સુરત: શહેરમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે. સૌથી ખરાબ હાલત વરાછા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારની છે. અહીં મુખ્યમાર્ગો પર મેટ્રો અને અંતરિયાળ ગલીઓમાં ડ્રેનેજના લીધે રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે. જેના લીધે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને હવે તો દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આ વિસ્તારોમાં મુખ્ય માર્ગો મેટ્રોની કામગીરીના લીધે ખોદી નાંખવામાં આવ્યા છે. મેટ્રોની કામગીરી એક વર્ષ ચાલવાની હોવાથી દુકાનદારો ચિંતામાં મુકાયા છે. કોરોનાના લીધે છેલ્લાં બે વર્ષથી ઘરાકી જોવા મળી નથી. દિવાળી અને લગ્નસરાના લીધે છેલ્લાં બે મહિનાથી સારો વેપાર થઈ રહ્યો છે ત્યારે સુરત મનપા દ્વારા દુકાન સામે જ રસ્તાઓ ખોદી નાંખવામાં આવતા વેપારીઓને વેપાર ગુમાવવાનો ભય લાગી રહ્યો છે.
સુરતમાં (Surat) મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રો રેલના ફેઝ-1 અંતર્ગત અંડરગ્રાઉન્ડ સ્ટેશનની (Under ground station) કામગીરીને લઈ આજથી ચોકબજારથી કાપોદ્રા સુધીના 7 કિલોમીટર લાંબા અન્ડર ગ્રાઉન્ડ રૂટમાં સ્ટેશન બનાવવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેને પગલે આ વિસ્તારમાં આવેલા અલગ-અલગ રસ્તાઓ એક વર્ષ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુદા જુદા રસ્તાઓ એક વર્ષ માટે બંધ કરવાના પોલીસ કમિશનરના (Police Commissioner) જાહેરનામાને પગલે દુકાનદારોમાં (Shop keepers) ફફડાટ ફેલાયો હતો. અને તેઓ મેયર (Mayor) હેમાલી બોઘાવાલાને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને તેઓની દુકાનો એક વર્ષ માટે બંધ કેવી રીતે રાખી શકાય તે અંગે રજુઆત કરી હતી. જે અંગે મેયરે અધિકારીઓને બોલાવી દુકાનદારોને જણાવ્યું હતું કે, સમગ્ર રસ્તો પેક નહી થશે. રસ્તાના છેડા પર 4.5 મીટરનો રસ્તો ખુલ્લો રહેશે જેથી ટુ-વ્હીલર વાહનો પસાર થશે અને દુકાનો પણ ચાલુ રહેશે.