SURAT

VIDEO: કાપોદ્રાની ધારુકાવાળા કોલેજમાં ચોંકાવનારી ઘટના, સ્પીચ આપતી વખતે યુવતીનું અચાનક મોત

છેલ્લાં કેટલાંક સમયમાં હાલતા ચાલતા અચાનક બેભાન થયા બાદ મૃત્યુના અનેક બનાવ બન્યા છે. આવો જ એક દુઃખદ બનાવ સુરતમાં બન્યો છે. કાપોદ્રામાં ધારુકાવાળા કોલેજના સ્ટેજ પર સ્પીચ આપતી વખતે અચાનક યુવતી ઢળી પડી હતી. પહેલાં તે બેભાન થઈ અને ત્યાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. પળવારમાં 24 વર્ષીય અમદાવાદની યુવતીનું પ્રાણપંખેરું ઉડી જતા સભાખંડમાં સોંપો પડી ગયો હતો.

બનાવની મળતી વિગત અનુસાર અમદાવાદના રાયપુર ખાતે અકાશેઠની પોળમાં રહેતી 24 વર્ષીય જીલ સુરેશભાઈ ઠક્કર કાપોદ્રાની ધારુકાવાળા કોલેજમાં આવી હતી. તે કોલેજના ઓડિટોરિયરમમાં સ્ટેજ પરથી સ્પીચ આપી રહી હતી. દરમિયાન ચાલુ સ્પીચે અચાનક તે પડી ગઈ હતી. બેભાન થઈ ગઈ હતી. તરત જ સભામાં હોબાળો મચી ગયો હતો. લોકો તેની મદદે દોડી ગયા હતા. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે કાપોદ્રા પોલીસે કહ્યું કે, જીલ ઠક્કર આઈટી કંપનીમાં નોકરી કરે છે. કંપનીનો એક કેમ્પ સુરતમાં ચાલતો હતો. તેથી જીલ અમદાવાદથી સુરત આવી હતી. ધારૂકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં કંપનીના સેમિનારમાં તે સ્પીચ આપી રહી હતી ત્યારે ચાલુ સ્પીચે જ તે અચાનક ઢળી પડી હતી. તેની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું છે. રિપોર્ટ આવ્યો નથી. હાલ હાર્ટ એટેકની શક્યતા લાગી રહી છે.

Most Popular

To Top