Dakshin Gujarat

કોસંબા નજીક હાઈવે પર ટ્રોલી બેગમાંથી મહિલાની લાશ મળતા ચકચાર

સુરતઃ સુરત જિલ્લાના કોસંબા નજીક એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં હાઈવે પર એક ટ્રોલી બેગમાંથી મહિલાની લાશ મળી છે. હત્યા કરી મહિલાની લાશ બેગમાં પેક કરી કોઈ છોડી ગયું હોવાનું અનુમાન છે. હત્યારાઓએ પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં મહિલાની લાશ પેક કરી હતી. મહિલાના હાથ પર ટેટૂ દોર્યું છે, તેના આધારે જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે હાઈવે પર એક બેગમાં ડેડબોડી હોવાનો મેસેજ મળ્યો હતો. જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતાં બેગમાં અજાણી 25 વર્ષીય મહિલાની ડેડબોડી હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો કેસ હોય એવું ફલિત થાય છે. મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બોડીના બે ટુકડા કર્યા નથી. કપડાંથી બાંધી બેવડ વાળી લાશને બે ફૂટની બેગમાં મુકવામાં આવી હતી.

ડેડબોડી કોસંબા ઓવરબ્રિજ પર મારૂતિના શો રૂમ બાજુમાં રોડના કિનારેથી મળી છે. કોઈ અહીં બેગ ફેંકી ગયું હોવાનું લાગે છે.

પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે મહિલા પરપ્રાંતીય છે. તેણીના હાથ પર ટેટૂ છે. આ ટેટૂની મદદથી તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયો છે. બીજી તરફ પોલીસ ટુકડીએ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માંડ્યા છે. આસપાસના વિસ્તારોમાં લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top