ગાંધીનગર: ભાવનગરમાં વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની પત્ની અને બે બાળકોની લાશ આજે ફોરેસ્ટ કોલોની નજીક ખાડામાં દાટી દીધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
- દેવદિવાળીએ ભાવનગરથી સુરત માટે નીકળ્યા બાદ ગુમ હતા
- ફોરેસ્ટ કોલોનીની બાજુમાં જ લાશો દાટી દેવામાં આવી હતી
ગઇ તારીખ 5મી નવેમ્બરના રોજ પત્ની અને બે બાળક સુરત જવા નીકળ્યા હતા. જો કે તેઓ સુરત નહીં પહોંચતા પોલીસને જાણ કરાઈ હતી. ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરતમાં રહે છે.
થોડા દિવસ પહેલાં સુરતથી તેમના 40 વર્ષીય પત્ની, 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ત્રણેય સુરત નહીં પહોંચતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી અને બાદમાં ભાવનગરના ભરતનગર પોલીસમાં જાણવા જોગ નોંધાવાઈ હતી.
રવિવારે ભાવનગર શહેરના ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાંથી ત્રણ માનવ મૃતદેહ મળ્યા હતા. રેન્જ ફોરેસ્ટના કમ્પાઉન્ડમાં ખાડામાંથી દાટેલી હાલતમાં 3 લાશ મળી આવી હતી. જેમાં ફોરેસ્ટ વિભાગના એક અધિકારીના પત્ની અને બે બાળક છેલ્લા 10 દિવસથી ગુમ હતા.
થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં મૃતકના પતિ શૈલેષ ખાંભલા પણ શંકાના દાયરામાં છે, તેમને કલીન ચીટ અપાઈ નથી.