કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝ આ બે શબ્દો ભારતના ફિલ્મ ઉદ્યોગની પહેચાન બની ગયા છે. જો કોઈ નવોદિત યુવતી ભારતની કોઈ પણ ભાષાની ફિલ્મમાં રોલ મેળવવા માગતી હોય તો તેણે કાસ્ટિંગ કાઉચનો મુકાબલો કરવો પડે છે અને કોમ્પ્રોમાઈઝ કરવાની તૈયારી રાખવી પડે છે. આ બાબતમાં મીડિયામાં તેમ જ સોશિયલ મીડિયામાં અનેક કથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે, પણ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં તે બાબતમાં સત્તાવાર હેવાલ પ્રગટ કરવા દ્વારા આ દંતકથાઓ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
કેરળ હાઈકોર્ટનાં નિવૃત્ત મહિલા ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિએ કહ્યું છે કે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ ઊંડે ઊંડે અસ્તિત્વ ધરાવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ સ્તરે પ્રવેશ મેળવવા માટે કોમ્પ્રોમાઈઝ અને એડજસ્ટમેન્ટ શબ્દો કોડવર્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ બંને શબ્દોનો અર્થ એ છે કે મહિલાએ પોતાને ‘સેક્સ ઓન ડિમાન્ડ’માટે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેરળ સરકારે જસ્ટિસ હેમાની આગેવાની હેઠળની સમિતિનો રિપોર્ટ રજૂ કર્યાના સાડા ચાર વર્ષ બાદ તેને જાહેર કર્યો છે.
૨૯૦ પાનાંના આ રિપોર્ટના ૪૪ પેજ ગાયબ છે, કારણ કે આ પેજમાં મહિલાઓએ એવા પુરૂષોનાં નામ આપ્યાં હતાં જેમણે તેમનું શોષણ કર્યું હતું. છેલ્લા ૪૮ કલાકમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓએ તેમની જાતીય સતામણી કરનારાઓનાં નામો જાહેર કર્યાં છે. આ આરોપીઓમાંથી માત્ર એકે જ પોલીસને સત્તાવાર રીતે કહ્યું છે કે તેની સામેના આરોપો પાયાવિહોણા છે.
બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ જાણીતા અભિનેતા રણજીત પર આક્ષેપો કર્યા છે. રણજીતે આ આરોપોને ફગાવી દીધા છે. આ દરમિયાન તેણે કેરળ ફિલ્મ એકેડમીના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી શ્રીલેખાએ ૨૬ ઓગસ્ટે કોચી પોલીસ કમિશનરને ઔપચારિક ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બિનજામીનપાત્ર ગુના હેઠળ નોંધવામાં આવી છે. કેરળ સરકારે હાલમાં જ એક વિશેષ તપાસ ટીમ અથવા SITની રચના કરી છે. આ ટીમમાં ચાર મહિલા IPS પોલીસ ઓફિસર છે. જોકે આ ટીમ FIR દાખલ કરશે નહીં.
જસ્ટિસ હેમા કમિટીની રચના ૨૦૧૭ માં કરવામાં આવી હતી, જ્યારે વુમન ઇન સિનેમા કલેક્ટિવ (WCC) એ મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને એક મેમોરેન્ડમ સુપરત કરીને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની પરિસ્થિતિઓ પર અભ્યાસ કરવાની માંગ કરી હતી. આ મેમોરેન્ડમ એ ઘટના પછી આપવામાં આવ્યું હતું જ્યારે એક પ્રતિષ્ઠિત અભિનેત્રીને તેની જ કારમાં કેટલાક પુરુષો દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી. આ સમિતિમાં પીઢ અભિનેત્રી ટી. શારદા અને કેરળના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી કે.બી. વલસાલાકુમારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નિવૃત્ત જસ્ટિસ હેમા કમિટિનો અહેવાલ ભારતના કોઈપણ ભાગની મહિલાઓની કામકાજની સ્થિતિ અંગેનો વિસ્ફોટક અહેવાલ છે. કદાચ અહેવાલનું સૌથી નોંધપાત્ર અવલોકન એ છે કે ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણી આઘાતજનક રીતે સામાન્ય છે અને તે બેરોકટોક રહે છે. કેટલીક મહિલાઓએ પુરૂષો દ્વારા તેમની જાતીય સતામણી કરવામાં આવી હોવાના પુરાવા તરીકે ઑડિયો, વિડિયો ક્લિપ્સ અને WhatsApp સંદેશાઓના સ્ક્રીનશૉટ્સ આપ્યા હતા. એક પ્રખ્યાત અભિનેતાએ સમિતિને કહ્યું કે એક શક્તિશાળી લોબી છે જે ફિલ્મ ઉદ્યોગમાં માફિયાની જેમ કામ કરે છે અને કંઈપણ કરી શકે છે. તે લોબી પ્રખ્યાત દિગ્દર્શકો, નિર્માતાઓ, અભિનેતાઓ અથવા કોઈપણ વ્યક્તિ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.
સમિતિને મૌખિક અને દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા હતા કે અમુક અભિનેતાઓ, નિર્માતાઓ, વિતરકો, દિગ્દર્શકો, જે બધા પુરુષો છે, તેમણે મોટા પાયે ખ્યાતિ અને પૈસા બંને મેળવ્યા છે અને હવે મલયાલમ ઉદ્યોગ પર સંપૂર્ણ નિયંત્રણ છે. અમને લાગે છે કે પ્રખ્યાત કલાકારો સહિત ઘણા લોકો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મ ઈતિહાસકાર ઓ.કે. જોનીએ કહ્યું કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દેશની અન્ય ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં સૌથી નાની છે, પરંતુ તે ખૂબ જ બદનામ પણ છે. તે એક મોટો માફિયા છે, જે મહિલા વિરોધી છે.
મહિલા કલાકારોને નજીવી ચૂકવણીના કિસ્સામાં સમિતિનાં તારણો દ્વારા પણ જોનીની વાતની પુષ્ટિ થાય છે. સમિતિને જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કેટલાક ફિલ્મ નિર્દેશકો નગ્ન દૃશ્યો અથવા શરીરના અંગો બતાવવા અંગે અભિનેત્રીઓને આપેલાં વચનોથી ફરી ગયા હતા. જ્યારે મહિલાઓએ તે કામ છોડી દીધું ત્યારે ત્રણ મહિના કામ કરવા છતાં તેમને પગાર આપવામાં આવ્યો ન હતો. મહિલાઓએ કહ્યું કે શૂટિંગ દરમિયાન હોટલમાં પણ તેઓ સુરક્ષિતતા નથી અનુભવતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દારૂના નશામાં ધૂત પુરુષો દ્વારા દરવાજાને એટલી તાકાતથી ધક્કો મારવામાં આવ્યો હતો કે ક્યારેક એવું લાગતું હતું કે દરવાજો તૂટી જશે અને પુરુષો બળજબરીથી તેમના રૂમમાં પ્રવેશ કરશે.
જુનિયર આર્ટિસ્ટ અને હેર સ્ટાઈલિસ્ટની હાલત તો તેનાથી પણ ખરાબ છે. જુનિયર કલાકારો સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવતું હતું. તેમને સેટ પર શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી અને સવારે ૯ થી મોડી રાત્રે ૨ વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે. કેટલાક અપવાદોને બાદ કરતાં તેમને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નથી. હેર સ્ટાઈલિસ્ટ અને મેકઅપ કલાકારો માટે કામ કરવાની પરિસ્થિતિઓ વધુ ખરાબ છે કારણ કે તેમના યુનિયનોએ કામ કરવાની પરિસ્થિતિઓ અને વેતનને સંચાલિત કરતા કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. ઉદ્યોગમાં એક જ નિયમ છે કે જે કોઈ પણ યસ મેન અથવા યસ વુમન બનવા તૈયાર નથી થતાં તેમને માફિયાઓ દ્વારા ફિલ્મ ઉદ્યોગમાંથી પ્રતિબંધિત કરી શકાય છે.
ફરિયાદ કરનાર મહિલાઓએ એવી ઘટનાઓ વર્ણવી છે જેમાં તેમને વારંવાર સમાધાન અને એડજસ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. મીનુ મુનીર નામની અભિનેત્રીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે હું ફિલ્મ શૂટિંગ સ્થળ સચિવાલયના વોશરૂમમાંથી બહાર આવી હતી. એક પ્રખ્યાત અભિનેતાએ મને પાછળથી પકડી અને મારી સંમતિ વિના મને ચુંબન કર્યું. મેં તેને પાછળ ધકેલી દીધો અને હું ત્યાંથી ભાગી ગઈ. તે કહેતો રહ્યો કે તેની પાસે ત્રિવેન્દ્રમમાં એક એપાર્ટમેન્ટ છે અને મારે તેને ત્યાં મળવું જોઈએ. અન્ય એક પ્રખ્યાત અભિનેતા હતા મને હોટલનો રૂમ ખુલ્લો રાખવા કહેતો અને તે હોટેલમાં આવી જતો. મેં સ્પષ્ટ કહ્યું કે આ શક્ય નથી.
તેણે કહ્યું કે તમારે આ કરવું પડશે કારણ કે હું તમારા માટે ફાઇવ સ્ટાર હોટેલમાંથી આ હોટેલમાં આવ્યો છું. એક ધારાસભ્ય અને એક અભિનેતાએ પણ મને આવી વાતો કહી. મુનીરને લાગ્યું કે જો તે AMMAની સભ્ય બની જશે તો તેને આવી હેરાનગતિનો સામનો કરવો નહીં પડે. પરંતુ તેને કહેવામાં આવ્યું કે જો તે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર હોય તો જ તેને સભ્યપદ મળશે. અન્ય બે અભિનેત્રીઓ ગીતા વિજયન અને શ્રીદેવિકાએ જાણીતા નિર્દેશક પર અડધી રાત્રે તેમના દરવાજા ખટખટાવવાનો આરોપ લગાવ્યો છે.
શ્રીદેવિકાના કેસમાં ચાર દિવસ સુધી આવું બન્યું. એક સ્ક્રિપ્ટ રાઈટરે ડીજીપીને ફરિયાદ મોકલી છે કે જ્યારે તે કોલ્લમમાં એક ફિલ્મ વિશે વાત કરવા ગઈ હતી ત્યારે એક અભિનેતા-દિગ્દર્શકે તેની જાતીય સતામણી કરી હતી. ચુંબન કરવાનો પ્રયાસ કર્યા પછી, અભિનેતા-દિગ્દર્શકે સ્ક્રિપ્ટ રાઇટરની માફી માંગી હતી અને સહાયક દ્વારા ૧૦,૦૦૦ રૂપિયા મોકલવાનો પ્રયાસ કર્યો જેથી તેણી આ વાત કોઈને ન કહે. રેવતી સંપતે એક્ટર સિદ્દીકી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. કેરળ સરકારનું કહેવું છે કે જો જાતીય સતામણીનો સામનો કરી રહેલી અભિનેત્રીઓ ફરિયાદ કરશે તો તપાસ કરવામાં આવશે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.