Sports

IPL 2026માં શ્રેયસ અય્યર મુશ્કેલીમાં ?

સતત 2 મેચમાં ‘સ્લો ઓવર રેટ’ શું ભૂલ, હવે એક પગલું દૂર

IPL 2026 દરમિયાન Shreyas Iyer માટે મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે ટીમને જીત અપાવતાં હોવા છતાં, તેમની સામે હવે BCCIની કડક કાર્યવાહીનો ખતરો ઉભો થયો છે. સતત બે મેચમાં ‘સ્લો ઓવર રેટ’ના ગુનાને કારણે અય્યર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે અને હવે તેઓ બેનથી માત્ર એક પગલું દૂર છે.

અહેવાલો મુજબ, પંજાબ કિંગ્સે IPL 2026ની શરૂઆત સારી રીતે કરી છે અને ટીમે સતત બે મેચ જીતી છે. પરંતુ બંને મેચ દરમિયાન સમયસર ઓવરો પૂર્ણ ન કરી શકવાના કારણે BCCIએ કાર્યવાહી કરી છે. પ્રથમ મેચમાં અય્યર પર ₹12 લાખનો દંડ ફટકારાયો હતો, કારણ કે આ સીઝનમાં આ પ્રથમ ગુનો હતો. બીજી મેચમાં, જ્યારે પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 210 રનનો મોટો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કર્યો, ત્યારે ફરીથી સ્લો ઓવર રેટ નોંધાયો. આ બીજી ભૂલ માટે અય્યર પર ₹24 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.

IPLના નિયમો મુજબ, જો કોઈ ટીમ સતત ત્રણ વખત સ્લો ઓવર રેટનો ભંગ કરે તો કેપ્ટન પર મેચ બેન લાગુ થઈ શકે છે. એટલે હવે અય્યર માટે આવતી મેચો અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. જો ફરી આ જ ભૂલ થાય, તો તેઓને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. BCCIના નવા નિયમો મુજબ, મેચ 3.5 કલાકમાં પૂર્ણ થવી જોઈએ. જો ટીમ સમયસર 20મો ઓવર શરૂ ન કરે તો મેદાન પર ફિલ્ડિંગ મર્યાદા કડક બનાવવામાં આવે છે, જે ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ રસપ્રદ વાત છે કે એક તરફ અય્યર પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી રહ્યા છે, તો બીજી તરફ તેમની કેપ્ટનશિપ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે જો તેઓ સમય વ્યવસ્થાપન સુધારે નહીં, તો પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગી શકે છે.
આગામી મેચોમાં અય્યરની દરેક ચાલ પર નજર રહેશે શું તેઓ ટીમને જીત સાથે નિયમોમાં પણ સુધારો અપાવશે કે પછી BCCIનો ‘ડંડો’ ખરેખર ચાલશે?

Most Popular

To Top