સુરત : લાલદરવાજા વિસ્તારમાં આવેલી અપૂર્વ હોસ્પિટલના ડોક્ટર શીલા શાહ વિરુદ્ધ બેદરકારીના ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં કરાયેલો વર્ગ સી સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો હતો. સાથે આરોપી સામે વધુ તપાસ કરી યોગ્ય પગલા લઈને રિપોર્ટ ૬૦ દિવસમાં કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. પોલીસ તપાસમાં ખામીઓ જણાઈ આવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
- પોલીસ તપાસમાં ખામી છે, આરોપી સામે વધુ તપાસ કરી 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો હુકમ
- મહિલા દર્દીના મોતમાં મહીધરપુરાના ડોક્ટરની બેદરકારી નથી તેવી સી સમરી મંજૂર કરવા પોલીસે કોર્ટમાં અરજી કરી હતી
- તપાસ ડીવાયએસપીથી નીચેના કક્ષાના અધિકારી નહીં કરે તેવો કોર્ટે હુકમ કર્યો
કેસની વિગત એવી છે કે કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં રહેતા મયુરભાઈ કેવડિયાની ગર્ભવતી પત્ની દયાબેન (૩૩ વર્ષ)ને ગત તા.૨૪-૯-૨૦૧૯ના રોજ પ્રસુતિની પીડા થતા સવારે 11.30 વાગે મહિધરપુરા વિસ્તારના લાલદરવાજા ખાતે આવેલી અપૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધી નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ 5 મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાદ દયાબેનને ઓક્સિજન પર રાખવા પડશે એવું કહી બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ થોડીવારમાં દયાબહેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં મયુરભાઈ કેવડિયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ડો. શીલા અશોકભાઇ શાહ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ આરંભી હતી. પોલીસે કોર્ટમાં દયાબેનના મોતમાં ડોક્ટરની કોઈ બેદરકારી નથી એવું નોંધીને વર્ગ સી સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદ મુજબ આરોપી તરફે કોઈ બેદરકારી કે નિષ્કાળજી રાખવામાં આવી નથી.
ફરિયાદીની પત્ની દયાબેનનું કુદરતી રીતે ઓપરેશન થિયેટરમાં વધુ પડતું લોહી વહી જવાથી થયું છે. જેથી આરોપીઓની કોઈ ભાગ ભજવણી નથી. જેથી રિપોર્ટ મંજૂર કરવા રિપોર્ટ કર્યો હતો. દલીલોના અંતે કોર્ટે આ કેસમાં તપાસ કરતાં અધિકારીનો વર્ગ સી સમરી રિપોર્ટ નામંજૂર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પોલીસ તપાસમાં ઉણપ છે. આરોપી સામે વધુ તપાસ કરી યોગ્ય પગલા લઈને ૬૦ દિવસમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે તપાસ ડીવાયએસપીથી નીચેની કક્ષાના અધિકારીએ કરવી નહીં તેવો પણ હુકમ કર્યો હતો.