Dakshin Gujarat Main

શેરડીના ખેતરોમાં કામ કરતાં શ્રમિકો માટે ‘મોબાઈલ ટોઈલેટ’ ઉભા કરાયા

સુરત જિલ્લામાં શેરડી કાપવાની મજૂરી માટે બહારથી આવતા અને પડાવમાં રહેતા શ્રમિકો માટે મોબાઇલ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં શેરડી, ડાંગર અને અન્ય મોસમી પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેની વાવણી, લણણી માટે ખેતમજૂરોની માંગ રહે છે. શેરડી કાપવાની મોસમમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક પડોશી જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં કૃષિ શ્રમિકો તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સુરત જિલ્લામાં સ્થળાંતર કરે છે.

તેઓ કાપણી માટે સમગ્ર પરિવાર સાથે ૪ થી ૫ મહિના એટલે કે વર્ષના નવેમ્બરથી માર્ચ સુધી શેરડીના ખેતરોની આસપાસ રહે છે.
એક અંદાજ મુજબ શેરડી કાપવાની મોસમ દરમિયાન સુરત જિલ્લામાં ૬૦ હજાર પરપ્રાંતિય શ્રમિકો રહે છે. આ શ્રમિકો પાણી પુરવઠો, સ્વચ્છતા, શિક્ષણ અને તબીબી સુવિધાઓ જેવી તમામ પ્રાથમિક અને રોજિંદી સુવિધાઓ માટે મોટા ભાગે શેરડી ઉદ્યોગો પર આધાર રાખે છે. જાગૃત્તિ અને સુવિધાના અભાવે આવા શ્રમિકો ખુલ્લામાં શૌચ કરવા માટે મજબૂર રહેતાં હતાં.

આ સમસ્યાના કાયમી નિવારણ તેમજ સ્વચ્છતા માટે વિવિધ સ્થળોએ ‘ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી’ઓના એસોસિએશનના સૂચનથી શેરડીના ઉદ્યોગ એકમો દ્વારા ‘મોબાઈલ ટોઈલેટ’ની નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લાના ચૌર્યાસી, બારડોલી, કામરેજ, મહુવા,પલસાણા તાલુકા તેમજ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં કુલ ૨૦ સ્થળોએ માર્ચ,૨૦૧૯થી ‘મોબાઈલ ટોઈલેટ’ મૂકવામાં આવ્યાં છે. સહકારી સંસ્થાઓનો સ્વચ્છતાનો આ અનોખો અભિગમ ખુલ્લામાં શૌચને નાબૂદ કરવા માટે ઉપયોગી બની રહ્યો છે.

હરતા-ફરતાં એક શૌચાલયનો ખર્ચ રૂ. ૮ થી ૧૦ હજાર
આ હરતા-ફરતાં એક શૌચાલયની કિંમત આશરે ૮ થી ૧૦ હજારની વચ્ચે હોય છે. જેના મેટલ બોડીના સ્ટ્રક્ચરમાં ટીનની છત, ભારતીય શૈલીની ટોઈલેટ સીટ અને લોખંડનો દરવાજો ઉપલબ્ધ છે. આ વિસ્તારની ખેડૂત સહકારી બાબેન સુગર ફેક્ટરી દ્વારા સ્વચ્છતા શિક્ષણ, જાગૃત્તિ અને શ્રમિકોની નિયમિત આરોગ્ય નિદાન અને સારવાર પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવામાં આવે છે. ખાસ કરીને મહિલા શ્રમિકો અને તેમના બાળકો માટે આ સુવિધા વધુ સલામતી પૂરી પાડે છે.

Most Popular

To Top