આખરે 30 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવી શક્યું હતું. 30 કલાક દરમિયાન સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગ ઓલવાયા બાદ કુલિંગની કામગીરી શરૂ કરાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેમાં શિવશક્તિ માર્કેટની 400થી વધુ કાપડની દુકાનો સળગીને ભસ્મીભૂત થઈ ગઈ છે. વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં બાદ લાગેલી આગ બેકાબૂ બની હતી. ફાયરબ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મેજરકોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી શહેરભરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે આગ લાગ્યાના 30 કલાકથી વધારે સમય વિત્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
આ આગની દુર્ઘટનામાં માર્કેટની 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાંથી 400થી જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બારડોલી, નવસારી, સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
ભયાનક આગને લીધે કાવર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેન્કરો મંગાવાયા હતા. 3500 લીટર અને 10,000 લીટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ છે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે.
