National

મુંબઈની કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકાર્યા બાદ સંજય રાઉતે કહ્યું, ‘હવે હું જેલ જઈશ, પછી જે થયું..’

મુંબઈઃ ઘણીવાર નેતાઓ ભાન ભૂલી જતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગમે તેવી આક્ષેપ બાજી કરતા હોય છે. આવી જ એક ભૂલ મુંબઈના શિવસેનાના નેતા સંજય રાઉતને ભારે પડી છે. આધાર વિનાના આરોપ મુકી ભાજપના પૂર્વ સાંસદના પત્નીને બદનક્ષી કરવાના કેસમાં મુંબઈની કોર્ટે સંજય રાઉતને 15 દિવસના કારાવાસની સજા ફટકારી છે.

મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદને ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે.

રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યો છે. મુંબઈની રુઈયા કોલેજમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રોફેસર મેધાએ રાઉત વિરુદ્ધ કલમ 499 (કોઈપણ પ્રકારના આરોપ લગાવવા અથવા પ્રકાશિત કરવા) અને 500 (બદનક્ષી) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંજય રાઉતે પ્રોફેસર મેધા તથા તેમના એનજીઓ પર 100 કરોડના કથિત શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

સોમૈયા દ્વારા એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 15 એપ્રિલ, 2022 અને ત્યારબાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ દૂષિત અને અયોગ્ય નિવેદનો કર્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ અપમાનજનક નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા.

કોર્ટે સજા સસ્પેન્ડ કરી
કોર્ટે સજા ફટકાર્યા બાદ સંજ્ય રાઉતની અટકાયત કરાઈ હતી. રાઉત કોર્ટની બહાર ચૂપચાપ બેસી ગયા હતા અને કહ્યું હતું કે, હવે હું જેલમાં જઈશ. જોકે તેમના વકીલ અને તેમના ભાઈ સુનિલ રાઉતે તાત્કાલિક જામીન અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ કોર્ટે 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી છે.

Most Popular

To Top