કોલોરાડોની એક ભીડભરેલી સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં દસ લોકો માર્યા ગયા હતા જેમાં ઘટના સ્થળે પહોંચેલા પ્રથમ પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો. આ ગોળીબારથી ગભરાઇ ગયેલા ગ્રાહકો અને કામદારોએ સલામતી માટે નાસભાગ કરી મૂકી હતી.
અગાઉ પણ આવા ઘણા સામૂહિક હત્યાકાંડો જોઇ ચુકેલા કોલોરાડો રાજ્યમાં નોંધપાત્ર સમયના વિરામ પછી આવો હત્યાકાંડ થયો છે અને તેનાથી આ રાજ્યના લોકો સ્તબ્ધ થઇ ગયા છે. આ ઘટનાનો એક માત્ર શકમંદ પોલીસ કસ્ટડીમાં છે એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે આ ગોળીબાર થયો હતો જેના પછી ડેનેવર મેટ્રોપોલિટન એરિયામાંથી સેંકડો પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. તેમણે કિંગ સુપર્સ સુપરમાર્કેટને ઘેરી લીધી હતી, જે દક્ષિણ બૌલ્ડરમાં આવેલ એક વ્યસ્ત શોપિંગ પ્લાઝા છે.
બેલિસ્ટિક શિલ્ડ્સ લઇને સ્વાત પોલીસ અધિકારીઓ આ સ્ટોર પર પહોંચી ગયા હતા જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ ગભરાયેલા લોકોને આ બિલ્ડિંગમાંથી બહાર દોરી ગયા હતા. ઇમારતની કેટલીક બારીઓ તૂટી ગઇ હતી. ગ્રાહકો અને દુકાનોના કર્મચારીઓ પાછલા લોડીંગ ડૉક મારફતે ભાગ્યા હતા. તો કેટલાકે નજીકની દુકાનોમાં શરણું લીધું હતું. એક શકમંદ કસ્ટડીમાં છે એમ બૌલ્ડરના પોલીસ વડાએ જણાવ્યું હતું.
આ શકમંદનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પગમાં ઇજા સાથે તેને પકડવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતુ તત્કાળ જાણી શકાયો ન હતો. શકમંદ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેને આ ઘટનામાં ઇજા થઇ છે. બનાવના સ્થળે સૌથી પહેલા પહોંચી ગયેલા એરિક ટેલી નામના એક ૫૧ વર્ષીય પોલીસ અધિકારીનું પણ ગોળીબારમાં મૃત્યુ થયું હતું, જેમના મૃતદેહને માનભેર ત્યાંથી લઇ જવાયો ત્યારે બહાર ઉભેલા લોકોએ સલામી આપી હતી. કોલોરાડોમાં અગાઉ આવા ઘણા ગોળીબારના બનાવો બની ગયા છે પણ હાલ રોગચાળાના સમયમાં કેટલાક મહિનાઓથી આવી કોઇ મોટી ઘટના બની ન હતી, જેના પછી આ ઘટના બની છે.