આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે શિવાલયો જય ભોલે… હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે. શિવાલયોમાં દૂધ, પાણી પંચામૃત, લીલા નાળિયેરનું પાણી, શેરડીનો રસ વગેરેથી અભિષેક કરવામાં આવશે. સાથે સાથે 64 દિવાની મહાઆરતી, લઘુરુદ્ર યજ્ઞ તેમજ અખંડ ધૂનનું વિશેષ આયોજન કરવામાં આવશે. ભગવાન ભોળાનાથને બીલીપત્ર તેમજ અવનવા રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવશે.
ખંભાતના રાલેજ દરિયાકાંઠે આવેલા બાર જ્યોતિર્લિંગ અને ધુશમેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી નિમિતે ભારે ભીડ ઉમટી પડશે. દરિયાકાંઠે સ્થાપિત રચનાકીય રીતે ગોળાકાર શિવમંદિર, શિવાલયના ઉપરની બાજુએ શોભાયમાન વિશાળ શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગ અને ધુશમેશ્વર મહાદેવના મંદિરે રાજ્યભરના પ્રવાસીઓએ દર્શનનો લહાવો લેતા હોય છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના અન્ય શિવમંદિરોમાં આખી રાત્રી દરમિયાન ચાર પ્રહરનું વિધિવાન બ્રાહ્મણો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે. સંધ્યા સમયે શિવભક્તો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. આ દિવસે ઉપવાસ કરનાર ભક્તો ફળ, દૂધ, સાબુદાણા, બટાકા, શિંગોડાના લોટનો શીરો, ખીર, સુરણનું શાક, અને શક્કરિયા વાનગીઓને ખાતા હોય છે.
નડિયાદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરાયું
પરમાત્મા શિવના દિવ્ય સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, નડિયાદ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેનો પ્રારંભ સોમવારના રોજ થયો હતો. આ પ્રસંગે સોમનાથ દર્શન, દ્વાદશ જ્યોર્તિલીંગ, હોલોગ્રાફિક શિવલિંગ, આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શની તથા આત્મિક અનુભૂતિ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 2જી માર્ચ સુધી સવારે 8થી સાંજના 8 દરમિયાન રહેશે.
મહાશિવરાત્રી પર્વે શિવભક્તો માટે અનેરું મહાત્મ્ય ધરાવે છે
ખંભાતના સિદ્ધનાથ મહાદેવ જનક મહારાજએ જણાવ્યું હતું કે, જન્મ ના ગ્રહોના દ્વારિદ્વય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યસમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્વનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મમય ધરાવે છે.દરવર્ષે મહાશિવરાત્રી પર્વના દિવસે લઘુરુદ્વ યજ્ઞ કરવામાં આવે છે.
ખાનપુરના કલેશ્વરીમાં આજે મહાશિવરાત્રીએ મેળો ભરાશે
ખાનપુર તાલુકાની કલેશ્વરી નાળની પવિત્ર ભૂમિ ઉપર પ્રાચીન કાળથી મહાશિવરાત્રી અને જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને લોક હૈયાને હિલોળે ચઢાવે તેવા મેળા ભરાય છે.તે મુજબ ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે કલેશ્વરીમા મેળો ભરાશે. આ ભૂમિ ઉપર છેલ્લા વીસ વર્ષથી દેશભરના લોક કલાકારો, આદિવાસી કલાકારો અને વિચરતી- વિમુક્ત જનજાતિના કલાકારો હજારોની સંખ્યામાં ઊમટી પડે છે. આ મહાશિવરાત્રીના મેળામાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશથી વિચરતી વિમુક્ત જનજાતિના કલાકારો ઉમટી પડશે. આ ઉપરાત રાજસ્થાનથી શહેરીયા જાતી,ચકી અને કાલબેલીયા વિચરતી જન જાતિના કલાકારો આવનાર છે. ઉત્તર ગુજરાતથી મીરાં નાયક જાતિના કલાકારો આવનાર છે. મેળામાં દક્ષિણ ગુજરાત નું સીદ્દી નૃત્ય રજૂ થશે. આ મેળામાં વિશિષ્ટ કવિ સંમેલન અને પુસ્તક લોકાર્પણ ગુજરાતી ભાષામાં સર્જકોના હસ્તે કરવામાં આવશે.