બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન 76 વર્ષીય શેખ હસીનાએ કેટલીક ખાસ વાતો ભારતમાં પોતાના નજીકના સહયોગીઓ સાથે શેર કરી છે. શેખ હસીનાએ પોતાના પત્રમાં અમેરિકા પર બાંગ્લાદેશમાં શાસન પરિવર્તનની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે જો તેમને તક મળશે તો તે આ વાતો તેના સંબોધનમાં કહેશે. શેખ હસીનાએ કહ્યું, ‘મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું કારણ કે હું વધુ લોકોને મરતા જોવા માંગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર ચઢીને સત્તા મેળવવા માંગતા હતા પરંતુ મેં તેને મંજૂરી ન આપી. જેના કારણે મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શેખ હસીનાએ અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યું કે જો સેન્ટ માર્ટીન ટાપુ અમેરિકાને આપીને બંગાળની ખાડી પર શાસન કરવાની મંજૂરી આપવામાં આવી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે આવા ઉગ્રવાદીઓની જાળમાં ન ફસાય. તમને જણાવી દઈએ કે સેન્ટ માર્ટિન આઈલેન્ડ બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વમાં છે. તે બાંગ્લાદેશના દૂર દક્ષિણમાં સ્થિત છે.
શેખ હસીનાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ હતો. અમેરિકાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણી નિષ્પક્ષ ન હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં થયેલી ચૂંટણીમાં અવામી લીગ ફરી સત્તામાં આવી હતી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવાના થોડા મહિના પહેલા જ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની સરકારને તોડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે અમેરિકા પર બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી એક નવો ખ્રિસ્તી દેશ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષના મે મહિનામાં શેખ હસીનાએ કહ્યું હતું કે જો મેં કોઈ ચોક્કસ દેશને બાંગ્લાદેશમાં એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી હોત તો આવા ષડયંત્રો રચાયા ન હોત.
બીજી તરફ શેખ હસીનાના દેશ છોડ્યા બાદ અમેરિકાએ બાંગ્લાદેશમાં લોકતાંત્રિક અધિકારોનું સન્માન કરવા પર ભાર મૂકવાની હાકલ કરી હતી. અમેરિકાએ કહ્યું, ‘અમે વિનંતી કરીએ છીએ કે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક રીતે સમાવિષ્ટ વચગાળાની સરકારની રચના કરવામાં આવે. બાંગ્લાદેશ અને અમેરિકાના લોકો વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો છે.
જણાવી દઈએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડતા પહેલા જનતાને સંબોધવા માંગતા હતા. ખાસ કરીને તે દેખાવકારોને એક સંદેશ આપવા માંગતા હતા જેના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું. જોકે પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના આવાસમાં તોડફોડ કરી હતી અને તેના કારણે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ પૂર્વ પીએમને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી હતી. જેથી તેઓ દેશને સંબોધન કરી શક્યા ન હતા.