલીસાની ચોપાઇની એક લાઇનમાં આવે છે અષ્ટ સિદ્ધિ, નવનિધિ કે દાતા… આ અષ્ટસિદ્ધિ શ્રી હનુમાનજીની શક્તિ, સમૃદ્ધિનું પ્રતીક છે. અષ્ટસિદ્ધિ એટલે આઠ દિવ્ય શક્તિ જેમાં (1) અણિમા: શરીરને સુક્ષ્મ બનાવી દેવાની શક્તિ (2) મહિમા: શરીરને ખૂબ વિશાળ બનાવી દેવું (3) ગરિમા : શરીરને અત્યંત ભારે, વજનદાર બનાવી દેવું (4) લધિમા: શરીરને હલકું, વજનરહિત બનાવવું. (5) પ્રાપ્તિ : રોક-ટોક વગર ક્યાંય પણ આવી જઇ શકાય તેવી શક્તિ. (6) પ્રાકામ્ય: ઇચ્છા અનુસાર કંઇ પણ પ્રાપ્ત કરવાની ક્ષમતા (7) ઇશિત્વ: દિવ્ય સામર્થ્ય અને સંપૂર્ણ અધિકાર યુક્ત (8) વશિત્વ: કોઇને પણ વશમાં કરવાની ક્ષમતા, એ અષ્ટસિદ્ધિ છે તો નવનિધિ એટલે નવ પ્રકારની સંપતિ : જેવી કે પદ્મ, મહાપદ્મ, નીલ, મુકુંદ, નંદ, મકર કચ્છપ, શંખ અને ખર્વ એટલે કે હનુમાનજીની પ્રસન્નતા સર્વસુખની પૂર્તિ કરનાર હોય છે.
હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઇનો મર્મ ખૂબ જ દિવ્ય અને સમજવામાં સરળ છે, પણ એક ચોપાઇ છે કે જુગ સહસ્ત્ર જોજન પર ભાનું, લિલ્હો તાહિ મધુર ફલ જાનુ અર્થાત્ : એક યુગ સહસ્ત્ર યોજન જેટલા દૂર સ્થિત સૂર્યને ફળ સમજી હનુમાનજીએ ખાઇ જવાના આશયથી મોંમાં મૂકી દીધેલો. અહીં સમજવા જેવા આશ્ચર્યચકિત કરનાર એક-બે શબ્દોને ઓળખીએ.
1 યુગ= 12000 વર્ષ
1 સહસ્ત્ર =1000 (અંક)
1 યોજન = 8 માઇલ
તેનો ગુણાકાર કરીએ તો એક યુગ= 12000 X સહસ્ત્ર= 1000X યોજન = 8 માઇલ મતલબ કુલ 96,000,000 અને 1 માઇલ = 1.6 કિ.મી. એટલે 96,000,000 X 1.6 કિ.મી.= 153,600,000 કિ.મી. આથી આ હનુમાન ચાલીસાની ચોપાઇ અનુસાર સૂર્ય પૃથ્વીથી 153,600,000 કિ.મી. દૂર છે. આ તથ્ય આપણે ત્યારે સત્ય માનીએ છીએ જ્યારે નાસા સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર એટલું જ છે એ સાબિત કરે છે. 500 વર્ષ પહેલાંના ધર્મ સાહિત્યમાં આવાં અનેક વૈજ્ઞાનિકો સત્યો અને તથ્યો છુપાયેલાં છે.
આજે સોશ્યલ મીડિયાના યુગમાં યુવાવર્ગ તેમાંથી કશુંક ઉપયોગી શોધે છે તો કેટલુંક નુકસાનકારક.. ખરેખર જીવનોદ્ધારની અસંખ્ય વેબસાઇટો આજે ઉપલબ્ધ છે. એમાં પણ AIનો પ્રવેશ આપણી માનસિકતાની પરીક્ષા માટે જ થયો હોય તેવું લાગે છે. AIનો એક સદ્પયોગ બિહારના મોતીહારીની 9માં ધોરણમાં ભણતી 14 વર્ષની આરાધ્યાસિંહે કર્યો છે. છ મહિનાની મહેનતને અંતે વિશ્વભરના લોકોને હિન્દુ સંસ્કૃતિની ઓળખ આપે તેવી શ્રી હનુમાન ચાલીસાને અલગ અલગ 234 ભાષાઓમાં અનુવાદ કર્યો છે. નાની ઉંમરમાં ઉચ્ચ ધ્યેય અને ધર્મભાવના દાખવતી આ દીકરીને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિશેષરૂપે સન્માનિત કરી પ્રોત્સાહિત કરી છે. યુવાઓને ટેકનોલોજી દ્વારા આધ્યાત્મિકતા અને ધર્મ સાથે જોડવાની કુ. આરાધ્યાસિંહની આ સિદ્ધિ સૌ કોઇ માટે મોટી પ્રેરણા છે.
