Charchapatra

માવતરે સંતાનોને ઠપકો નહીં આપવાનો?

૨૮મી જાન્યુઆરીના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના પૃષ્ઠજ ઉપર બે સગીર બાળકોની આત્મહત્યાના સમાચાર વાંચ્યા! ૧૫ વર્ષની તરૂણીને પ્રેમ પ્રકરણમાં ઠપકો મળતા આત્મહત્યા કરી અને ધો. ૯માં અભ્યાસ કરતા કિશોરે માતાએ અભ્યાસ બાબતમાં ઠપકો આપ્યો એટલે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો! પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે શું માતાપિતા એ કે પરિવારજનો એ સંતાનોને કંઇ કહેવાનું જ નહીં? પંદર વર્ષની તરૂણીનો પ્રેમ એ વિજાતીય આકર્ષણ જ કહેવાય એ વયે સાચો પ્રેમ શું એનો એ તરૂણીને શું ખ્યાલ હશે? સંતાન અવળે માર્ગે જતુ હોય તો એને રોકવાની તો માતાપિતાની ફરજ હોય જ ને ! બીજા કિસ્સામાં કિશોર માતા પાસે  ખોટું બોલ્યો અને માતાએ ઠપકો આપી અભ્યાસમાં ધ્યાન આપવા માટે કહ્યું અને કિશોરને માઠું લાગી ગયું અને એણે ફાંસો ખાઇ લીધો! બંને કિસ્સામાં પરિવારજનો એ સંતાનોને યોગ્ય માર્ગે વાળવા ઠપકો આપ્યો અને પરિણામ અત્યંત દુ:ખદ આવ્યું!

સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અને સંસ્કાર સિંચન કરવા માવતરે ક્યારેક કડવા વેણ ઉચ્ચારવા પણ પડે એમાં માવતરને આટલી મોટી સજા સંતાનો આપે કે જીંદગીભર માતાપિતાને ઠપકો આપ્યાનો વસવસો રહી જાય. માતાપિતા લાગણીથી તમને સાચો માર્ગ બતાવે, જેને માટે એમણે ક્યારેક કડક વલણ પણ અપનાવવું પડે. આત્મહત્યા કરનાર તો વિદાય થઇ જાય પણ પાછળ પરીવારજનોની માનસિકસ્થિતી કેટલી કરૂણતા સભર થઇ જાય! તરૂણ-તરૂણીઓનને પણ આત્મસન્માન હોય પણ એનો અર્થ એ નથી કે આવું ાંતિમ ઘાતક પગલુ ભરવાનુ. માતાપિતા – પરિવારજનોનો સ્નેહ કે લાડકોડ ભૂલી જવાના? અને ક્યારેક સારા માટે ઠપકો મળે ત્યારે માઠું લગાડવાનું? બાળકો ને પ્રેમથી સમજાવી શકાય પણ પ્રેમથી ન સમજે અને સ્વયંનુ ધાર્યુ જ કરે ત્યારે માતાપિતાનો પુણ્યપ્રકોપ જાગી ઉઠે! સંતાનો એ પણ સમજવુ જ રહ્યું.
સુરત     – નેહા શાહ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top