સુરત શહેરમાં એક વર્ષથી પોલીસને ચકમો આપતો રીઢો ગુનેગાર આખરે કાયદાના સળિયા પાછળ પહોંચી ગયો છે. શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના બે ગંભીર ગુનામાં વોન્ટેડ શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડ્યો છે. દેહવ્યાપારના કેસ સિવાય પણ તે છેલ્લા 11 વર્ષથી ચોરી, સ્નેચિંગ, ઘરફોડ, વાહનચોરી, પોલીસ પર હુમલા અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, શેખર સાળુંકે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને પાલનપુર પાટીયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. પરંતુ આ વ્યવસાય માત્ર દેખાવ માટે હતો. ભંગારના વેપારની આડમાં તે શહેરમાં ગુનાખોરીનું જાળું ચલાવતો હતો. ભંગાર લેવા-વેચવાના બહાને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. શેખરે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટે સ્કેનર મેળવવા ‘સ્પા’નો ધંધો કરતો હોવાનો ભાસ ઉભો કર્યો હતો. મહિધરપુરા વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર મારફતે પેમેન્ટ સ્વીકારતો હતો અને ગેરકાયદેસર આવકને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરતો હતો.
26 માર્ચ 2025 અને 31 ઓગસ્ટ 2025ના રોજ મહિધરપુરા પોલીસ અને AHTU સેલે બુરહાનીપુરા વિસ્તારમાં સંયુક્ત રેડ કરી હતી, જેમાં કુલ 6 મહિલાઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. આ બંને કેસમાં શેખર મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો.શેખરનો ગુનાહિત ઇતિહાસ 2014થી શરૂ થાય છે. વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના કેસથી શરૂઆત કરીને તેણે સ્નેચિંગ, રાયોટિંગ અને પોલીસ પર હુમલા સુધીના ગુનાઓને અંજામ આપ્યા હતા.
બાતમી ના આધારે ક્રાઈમ બ્રાંચે પાલનપુર પાટીયા ત્રણ રસ્તા પાસે ઘેરાબંધી કરીને તેને ઝડપી લીધો. હવે પોલીસ તેની ગેંગ અને નેટવર્કમાં સામેલ અન્ય લોકોની તપાસમાં લાગી છે.