SURAT

ભેસ્તાનમાં દુકાનદાર પોતાની દુકાનમાં એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ભરી વેચતો પકડાયો

રાજ્યમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર ચોપડા પર જ હોય તેવું લાગે છે. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે. શોખીનો સુધી દારૂ પહોંચાડવા બુટલેગરો અજબગજબ કિમીયા અજમાવતા હોય છે. તાજેતરમાં એક બુટલેગરે ટોઈલેટના કમોડ નીચે દારૂની બોટલો છુપાવી હતી. હવે એક કદમ આગળ વધતા ભેસ્તાનનો બુટલેગર એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ભરી હેરફેર કરતો હોવાનું ખુલ્યું છે.

બાતમીના આધારે પોલીસે ભેસ્તાનમાં એક દુકાન પર દરોડો પાડ્યો હતો. શરૂઆતમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું પરંતુ પોલીસે વધુ તપાસ કરતા દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ હતી. પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી લાલ પાતળું પ્રવાહી નીકળ્યું હતું. આ પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં ભરતા પોલીસ ચોંકી ગઈ હતી. આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ હતો. દારૂ માફિયાઓએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, સલીયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ‘શ્રીજી ટ્રેડ્સ’માંથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. દુકાનનો માલિક શૈલેન્દ્રકુમાર વેદરામસિંગની પણ અટકાયત કરી લેવાઈ છે. શૈલેન્દ્રકુમારે દુકાનમાં ચારે બાજુ મોટા પુઠાના બોક્સ ગોઠવ્યા હતા, જેના પર ‘EURO LINE COOL TECHNOLOGI’ અને ‘EUROMAX PREMIUM LONG LIFE COOLANT PRE-MAX’ જેવા લેબલ લાગેલા હતા, જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઈલ અથવા કુલન્ટ માટે વપરાય છે. આ એન્જિનના ડબ્બામાં દારૂ ભરેલો મળી આવ્યો છે.

પોલીસને શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું. જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું, તો અંદર એક-એક લિટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેના પર ઓઈલના લેબલ લાગેલા હતા. પોલીસે એક ડબ્બો ખોલ્યો અને તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો તે સામાન્ય ઓઈલ જેવું જ હતું. પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું, ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે. આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરવાનો નવો કીમિયો અપનાવ્યો હતો.

પોલીસે કુલ 5.24 લાખની કિંમતનો 480 લિટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે. આ દારૂ અનિલસિંહ વેદરામસિંગે બોઈસર તારાપુરથી મોકલાવ્યો હતો. પોલીસે તાત્કાલિક રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે. અનિલસિંઘ વેદરામસિંઘને વોન્ટેડ જાહેર કર્યા છે.

Most Popular

To Top