Business

એક વર્ષના ગાળામાં શ્રેયસ અય્યરે બદલાયેલી સ્થિતિને આગવી છટાથી સંભાળી લીધી

એક વર્ષ પહેલાં શ્રેયસ અય્યર ડ્રેસિંગ રૂમની અંદર રડ્યો હતો. કારણ થોડા કલાકો પહેલાં તે IPL 2020ની રનર્સઅપ રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમનો કેપ્ટન અને મુખ્ય બેટર હતો, સાથે જ ભારતની મર્યાદિત-ઓવરની ટીમો માટે લગભગ તે ફિટ હતો. જો કે પુણેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ્સની આઠમી ઓવરમાં, તેણે કવર પર બે રન બચાવવા માટે કૂદકો માર્યો અને તેના કારણે તેનો ખભો ડિસલોકેટ થઇ ગયો. તે જાણતો હતો કે IPL તેના માટે પૂરી થઇ પણ તેના માટે જે સૌથી મહત્ત્વની વાત એ હતી કે T-20 વર્લ્ડ કપ તે રમી શકશે કે કેમ તે બાબત શંકાના દાયરામાં આવી ગઇ હતી. આ ઘટના પછી દિલ્હી કેપિટલ્સે તો પોતાના ભાવિ કેપ્ટન તરીકે ઋષભ પંતની પસંદગી કરી લીધી અને તેનામાં પોતાનું ભવિષ્ય જોઇને તેને રિટેન પણ કરી લીધો.  આ તરફ અય્યર IPLનો પહેલો હાફ ગુમાવી ચૂક્યો હતો અને ઇજાને કારણે ઓછી મેચ પ્રેક્ટિસ હોવાથી T-20 વર્લ્ડકપમાં તે માત્ર રિઝર્વ ખેલાડી બનીને રહી ગયો. ગત વર્ષે તેના માટે આ બે સૌથી ખરાબ તબક્કા રહ્યા હતા, શું તેના માટે હજુ બાબતો ખરાબ થવાની હતી એવી એક શંકા સેવાઇ રહી હતી.

વર્ષના અંતમાં જો કે, બાબતો થોડી બદલાઇ અને રોગચાળો, વર્કલોડ, ઇજાઓ અને પસંદગીઓ – બધું જ જાણે કે તેના માટે ત્રીજો તબક્કો તૈયાર કરવાનું કાવતરું ઘડતા હોય તેવું લાગતું હતું. જો કે અય્યરને તેમાંથી જ એક તક મળી. અહીં પણ એક વાંધો એ હતો કે તેણે 2019ની શરૂઆતથી માત્ર એક જ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. એક વાતની અહીં એ નોંધ કરવાની કે ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તમે જે વિવિધ પરિસ્થિતિઓનો કે બોલિંગનો સામનો કરો છો ત્યારે ઘરઆંગણે ટેસ્ટ રમવા માટે તમારા માટે એક યોગ્ય માહોલમાં તમે ઉછર્યા હોવાનું તેનાથી પુરવાર થાય છે. અય્યર 52.18ની ફર્સ્ટ-ક્લાસ એવરેજ અને 81.54ના સ્ટ્રાઈક રેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં આવ્યો હતો. જ્યારે પણ તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં આક્રમણની ગુણવત્તા વિશે જે  વાત કરો છો, ત્યારે આ આંકડા ધ્યાને લેવા જરૂરી છે. અય્યર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 4000 રન, 50ની એવરેજ અને 80ના સ્ટ્રાઈક રેટ ધરાવતો બેટર્સ ક્લબનો એકમાત્ર સભ્ય છે.

આજે સ્થિતિ એવી છે કે એક સમયે જે અય્યરને માત્ર મર્યાદિત ઓવરના આંતરરાષ્ટ્રીય બેટર તરીકે જોવામાં આવતો હતો તે ભારતીય ટેસ્ટ બેટર બની રહ્યો છે. શ્રેયસ અય્યર પોતાની પ્રથમ ચાર ટેસ્ટમાંથી બેમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. અય્યરે સ્પિન સામે તેની રમતની ગુણવત્તા દર્શાવી છે. તે ભાગ્યે જ ક્રીઝ પર અડબોથની જેમ સપડાય છે. તે ક્યાં તો બોલની પીચ સુધી જાય છે અથવા તો બોલ ટર્ન થયા પછી તેને રમે છે. તે એક એવી ગુણવત્તા છે જે ભારતના મોટા ભાગના સારા બેટ્સમેનોમાં નાની ઉંમરે જ જોવા મળે છે. જો કે આ સિવાય અય્યર પાસે એટેકિંગ ગિયર પણ છે, જે ભાગ્યે જ બીજામાં જોવા મળે છે. કેપ્ટન રોહિત શર્માએ અય્યર વિશે કહ્યું હતું કે હું તેના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત છું. આ પ્રકારની પીચો પર રમવું સરળ નથી, ખાસ કરીને જ્યારે તમે હજુ તમારી ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યા હોય. તેણે ખૂબ જ સંયમ બતાવ્યો. પીચ પર તેણે ખરેખર શું કરવાનું હતું તે અય્યર સમજી ગયો હતો. માત્ર ચોથી ટેસ્ટ રમનાર વ્યક્તિ માટે આ પ્રકારની માનસિકતા હોવી એ ઘણી પરિપક્વતા અને તેની પોતાની રમત વિશે ઘણી સમજણ દર્શાવે છે, જે આગળ વધવા માટેનો મોટો સંકેત છે. હાલ બદલાવની સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને બહાર રાખવાથી ખાલી પડેલી બે જગ્યામાંથી એકને ભરનારી તે પહેલી વ્યક્તિ બની છે.

Most Popular

To Top