નડિયાદ: નડિયાદમાં કાંસ ઉપરની જર્જરિત દુકાનો અવારનવાર નોટીસો બાદ પણ ખાલી ન કરાતાં પાલિકાએ સૌપ્રથમ તમામ દુકાનોના વીજ કનેક્શન કાપી નાંખ્યાં હતાં. જે બાદ હવે, દુકાનો તોડી પાડવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.
નડિયાદ નગરપાલિકા નજીક કાંસ ઉપર બનાવવામાં આવેલી પાલિકા હસ્તકની ૮૪ દુકાનો પૈકી ૬૦ દુકાનો અતિ જર્જરિત બની હતી. જેને પગલે પાલિકાતંત્ર દ્વારા બે વર્ષ અગાઉ જર્જરિત દુકાનો ઉતારી લેવા નોટીસ આપી હતી. જોકે, દુકાનદારોએ આ નોટીસને અવગણી હતી. જે બાદ પાલિકાતંત્ર દ્વારા સમયાંતરે ત્રણેક જેટલી નોટીસો પાઠવવામાં આવી હતી. પરંતુ, દુકાનદારો દ્વારા જર્જરિત દુકાનો ખાલી કરવામાં આવતી ન હતી.
જેને પગલે દુકાનો વધુ જર્જરિત બનવા લાગી હતી. ક્યારેક જર્જરિત દુકાનોના દિવાલના પોપડા ઉખડવાના, તો ક્યારેક સ્લેબ તુટવાના બનાવો બની રહ્યાં હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત વર્તાઈ રહી હતી. એવામાં ચોમાસાની સિઝનમાં આ જર્જરિત દુકાનો કકડભૂસ થવાની પ્રબળ શક્યતાને પગલે પાલિકાતંત્ર હરકતમાં આવ્યું હતું અને જર્જરિત બનેલી દુકાનો ખાલી કરવાની વધુ એક નોટીસ થોડા દિવસ અગાઉ આપવામાં આવી હતી.
જોકે, દર વખતની જેમ આ વખતે પણ દુકાનદારોએ જર્જરિત દુકાનો ખાલી કરવાની તસ્દી લીધી ન હતી. જેથી પાલિકાતંત્ર દ્વારા તમામ જર્જરિત દુકાનોના વીજ કનેક્શન કપાવી નાંખ્યાં હતાં. જેના બીજા જ દિવસ જર્જરિત દુકાનો પૈકી ૫૫ અને ૫૬ નંબરની બે દુકાનોના સ્લેબ ધરાશયી થયાં હતાં. જે બાદ ભયભીત થયેલા દુકાનદારોએ રાતોરાત દુકાનો ખાલી કરી દીધી હતી. બીજી બાજુ પાલિકાએ આ જર્જરિત દુકાનો તોડી નાંખવાની કામગીરી શરૂ કરી છે. જોકે, પાલિકા દ્વારા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા 100 જેટલા પરિવારની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે.