સુરત: (Surat) દર વર્ષે મહાશિવરાત્રિ (Shivratri) પર્વે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કાળમાં દરેક ધાર્મિક તહેવારોની મર્યાદિત સંખ્યામાં જ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આગામી તા.11 મીના રોજ શહેરનાં શિવાલયોમાં (Shivalay) મહાશિવરાત્રિના જાહેર કાર્યક્રમો, પાલખીયાત્રા, જાહેર ભંડારા, મહાઆરતી કે મોટી સંખ્યામાં ધૂન જેવા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. જો કે, ભક્તો શિવાલયોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી દર્શન કરી શકશે.
કોરોનાના સંક્રમણમાં ફરી ઉછાળો આવતાં તંત્ર ચિંતામાં મુકાયું છે. આગામી દિવસોમાં આવનારા ધાર્મિક તહેવારો સાદાઇથી તેમજ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ઉજવણી કરવા તંત્રએ સૂચના પણ આપી છે. ત્યારે ગુરુવારે આવતા મહાશિવરાત્રિએ શહેરના શિવાલયોમાં ભીડ એકત્ર ન થાય એ માટે મંદિરનાં ટ્રસ્ટો દ્વારા કોરોનાની ગાઇડલાઇનને પાલન કરી વ્યવસ્થા કરવામાં આવી છે. પાલના અટલ આશ્રમના બટુકગિરિ મહારાજે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવી ભક્તો દર્શન કરી શકશે.
જાહેર કાર્યક્રમો કોરોનાના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાના કાળમાં રક્તની અછત ન પડે એ માટે ફક્ત રક્તદાન કેમ્પનું જ આયોજન કરવામાં આવ્યું છે. ઉમરા ઇચ્છાનાથ મહાદેવ મંદિરના પૂજારી રામકૃષ્ણ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં દર્શન માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં જાહેર કાર્યક્રમો બંધ રખાયા છે.
બાલપુરના શ્રી કર્દમેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ તેમજ મહાયાગ રદ
તાપી જિલ્લાના બાલપુર ગામના શ્રી કર્દમેશ્વર મહાદેવ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વિશ્વ મહામારી કોરોનાવાયરસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારના નિયમોનું પાલન કરીને શ્રી કર્દમેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ તથા મંડળ દ્વારા આ વર્ષ તા.11મી ને ગુરુવારે મહાશિવરાત્રિ તથા મહાયાગ રદ કરવામાં આવ્યો છે.
કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં પાલખીયાત્રા ફક્ત મંદિરના પટાંગણમાં જ ફરશે, મહાઆરતી બંધ
કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અવિનાશગિરિ મહારાજે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ભક્તો દર્શન કરી શકશે. સવારે મર્યાદિત સંખ્યામાં જ પૂજા-આરતી કરવામાં આવશે. દર વર્ષ મહાશિવરાત્રિના દિવસે કતારગામ વિસ્તારમાં ફરતી પાલખીયાત્રા આ વર્ષ બંધ રાખીને ફક્ત મંદિરના પટાંગણમાં જ ફરશે. તેમજ સાંજની મહાઆરતીનો જાહેર કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.