સુરતઃ તાજેતરમાં ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલિંગ પેપર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ એલર્ટ થઈ છે. આજે સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરીમાતા રોડ પર પાલિકાના એક આવાસના પાર્કિંગમાં પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને ગોગો સ્ટીક વેચતા દુકાનદારને ઝડપી પાડવામાં આવ્યો છે.
- ભરીમાતા રોડ સુમન મંગલ SMC આવાસ-Cના પાર્કિંગમાંથી અલગ અલગ બ્રાન્ડના 1.63 લાખની કિંમતના 19,978 ગોગો રોલિંગ પેપર અને 9960 ગોગો સ્ટીક કબ્જે લેવાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીના પીએસઆઈ એમ.ડી. હડીયા તથા તેમની ટીમના માણસો વોચમાં હતાં ત્યારે બાતમી મળી હતી કે ફુલવાડી ભરીમાતા રોડ પર આવેલા સુમન મંગલ એસએમસી આવાસમાં ગોગો રોલિંગ પેપર વેચાય રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં એસએમસી આવાસના વિભાગ સીના પાર્કિંગમાં અલગ અલગ બ્રાન્ડના ગોગો રોલિંગ પેપર અને સ્ટીક મળી આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.63 લાખની કિંમતના ગોગો પેપર અને સ્ટીક કબ્જે લીધા હતા. પૂછપરછમાં આરોપી દુકાનદારે જણાવ્યું કે પોલીસનું દબાણ વધતા દુકાનમાં ગોગો પેપર રાખવાના બદલે તેનું એસએમસી આવાસના પાર્કિંગમાં છૂટક વેચાણ કરવા માંડ્યું હતું. પોલીસે ગોગો પેપર અને સ્ટીક કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.