ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની તબિયતમાં સુધારો થયો છે. તેને સિડનીના આઈસીયુમાંથી હોસ્પિટલના એક ખાનગી રૂમમાં ખસેડવામાં આવ્યા છે. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ મીડિયાને હેલ્થ અપડેટ આપ્યું છે.
રાજીવ શુક્લાએ કહ્યું, “ઐયર જે ICU માં હતા, હવે બહાર છે અને ડોકટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તે હવે તબીબી રીતે સ્થિર છે. જોકે તેને થોડા વધુ દિવસો હોસ્પિટલમાં રહેવું પડશે.”
સિડની ODI દરમિયાન એલેક્સ કેરીનો રનિંગ કેચ પકડ્યા બાદ શ્રેયસ ઐયર મેદાન પર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
૩૦ વર્ષીય ઐયરની તબિયત હવે સ્થિર છે અને તેમને ICUમાંથી બહાર ખસેડવામાં આવ્યા છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓ ઓછી થઈ છે. દરમિયાન, સૂર્યાએ ઐયર વિશે આપેલા અપડેટે ચાહકોના દિલ જીતી લીધા છે.
સૂર્યકુમાર યાદવે શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું
હકીકતમાં, ભારતીય T20I ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભાવનાત્મક અપડેટ આપી. તેમણે કહ્યું, “જ્યારે મને ઐયરની ઈજા વિશે ખબર પડી, ત્યારે મેં અમારા ફિઝિયો કમલેશ જૈનને ફોન કર્યો. ઐયર હવે ફોનનો જવાબ આપી રહ્યો છે, જેનો અર્થ છે કે તેની તબિયત સ્થિર છે. ડોકટરો તેની સાથે છે અને તે લોકો સાથે વાત કરી રહ્યો છે, તેથી બધું બરાબર લાગે છે. આગામી થોડા દિવસો સુધી તેની દેખરેખ રાખવામાં આવશે.”
સૂર્યકુમાર યાદવે ઐયરની પ્રશંસા કરી તેમને એક દુર્લભ પ્રતિભા ગણાવ્યા અને મજાકમાં ઉમેર્યું, “જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું પરંતુ આવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. આવી ઘટનાઓ અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો સાથે બને છે. ભગવાનની કૃપાથી, હવે બધું બરાબર છે. શ્રેણી પૂરી થતાં જ અમે તેમને ભારત લઈ જઈશું.”
શ્રેયસ ઐયર કેવી રીતે ઘાયલ થયો
સિડની ODI માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 30મી ઓવર દરમિયાન વિકેટકીપર એલેક્સ કેરીએ એક શોટ મારવાનો પ્રયાસ કર્યો જે ઓફ સાઇડ તરફ ઉંચો ગયો. શ્રેયસ ઐયર બેકવર્ડ પોઈન્ટથી દોડ્યો અને મુશ્કેલ કેચ ઝડપી લીધો. આ સાથે મેથ્યુ રેનશો સાથે 59 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.
જોકે કેચ પકડ્યા પછી ઐયર બેડોળ રીતે ડાબી બાજુ પડી ગયો અને પીડાથી કણસતો રહ્યો. ટીમના સાથીઓ અને તબીબી સ્ટાફ તરત જ તેની મદદ માટે દોડી ગયા. ઐયરને બાદમાં સ્કેન અને તબીબી તપાસ માટે સિડનીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં જાણવા મળ્યું કે તેને પડવા દરમિયાન બરોળમાં ગંભીર ઈજા થઈ હતી.