Comments

શ્રાવણ બહાર ને રાવણ અંદર

જે થવાનું હોય તે થાય, આખ્ખર શ્રાવણના પવિત્ર માસમાં આવી તો ગયા! કોઈએ ધક્કો માર્યો હોય ને, શ્રાવણમાં પડ્યા હોય એવું અમુકને લાગતું હોય તો જુદી વાત છે. અમે પણ જાણીએ કે, ૧૧-૧૧ મહિના સુધી, “દીવ-દમણ, આબુ, ને ચોથું ઘરનું ધાબું ’’ નું રજવાડું ભોગવ્યું હોય એને, થોડું આકરું તો લાગે! આ બધી પંચાગની માયા છે મામૂ..! બદલવાની તાકાત કોની? લોક્સભા કે રાજ્યસભાના ધુરંધરો પણ બદલી નહિ શકે!  એટલે મને કે કમને એ દિશામાં હવે  એક મહિનો ડોળો નહિ ફરકાવવાનો એ પાક્કું! ઘર/મંદિરે બેસીને મંજીરા જ ઠોકવાના!  બીજી ‘દીવાબત્તી’ સંપૂર્ણ બંધ!  દાઢી મૂછ વધારીને, ભજ મન નારાયણ’ ના પાઠ જ કરવાના! આકરું તો લાગે.

પણ કરીએ શું?  અકળાવાનું નહિ, મનને મનાવી લેવાનું. એમ માનવાનું કે,  શરીરને પણ શ્રાવણનો એક મહિનાનો ‘જીએસટી’ લાગ્યો ભાઈ! ‘હોનીકો કૌન ટાલ શકતા હૈ જી!’ આ કંઈ કાઢી આપેલું મૂહુર્ત થોડું છે કે, આઘુંપાછું ઠેલીને સગવડ સાચવી લેવાય! બાકીના મહિનાઓમાં ‘કોંધાકબાડા‘ થયાં હોય, તે ધોવા તો પડે જ ને? આ મહિનાનો મોટો જુલમ એટલો જ કે નહિ ખવાય, નહિ પીવાય! માત્ર ‘ઓમ  નમ: શિવાય’  જ બોલાય! એક વાત છે, ભગવાન માટે કાઢેલું, રાખેલું, વિચારેલું, ગાયેલું, વગાડેલું, બોલેલું, ચાવેલું કદી નિરર્થક જતું નથી. મીરાંબાઈએ તો ઝેર ગટગટાવેલું, આપણે ક્યાં ઝેરના કટોરા ઉતારવા છે?

ઉપવાસ કરીને શિંગોડાનો શીરો ને ‘જ્યુસ’ જ ઠપકારવાના ને? ભોલેનાથને એવો કોઈ વેઢોવંચો નહિ, કે ફલાણાએ ડબલ ઝાપટી લીધું, એટલે એની શ્રાવણની ભક્તિ કેન્સલ! છોકરું સવારે વાંચે, રાતે વાંચે, મળસ્કે વાંચે કે ભરબપોરે વાંચે, એને જ્યારે મૌજ આવે ત્યારે વાંચે. એ વાંચે તે મહત્ત્વનું છે, એમ જાત-જાતનું ખાયે જાવ, પણ ફળાહાર જ કરવાનો! ઉપરવાળાના ચોપડે નોંધાય તો ખરું કે, બંદાએ શ્રાવણનો એક મહિનો પાળીને ધરમ જાળવેલો છે. શ્રાવણ પાળવો તો દિલથી પાળવાનો. મોઢું કટાણું નહિ કરવાનું. યાદ રાખવાનું કે, ધરતી ઉપર રીટર્ન આવવા માટેના લાઈસન્સ,  રીન્યુ કરી આપવાના પાવર ભગવાન પાસે જ છે, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે નથી!   કેટલાં લોકો આ મહિનામાં ભગવાનની ભક્તિ સાચી ભાવનાથી કરતા હશે, એ તો ભોળેનાથ જાણે.

બાકી ૧૧-૧૧ મહિના સુધી જેણે હૃદયમાં રાવણ ઉછેર્યો હોય, એ એક મહિનાની સારવારમાં થોડો નાબૂદ થાય? પોતપોતાનો રાવણ રાતોરાત અલોપ થાય? શ્રાવણ બેસે એટલે આખો માહોલ બદલાઈ જાય. ખુદના સામ્રાજ્યની વાત કરું તો, શ્રાવણ બેસે એટલે, રાબેતા મુજબના વર્ષની માફક, ચંચેલીમાં પણ પરિવર્તનનો પ્રાણ ફૂંકાવા માંડે. ( હવે એમ નહિ પૂછતાં કે આ ‘ચંચેલી’ છે કોણ?  એ રાવણની નાની થાય!) જાણે શ્રાવણના ઉપવાસ કરવાને બદલે ‘ખાધવાસ’ બેઠો હોય એમ, પેટભરી ઘરનું આખું બજેટ ખોરવી નાખે. ઉપવાસની ખાધમાં જો ફળાહારની મંદી આવી તો, બંગાળની વાઘણની માફક એવી વિફરે કે, પંચાગમાં શ્રાવણ જોઇને ખુન્નસ ચઢે! શ્રાવણ ફાડીને ભાદરવો લાવી દેવાનું મન થાય! પણ આપણું એમાં પણ ઉપજવું જોઈએ ને.

 શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીનો પવિત્ર માસ. ‘શિવજી’ એટલે આપણા બ્રાન્ડેડ ભગવાન! મહાદેવનાં પાંચ નામ ભલે કોઈ નહિ જાણતાં હોય, પણ એમની ભક્તિ કરે તો પાપી પણ પવિત્ર બની જાય, એવો ભોળકોનાથ! જે માણસના હાથમાં રુદ્રાક્ષની માળાને બદલે, હોકીઓ રહેતી હોય, ગાળા-ગાળીનો નિષ્ણાત હોય, એ પણ  ‘ઓમ નમ: શિવાય’  ના રટણ કરીને, પૂજા-પાઠ-ભજન-અર્ચન ને અગરબતી ચાલુ કરી દે. શિવજી પોતે ભલે સ્મશાનમાં રહે, આપણને લક્ઝરી બંગલામાં રાખે. એ વલ્કલ પહેરે, આપણને બ્રાન્ડેડ કપડાં પહેરાવે. ગળામાં નાગદેવતા રાખે, આપણને વીસ તોલાની સોનાની ચેઇન પહેરાવે. એ તાંડવ નૃત્ય કરે, પણ આપણને દોઢિયામાં ગરબે ધુમાડે! એવો ભોળેનાથ!

આ તો તોફાની મગજને વિચાર આવ્યો કે, રાવણ પ્રખર શિવભક્ત હતા, શું એમના સામ્રાજ્યમાં પણ શ્રાવણની પવિત્રતા રહેતી હતી ખરી?  રાક્ષસો શ્રાવણના ઉપવાસ રાખતા હતા ખરા. આ લઘુ શંકાને સાવ કાઢી નાંખવા જેવી તો નહિ જ!  એટલા માટે કે, જે રાવણને ભગવાન શ્રી રામની પડી ના હોય અને પવિત્ર સીતા માતાની દયા નહિ આવી હોય એને રાવણ ને શ્રાવણના ભેદ સાથે લેવાદેવા શું? બધું જ કંકોડા જેવું! આઈ ડોન્ટ બીલીવ કે રાવણના કાળમાં વિભીષણ સિવાય શ્રાવણના ઘંટનાદ કોઈએ કર્યા હોય!  મારું મંતવ્ય કદાચ ખોટું પણ હોય, પણ અનુમાન કરવામાં જાય શું? વ્હોટ ગોઝ અવર ફાધર? સો વાતની એક વાત! અમારા શ્રીશ્રી ભગા જેવો શિવભક્ત મેં હજી સુધી જોયો નથી. શ્રાવણ બેસે એટલે મંદિરમાં જઈને શિવભક્તિ તો કરે, પણ શ્રાવણ ઉતરે ત્યાં સુધી ગામમાં જેટલા શંકરભાઈ હોય, એને પણ પગે લાગી આવે ને એની પણ પૂજા કરતો આવે! જય ભોલેનાથ!

લાસ્ટ ધ બોલ

  • બેટા યાદ છે ને, શ્રાવણ મહિનામાં તારી દાદીની વર્ષગાંઠ આવે છે. તું દાદીને ભેટમાં શું આપશે?
  • ફૂટબોલ!
  • અરે? આ ઉમરે તે ફૂટબોલ અપાય? ફૂટબોલને તે કરશે શું?
  • એટલા માટે કે, મને જ્યારે કક્કાના ક ની ખબર નહિ હતી, ત્યારે મારી પહેલી વર્ષગાંઠ ઉપર એમણે મને  ‘રામાયણ’ નું પુસ્તક ભેટ આપેલું!  તો હું એમને ફૂટબોલ ભેટ આપીશ. તારા કપાળમાં કાંદા ફોડું! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top