Comments

ન્યાયમૂર્તિ સામે નાખેલો જોડો અમને વાગ્યો, તમને વાગ્યો?

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ એક સિનીયર વકીલે જોડો ફેંક્યો એટલું જ નહિ, કોર્ટની બહાર જતાં તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા કે “સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન”.. આ ઘટના આમ તો નાની છે પણ દેશના ઇતિહાસ અને કાયદાના શાસનની રીતે અગત્યની અને દુ:ખદ છે. સભ્ય સમાજ માટે શરમજનક છે. દેશની વિધાનસભા અને લોકસભામાં આવા ફેંકાફેંકનાં દૃશ્યો અગાઉ સર્જાઈ ચૂક્યાં છે જે યોગ્ય અને શરમજનક જ હતાં તો ન્યાયાલયની ઘટના પણ શરમજનક જ ગણાય.

આ ઘટના અનેક પ્રશ્નો ઊભા કરે છે. એક તો તમામ સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે તે એ કે જો આ જોડો ઉછાળનાર વ્યક્તિ સામાન્ય માણસ, લઘુમતી સમાજનો કે કોઈ અન્ય રાજકીય વિચારધારાવાળો હોત તો? સુપ્રીમમાં બનેલી ઘટના જિલ્લા ન્યાયાલયમાં બનેલી ઘટના હોત તો? ન્યાયમૂર્તિ ગોગાઈને બદલે બીજા હોત તો? આ આખી જ ઘટનાનું મુખ્ય સમાચાર માધ્યમોએ કરેલું કવરેજ જૂદું હોત. જોડો ફેંકાયો તે કરતાં પણ વધારે દુ:ખદ અને વિચાર માગનારી બાબત એ છે કે તે ફેંકનાર વકીલ છે. તે જે કારણોસર આ જોડો ઉછાળે છે તે કારણ આઘાતજનક છે અને આપના મોટા નેતાઓ કે દેશના આગેવાન વક્તાઓએ સાધેલું મૌન અત્યંત ચિંતાજનક છે.

દેશના મુખ્ય ન્યાયાધીશના ચુકાદાથી આપણે કાયમ સહમત ના હોઈએ પણ કાયદાના શાસનમાં બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ હોવો જોઈએ. એક વ્યક્તિ જ્યારે વકીલાત કરે છે અને તે પણ હાઈકોર્ટ કે સુપ્રીમમાં કેસ ચલાવે છે તો તેને ખબર હોવી જોઈએ કે કાયદાન શાસનમાં કોઈ પણ ફરિયાદ કાનૂની માર્ગે જ થાય. સજા આપવાનું કામ કોર્ટનું છે વકીલનું નહિ. જોડો ઉછાળનાર વકીલ સર્વ પ્રથમ તો પોતાના વ્યવસાયનું જ અપમાન કરે છે. જે માણસ પોતે જ કાયદો હાથમાં લઇ મન ફાવે તેમ વર્તે છે તે પોતાના અસીલને કાનૂની માર્ગે ન્યાય ક્યાંથી અપાવશે?

આ ઘટના પછી હિંદુ અને સનાતનમાં વિશ્વાસ રાખનારાએ જાહેરમાં આવીને કહેવું પડે કે આ અમારા પ્રતિનિધિ નથી. ચાર પાંચ ઉદ્દામ તત્ત્વોને આખી સંસ્કૃતિ બચાવવાનો ઠેકો આપી શકાય નહીં. શક્ય છે માણસ સસ્તી લોકપ્રિયતા માટે આવા સૂત્રોચ્ચાર કરતો હોય અને પોતાના બીજા મુદ્દા માટે તેને ન્યાયમૂર્તિ સાથે વિવાદ હોય અને પોતે સનાતનની રક્ષા માટે આ કામ કર્યું તેવું બહાનું બતાવી તેની પાછળ છુપાતો હોય. મુદ્દો જે હોય તે, આ ગંભીર પરિણામો આપતી ઘટના છે. શક્ય છે ધર્મ અને પરમ્પરાના નામે લોકો બંધારણીય શાસનનો જ વિરોધ કરવા લાગે.

સમાજના મનમાં હિંસા અને આવેગ કઈ હદે વ્યાપ્ત છે? તેનો આ પુરાવો છે કે કોર્ટ પણ આનાથી બાકાત નથી. સમાજે આ ઘટના માટે વ્યાપક ચર્ચા અને ચિંતન કરવું પડશે. ખાસ તો સત્તાધારી પક્ષની જવાબદારી બને છે કે તે પોતાના અને સહયોગી સંસ્થાઓનાં કાર્યકર્તાઓને બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવાનું શીખવાડે. આજે પ્રેમલગ્ન કરનારાં દીકરા-દીકરીઓને મારી નાખવામાં આવે છે. ફિલ્મોના વિરોધમાં થિયેટરોમાં તોડફોડ કરવામાં આવે છે. થોડુંક પ્રગતિશીલ અને રૂઢિથી જુદું બોલો તો વિરોધ અને હિંસાનો સામનો કરવો પડે છે. આ વાતાવરણ ડરામણું છે અને માટે જ આજે મોટાં લોકો માધ્યમો ખૂલીને બોલતાં નથી.

આપણે જાહેર હિંસા માટે કડક કાયદો બનાવવો પડશે. એક તરફ સરકારી કર્મચારીઓ કોન્ટ્રાકટનાં ભોગ બનેલાં યુવકો કે વિપક્ષના લોકો જાહેર વિરોધ પ્રદર્શન કરી નથી શકતાં. તેમને મજૂરી આપવામાં નથી આવતી અને ધરપકડ કરવામાં આવે છે. બીજી બાજુ ફિલ્મોના લેખોના ચુકાદાઓના વિરોધમાં જાહેર તોડફોડ, હિંસા ખુલ્લેઆમ થાય છે. ટોળાંઓ જાહેર હિંસા કરે છે અને દેશ લાચાર બનીને જોયા કરે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સામે ફેંકાયેલો જોડો એ તમામ સામે ફેંકયો છે, જે ન્યાય અને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવા માંગે છે. આ અમને તો વાગ્યો છે પણ શું તે સૌને વાગ્યો છે? અત્યાચાર સમયે મૌન રહેવું તે અત્યાચાર છે અને અત્યાચારને સમર્થન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top