રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય કે બહેન હોય આ પર્વમાં ભાઈ બહેન એકબીજા માટે વસ્તુઓની ખરીદી કરે, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે. દરેક રક્ષાબંધન સાથે બહેનની રક્ષા માટે ભાઈની વચનબદ્ધતા પણ વધારે મજબૂત થાય છે. રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પ્રેમથી બહેનને ગિફ્ટ આપે છે. જો કે યુવાઓ દરેક પર્વને સ્પેશ્યલ બનાવવાનો કોઈ જ મોકો બાકી રાખતા નથી. ત્યારે બહેન ભાઈને ખુશ કરવા અવનવી રાખડી અને ભાઈ બહેન માટે સરપ્રાઈઝ ગિફટનું પ્લાનિંગ તો કરતાં જ હોય છે… જો કે છેલ્લાં 2 વર્ષમાં કોરોના મહામારીના લીધે જ્યારે દરેક ફેસ્ટિવલની મજા ફિક્કી હતી ત્યારે આ વખતે રક્ષાબંધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવનવી ગિફ્ટ અને અવનવી રાખડી બજારમાં વેચાઈ રહી છે ત્યારે ચાલો જોઈએ આ વખતની રક્ષાબંધનમાં ભાઈઓ બહેનને શું અનોખી ગિફટ આપવાના છે !!
- મારી બહેનને કોઈ સારા ક્લબની મેમ્બરશીપ ગિફટ કરીશ
અનિલ જણાવે છે કે, ‘’સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેનને શું ગિફટ આપવી એવી મુંઝવણ તો દરેક ભાઈઓને સતાવતી હોય જ છે અને આમ પણ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીમાં કોઈ તહેવાર ઉજવી શકાયો નથી. મારી બહેન અને તેનું ફેમિલી સુરતમાં જ રહે છે પણ મારા બિઝનેસના લીધે મારે વધારે રાજકોટ રહેવાનું થાય. જો કે છેલ્લાં 2 વર્ષથી તો રક્ષાબંધનમાં અમે મળી નથી શક્યા. આ વર્ષે કોરોનાનો માહોલ જરાં હળવો છે તો વિચારું છું કે તેને હું સુરતમાં કોઈ સારા ક્લબની એક વર્ષ માટેની મેમ્બરશીપ ગિફટ કરું. આજકાલ એમાંય યુવાનો ક્લબ કલ્ચર તરફ વધારે આકર્ષાય છે તો મને લાગે છે કે તેને મારી આ ગિફટ જિંદગીભર યાદ રહેશે અને તે ખુશખુશાલ થઈ જશે.’’
- બહેનને ઘોડેસવારીનો શોખ હોવાથી ઘોડો ગિફટ કરીશ!!!!
હિતેશભાઈ જણાવે છે કે, ‘’આમ તો દર રક્ષાબંધનમાં હું મારી બહેન માટે અલગ અલગ ગિફટ આપું છુ, જેનું પ્લાનિંગ હું મહિનાઓ અગાઉ જ કરતો હોવ છું, કોઈકવાર અમે સાથે શોપિંગમાં જઈએ ત્યારે તેને કોઈ વસ્તુ ગમી જાય પણ પછી ભાવ જોઈ તે ખરીદતી નથી. એ સમયે હું બહેનને પસંદ આવેલી વસ્તુ યાદ રાખું અને પછી તેને ગમતી વસ્તુની જ સરપ્રાઈઝ આપું. મારી બહેનને ઘોડેસવારીનો ખૂબ જ શોખ છે, અમે ક્યાંય પણ જઈએ અને ત્યાં ઘોડો દેખાય એટલે તે સવારી કરે જ કરે !! આથી મેં આ વર્ષે વિચાર્યું છે કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી તો એને કોઈ સારી ગિફટ અપાઈ નથી, તો આ વર્ષે રક્ષાબંધનની ગિફટમાં હું તેને ઘોડો ગિફટ કરીશ!!!’’
- મારી બેન ફોટોગ્રાફીનો શોખ છે આથી આ વર્ષે પોકેટમની ભેગી કરી કેમેરો ગિફટ કરીશ: મિત પટેલ
મિત પટેલ જણાવે છે કે, ‘’ ઘણાંય વખતથી મને મારી બહેનને મોંઘી ગિફટ આપવાનું ઇચ્છા હતી, પણ હું લઇ શકતો ના હતો. મારી બહેનને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે, અમે કશે પણ ફરવા જઇએ તે ફોટોગ્રાફીમાં જ વ્યસ્ત રહે, અને ખરેખર સારા ફોટો પાડે પણ છે. આથી આ વર્ષે હું તેને કેમેરો ગિફટ કરવાનો છું, જેના માટે હું છેલ્લાં ૨ વર્ષેથી પોકેટમની ભેગી કરતો હતો. થોડાં પૈસા ભેગા થતાં આ રક્ષાબંધનમાં તેની મનગમતી ગિફટ આપીશ. જેથી તેનો ફોટોગ્રાફીનો શોખ પણ પૂરો થઇ શકે, અને તેને જો તેની ઇચ્છા હોય તો આ ક્ષેત્રમાં પોતાની કારર્કિર્દી પણ બનાવી શકે.’’
- મારી ભાણેજના ભણતરનો ખર્ચો ઉઠાવીશ!!!
નિલેશભાઈ પટેલ જણાવે છે કે, ‘’એ વાત સાચી કે ગિફટની કિંમત મહત્ત્વની નથી પણ ભેટ પાછળનો ભાવ મહત્ત્વનો છે, પણ મારે મતે તો બહેનને રક્ષાબંધનની ગિફટ એવી આપવી જોઈએ જે તેને કામ આવે, કોઈ વસ્તુ કરતાં પણ બહેનની જરૂરિયાત અને તેને કામ આવે એવી ગિફટ આપવી જોઈએ, આથી મેં વિચાર્યું છે કે આ વર્ષે હું મારી બહેનના દીકરાના એજ્યુકેશન પાછળનો ખર્ચ ઉઠાવીશ, જેથી તેને એટલું બર્ડન ઓછું રહે. જ્યાં સુધી તેનો દીકરો ભણે ત્યાં સુધી તેનો બધો ખર્ચ હું ઉઠાવીશ આવી તેને રક્ષાબંધનમાં ગિફટ કરીશ.’’