Comments

ગુજરાતમાં સ્ત્રી ભૃણ હત્યા કાયદેસર કરી દેવી જોઈએ, શું કહો છો?

“સાહેબ, એક કામ કરો. સ્ત્રી ભૃણ હત્યા કાયદેસર કરી દો! “ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી”. દીકરી જન્મશે તો મોટી થશે અને તો એને ભણવાનું મન થશે, ભણશે તો નોકરી કરવાનું મન થશે. મોબાઈલ વાપરવાનું મન થશે, ગરબા ગાવાનું મન થશે અને મનગમતાં કપડાં પહેરવાની ઈચ્છા થશે અને પરણવા યોગ્ય થશે તો મનગમતા મુરતિયા સાથે લગ્નનો મુદ્દો ઊભો થશે. આ પેલા વિધર્મીઓના મનસુબા પર તો પાણી ફરી વળશે. જો દીકરીઓ જન્મશે જ નહીં! હા, આપણા દીકરાઓ મોટા થશે ત્યારે પરણશે ક્યાં તે પ્રશ્ન થશે પણ વાંધો નહીં. આપણે પંચમહાલથી માંડીને રશિયા સુધી સંબંધ છે મેળ પાડી દઈશું. બાકી આપણા સમાજની દીકરી બીજે જાવા દેવી નથી. 

2001 માં વસતીગણતરીમાં ૧૦૦૦ પુરુષની સામે સ્ત્રીઓનું પ્રમાણ ૯૨૪ થયું ત્યારે સમાજશાસ્ત્રીઓ અને નિસ્બતવાળાં લોકોનું ધ્યાન ગયું કે આ અસમાનતા નુકસાન કરશે. ગુજરાતમાં માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અને સ્ત્રી પુરુષ રેશિયો અસમાન હોવાથી હરિયાણામાં બેટી બચાવો બેટી પઢાઓ સ્લોગન સાથે સતી ભૃણ હત્યા વિરુધ્ધ જુવાળ ઊભો કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ મહેસાણા જિલ્લા અને ખાસ તો ઊંઝામાં સ્ત્રીજન્મનું પ્રમાણ ઘટ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં સ્ત્રી ભૃણ હત્યા રોકવા અને સ્ત્રી પુરુષ દર જાળવવા બેટી બચાવ આંદોલનને હાથમાં લીધું એટલું જ નહીં કન્યા કેળવણી રથ દ્વારા બેટી પઢાઓની વાત પણ ઉપાડી લીધી. ભારતીય કથા મુજબ કંસ પોતાના ભાણેજને જન્મ્યા પછી મોતને ઘાટ ઊતારતો હતો પણ સ્ત્રીવિરુદ્ધ માનસિકતાવાળાં લોકોએ વિજ્ઞાનના વરદાનરૂપ સોનોગ્રાફી મશીનનો દુરુપયોગ કર્યો અને ગર્ભમાં  રહેલું બાળક કન્યા છે તે જાણ્યું તો તેનો નાશ કર્યો. મતલબ કે કંસ તો દેવકીનાં બાળકોને જન્મ્યા પછી મારતો હતો. આપણે તો પોતાનાં જ બાળકોને જન્મ્યા પહેલાં માર્યાં. પણ રે વસતીગણતરી… સરકાર જાગી અને જાતિ પરીક્ષણ ગુનો ગણવાનું શરૂ થયું.

સ્ત્રી ભૃણ હત્યા પાપ તો ખરું જ પણ હવે અપરાધ ગણાયો અને ગર્ભપાત કાયદેસર હતો પણ જાતિ પરીક્ષણ બાદ ગર્ભપાત અપરાધ ગણાયો. આદર્શનાં પ્રવચન થયાં. સરકારે દીકરીના જન્મને પ્રોત્સાહિત કર્યું. અગાઉ સ્ત્રીશિક્ષણ મફત , નોકરીમાં મહિલા અનામત અને આગામી સમયમાં સંસદમાં પણ મહિલા અનામતના લાભ જાહેર થયા એટલે વળી કન્યાનો જન્મ આવકારદાયક બનવા લાગ્યો. ઘણાંને દીકરી જોઈતી ન હતી પણ ગર્ભ પરીક્ષણ ના થયું એટલે મજબુરીથી બાળકીને જન્મવા દેવી પડી.

ગુજરાતમાં ખાસ તો ઉત્તર ગુજરાતમાં માત્ર પુત્રજન્મ થયા હતા એટલે તે કુંવર મોટા થયા ત્યારે કન્યાઓ ખૂટી પડી. એક તો જ્ઞાતિમાં કન્યા જ ઓછી અને એમાં જે જન્મી હોય તે બીજી જ્ઞાતિમાં જતી રહે તો જ્ઞાતિના કુંવરો, કુંવારા રહે એ બીકે “સમાજની કન્યા સમાજમાં” જેવાં અસામાજિક સૂત્રો વહેતાં થયાં. વળી યેન કેન પ્રકારે જ્ઞાતિ આગેવાન થઇ જાતિવાદી રાજનીતિમાં પ્રવેશવાનો સરળ મુદ્દો પ્રેમલગ્નનો વિરોધ કરી હીરોગીરી કરવાનો છે.

એટલે લગ્ન નોંધણીમાં મા-બાપની સંમતિ ફરજીયાત જેવા ફતવા બહાર પાડવાની વેળા આવી છે. મૂળમાં આ લોકો સ્ત્રીને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા આપવા માંગતા નથી. આજે પણ ઉત્તર ગુજરાતનાં કેટલાંય ગામોમાં સ્ત્રીઓને મતદાન માટે બહાર નીકળવા દેવામાં આવતી નથી. ઘણી શિક્ષણ સંસ્થાઓમાં છોકરીઓને જીન્સ પહેરવા ઉપર પ્રતિબંધ છે. ઘણાં ગામો છોકરીઓને મોબાઈલ વાપરવા દેતાં નથી. આપણને થાય કે આ લોકો રાત્રે ઊંઘી શકતાં હશે ખરાં? કારણ છોકરીઓ સ્વપ્નાં તો જોવાની જ ને? તેમના પર તો આમાંનો પ્રતિબંધ નહીં ચાલે!

આ રાજ્યમાં આનંદી બહેન ‘પટેલ’ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આવ્યાં તેનું ગૌરવ રાખવું હોય તો આવા અર્થ વગરના કાયદાઓનો વિરોધ થવો જોઈએ. કોઈ પણ એકાદ જ્ઞાતિ સંગઠન માંગ કરે એટલે સરકારે તરત તેના પર વિચાર ના કરવાનો હોય. આ દેશમાં બંધારણ છે. બીજા જ્ઞાતિ સમુદાયો પણ છે. એ સૌનો મત પણ જાણવો પડે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”ના દિગ્દર્શક અભિષેક શાહ એક વાર કહી રહ્યા હતા કે મને આ ફિલ્મ બનાવવાનું કારણ એ હતું કે “કોઈ તલવારની ધાર પર નર્તનને કેવી રીતે રોકી શકે?”

ફિલ્મમાં સ્ત્રીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ હતો એ બતાવાયું ત્યારે ઘણાં કહેતાં કે પહેલાં આવું હતું પણ હવે નથી. આ લોકો ખોટાં પડ્યાં. સુરતમાં અત્યારે જ એક દીકરીના ગીત-સંગીતના કાર્યક્રમને રોકવામાં આવ્યો. એક દીકરીને પરણતી અટકાવવામાં આવે છે તો એકને ગાતી રોકવામાં આવે છે.જો આવું જ કરવાનું હોય અને એક સમાજ તરીકે આપણે એ મૂંગે મોઢે જોયા કરવાનું હોય તો એના કરતાં સરકારને વિનંતી કે સ્ત્રી ભૃણ હત્યા કાયદેસર કરી દો એટલે જેમને સ્ત્રી જાતિ સામે જ વાંધો છે તે દીકરીને જન્મ જ નહીં આપે અને એ પરિણામે લગ્ન માટે મંજૂરી, ગરબા ગાવા માટે મંજૂરી જેવા પ્રશ્નો જ ઊભા નહીં થાય. જે દીકરીઓને સ્વતંત્રતા આપવા માંગતા હશે તે જ ઘરમાં દીકરીને જન્મ આપશે. બાકી એક દીકરી પૂછે છે કે મારે મરજી મુજબ જીવવાનું જ નો’તું તો મને જન્મ જ શું કામ આપ્યો?. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top