આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં શનિવારે મહાશિવરાત્રીનું પર્વ ધર્મોલ્લાસ સાથે ઊજવાશે. મહાદેવજીના તમામ મંદિરોમાં મહા શિવરાત્રીની પૂજા-અર્ચના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શિવમંદિરો વહેલી સવારથી ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. શિવાલયોમાં ઠેર ઠેર ચાર પ્રહરની પૂજા અર્ચના થશે. સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિકો અભિષેક, પૂજન, શિવમહિમ્ન સ્તોત્રના પાઠ કરીને જીવને શિવમાં પરોવવાનો પુરુષાર્થ કરશે.
વિરપુર તાલુકામાં સુપ્રસિદ્ધ એવા મુકેશ્રમહાદેવ, ધોળેશ્વર મહાદેવ, પ્રેમનાથ મહાદેવ ડેભારી, સહિતના શિવાલયોમાં હર હર મહાદેવનાં નાદ સાથે ગુંજી ઉઠશે. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા પુજા-અર્ચનાં, રૂદ્રાભિષેક, દુગ્ધાભિષેક, દિપમાલ, આરતી, ભજન, સત્સંગ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે શિવરાત્રીના તહેવારની આજે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળશે.