World

શિગેરુ ઇશિબા જાપાનના આગામી વડા પ્રધાન બનશે: પક્ષ પ્રમુખની ચૂંટણી જીતી

જાપાનના રક્ષા મંત્રી રહી ચૂકેલા શિગેરુ ઈશિબા હવે દેશના નવા વડાપ્રધાન બનશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર તેમણે શુક્રવારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની ચૂંટણી જીતી હતી. તેઓ 1 ઓક્ટોબરે સંસદના સત્રની શરૂઆત સાથે કાર્યભાર સંભાળશે.

જાપાનમાં શાસક પક્ષના પ્રમુખને વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. સંસદના બંને ગૃહોમાં એલડીપી પાર્ટીની બહુમતી છે. આવી સ્થિતિમાં પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા ઈશિબા હવે જુલાઈ 2025 સુધી પીએમ પદ પર રહેશે. આ પછી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

67 વર્ષીય ઈશિબાએ તેમના હરીફ સાને ટાકાઈચીને 21 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ઈશિબાને પાર્ટીના સભ્યો તરફથી 215 વોટ મળ્યા હતા. ઈશિબા ચાર વખત પાર્ટી નેતૃત્વ માટે ચૂંટણી લડી ચૂક્યા છે. 2012માં તેઓ શિન્ઝો આબે સામે પણ ઉભા હતા પરંતુ તેમને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણી જીત્યા બાદ ઈશીબાએ કહ્યું કે હવે પાર્ટી નવેસરથી ઊભી થશે અને લોકોનો વિશ્વાસ જીતીશું. હું મારા કાર્યકાળ દરમિયાન દેશની જનતા સાથે સાચું બોલીશ. હું દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. જણાવી દઈએ કે ઇશિબા જાપાનના સંરક્ષણ અને કૃષિ મંત્રી રહી ચૂક્યા છે અને તેમણે જાપાનના પરમાણુ પાવર પ્લાન્ટ બંધ કરવાનું વચન આપ્યુ છે. તેમણે 1986માં 29 વર્ષની ઉંમરે પ્રથમ ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તે જાપાનની સંસદના સૌથી યુવા સભ્ય બન્યા. આ વખતે તેમના અભિયાનમાં ઈશિબાએ દેશના પરમાણુ પાવર પ્લાન્ટને ધીમે ધીમે બંધ કરવાનું વચન આપ્યું છે.

આ સિવાય તેમણે ચીન અને ઉત્તર કોરિયા જેવા ખતરાનો સામનો કરવા માટે એશિયામાં નાટો બનાવવાની વાત પણ કરી છે. ઈશિબા પીએમ કિશિદાની ટીકા કરે છે. એલડીપીની નીતિઓથી વિપરીત તે જાપાનમાં મહિલા સમ્રાટ બનાવવાની હિમાયત કરે છે. જેના કારણે પાર્ટીના ઘણા નેતાઓ તેમની વિરુદ્ધ છે. હકીકતમાં એલડીપીના મોટાભાગના સભ્યો માને છે કે મહિલાઓએ માતા અને પત્નીની પરંપરાગત ફરજો નિભાવવી જોઈએ.

Most Popular

To Top