વલસાડ: વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં અનેક દુકાનદારો રજિસ્ટ્રેશન (ગુમાસ્તાધારાની નોંધણી) નહી કરાવતા હોવાનું ગત વર્ષે જ ધ્યાને આવ્યું હતુ. આવી અનેક દુકાનો પાલિકાએ સીલ કરી દીધી હતી. જે અંતર્ગત હવે પાલિકા કડક બની છે અને તેમના દ્વારા ગુમાસ્તાધારાની નોંધણી નહી કરાવનાર દુકાનદારો સામે કડક પગલાં ભરાશે અને તેમની પાસે જોગવાઇ અનુસાર રૂ. 10 હજારનો દંડ વસૂલાશે.
- ગુમાસ્તાધારાની નોંધણી નહીં કરાવનારને રૂ. 10 હજારનો દંડ થશે
- વલસાડ પાલિકા હવે રજિસ્ટ્રેશન નહી કરવનાર દુકાનદારો સામે ચકાસણી કરશે
વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, નગરપાલિકાના હદ વિસ્તારા દુકાનદારોને 28 મે 2022 એ કરેલી જાહેરાત મુજબ ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 2019 મુજબ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન 60 દિવસ અંતર્ગત કરાવવાનું રહેશે. જે દુકાનદાર આ રજિસ્ટ્રેશન નહી કરે તેની સામે પાલિકા કલમ નં. 6 વિરૂદ્ધ પગલાં લઇ શકે છે અને તેમને રૂ. 10 હજારનો દંડ પણ ફટકારી શકે છે.
આ રજિસ્ટ્રેશન ખોટા દસ્તાવેજોના આધારે પણ કરવામાં આવ્યું હોવાની જાણ થશે તો તેની વિરૂદ્ધ પણ પગલાં ભરાશે એવું જણાવ્યું છે. જોકે, વલસાડ શહેરમાં આ પ્રકારની ફરિયાદ અવાર નવાર થતી હોય છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની પરવાનગી વિના જ નોંધણી થતી હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ત્યારે આ સંદર્ભે વલસાડ નગરપાલિકા પગલાં ભરશે ખરાં એ જોવું રહ્યું.