Madhya Gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિપર્વ ઉજવાશે

આણંદ : ડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રીસ દિવસીય શ્રાવણી ભક્તિપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભગવાન શ્રીહરિએ જ્યાં પોતાના હસ્તે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવ્યું છે. તે શ્રી હરિકૃષ્ણ મહારાજને ભૂદેવો દ્વારા જનમંગલ ગાન સાથે દરરોજ સવાલાખ દ્વિદલ તુલસીપત્રો અર્પણ કરવામાં આવશે.વડતાલ મંદિરના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુઓના સૌથી મોટા અને પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે.

વડતાલધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનું ભૂદેવો દ્વારા જનમંગલ સ્તોત્રના ગાન સાથે વિશેષ પૂજન કરવામાં આવશે. શ્રીહરિને દરરોજ સવા લાખ દ્વિદલ તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી સૌરભપ્રસાદજી મહારાજ શ્રીહરિને સવારે તુલસીપત્રો અર્પણ કરવાનો મંગલ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત વડતાલમાં શ્રીહરિએ પોતાના હસ્તે મંદિરના દ્વારે વિઘ્નહર્તા ગણપતિ સાથે શિવલીંગની સ્થાપના કરી હતી. જે સ્થળે રોજના વેદોક્ત રૂદ્રીપાઠ, જપાત્મક લઘુરૂદ્ર થશે. શીવજીને રોજ 25 હજાર બિલીપત્રો અર્પણ કરવામાં આવશે. આમ સમગ્ર માસ દરમિયાન સવા લાખ ઉપરાંત બિલીપત્રો ચઢાવવામાં આવશે. જેમાં ભક્તિની હેલી જોવા મળશે.

સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી હતી
વડતાલધામમાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી હતી. જેમને બિલિપત્ર અર્પણ કરવામાં આવશે. સદ્દગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને વિધિવત મહાપૂજા થશે. આજથી સતત એક મહિના સુધી મંદિરમાં આ વિશિષ્ટ ભક્તિયજ્ઞનો આરંભ થયો છે. આ તમામ યજ્ઞાદિ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવકોની ટીમ દ્વારા કરવામાં આવશે. આ મહિના દરમિયાન રક્ષાબંધન સહિતના તહેવારો આવતાં હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા ઉમટી પડશે.

હિંડોળાઉત્સવના પગલે વડતાલધામમાં ભક્તિની હેલી ચડી
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તિર્થસ્થાન વડતાલધામમાં ભક્તિની હેલી ચડી છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીના પ્રયાસોથી મંદિરનું પ્રાંગણ ઉત્સવમય બની રહ્યું છે. રોજ હજારો હરિભક્તો હિંડોળાના દર્શન કરવા પધારી રહ્યાં છે. તેમાં પણ આજથી શ્રાવણ મહિનો શરૂ થતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણે સ્વયં જે મંદિરનો શિલાન્યાસ અને પ્રતિષ્ઠા કર્યા છે, તેવા આ વડતાલધામમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ સંસ્થાના પુરોહિત ધીરેન મહારાજ વગેરે 12 ભુદેવો જનમંગલ મંત્રો સાથે સવા લાખ તુલસીદળ અર્પણ કરશે.

Most Popular

To Top