Columns

શશી થરૂર ભલે નિર્દોષ છૂટી ગયા; સુનંદા પુષ્કરનું મોત કોયડો જ રહેશે

ભારતની ન્યાયવ્યવસ્થા એવી છે કે કોઈ આરોપી અપરાધી પુરવાર થાય તે પહેલાં તેણે સજા ભોગવવી પડે છે. કોઈ પણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ રજિસ્ટર કરવામાં આવે ત્યારથી તેની સજાનો પ્રારંભ થાય છે. જો ફરિયાદ ગંભીર પ્રકારની હોય તો આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં તો તેની સાથે રીઢા ગુનેગાર જેવો વર્તાવ થાય છે, પણ સમાજ પણ તેને ગુનેગાર માનવા લાગે છે. મીડિયામાં તો ઘટના બની તે દિવસથી જાણે તે ગુનેગાર હોય તેવા હેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે. જો આરોપી વગદાર અને પૈસાપાત્ર હોય તો વકીલો રાખીને જામીન પર છૂટી જાય છે, પણ તેથી તેની પીડાનો અંત આવતો નથી. જ્યારે પણ કોર્ટની તારીખ હોય ત્યારે તેણે હાજર થવું પડે છે અને આરોપીના પિંજરામાં ઊભા રહીને પોતાનો બચાવ કરવો પડે છે. સરકારી વકીલના તોફાની સવાલોના તેણે જવાબો આપવા પડે છે.

આ રીતે ખટલો વર્ષોનાં વર્ષો ચાલ્યા કરે ત્યાં સુધી તેના માથે સજાની લટકતી તલવાર હોય છે. વર્ષો સુધી ખટલો ચાલે અને કોઈ આરોપી નિર્દોષ છૂટી જાય તો તેણે નાહકના જેલમાં જે વર્ષો ગુજાર્યાં, મુસીબતો સહન કરી, બદનામી વહોરી લીધી, તેની સામે સરકાર તેને કોઈ વળતર આપતી નથી અને કોર્ટ કોઈ વળતર અપાવતી નથી. આરોપી ટ્રાયલ કોર્ટમાં નિર્દોષ છૂટે તે પછી પણ સરકાર હાઈ કોર્ટમાં જઈ શકે છે અને કેસને ફરીથી ખોલાવી શકે છે તેનો પણ સામનો કરવો પડે છે. કોંગ્રેસના નેતા શશી થરૂર તેમની પત્ની સુનંદા પુષ્કરની હત્યાના આરોપમાંથી સાડા સાત વર્ષે મુક્ત થયા છે. દિલ્હીની ટ્રાયલ કોર્ટે તેમની સામેના આરોપોના કોઈ પુરાવા ન હોવાથી તેમની સામે આરોપો ઘડવાનો ઇનકાર કરી દીધો છે. આ ચુકાદા સામે શશી થરૂરના સાડા સાત વર્ષના દુ:સ્વપ્નનો અંત આવ્યો છે; પણ સુનંદા પુષ્કરના કેસમાં ઘણા સવાલો ઉત્તર મેળવ્યા વિનાના રહી ગયા છે. સુનંદા પુષ્કરનું મોત આકસ્મિક નહોતું, પણ તેમાં કોઈ મેલી રમત રમાઈ ગઈ હતી તેમ નક્કી લાગતું હતું. સુનંદા પુષ્કરની હત્યા થઈ તે પહેલાં અને પછી એવી કેટલીક ઘટનાઓ બની હતી, જેના પરથી ખ્યાલ આવતો હતો કે હત્યાનાં કાવતરાં પર ઢાંકપિછેડો કરવામાં આવી રહ્યો હતો.

૧. સુનંદાની હત્યા ઇ.સ. ૨૦૧૪ ની તા. ૧૭ મી જાન્યુઆરીએ બપોરે થઇ હતી. તેની જાણ શશી થરૂરને સાંજે ૪.૩૦ કલાકે ફોનથી કરી દેવામાં આવી હતી. તેમ છતાં તેઓ હોટેલમાં સાંજે ૬.૩૦ કલાકે પાછા ફર્યા હતા. તેમણે પોલીસને કહ્યું હતું કે તેમને મરણની જાણ સાંજે ૬.૩૦ કલાકે જ થઇ હતી. શશી થરૂર જૂઠું કેમ બોલ્યા? શું તેમને સુનંદાના મોતની જાણ મોડી થઇ હતી? ૨. સુનંદા પુષ્કર અને તેના પતિ શશી થરૂરના ઘરમાં પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવ્યું હોવાથી તેઓ ત્રણ દિવસ માટે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલ લીલામાં રહેવા ગયા હતા. ઇ.સ.૨૦૧૪ ની ૧૬ મી જાન્યુઆરીની રાતે પતિપત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, જે સવારે ૬.૩૦ કલાક સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ સુનંદા નિદ્રાધીન થઇ હતી અને શશી થરૂર તાલકટોરા સ્ટેડિયમમાં ચાલતા કોંગ્રેસના સંમેલનમાં ભાગ લેવા ચાલ્યા ગયા હતા. સવારે ચાર કલાકે સુનંદાએ પ્રેમા નામની પત્રકારને મેસેજ કરીને મળવા બોલાવી હતી. પ્રેમા જ્યારે સુનંદાને મળવા માટે સવારે ૧૦.૩૦ કલાકે હોટેલ લીલામાં ગઇ ત્યારે સુનંદાના સેક્રેટરી નારાયણે તેને ફોન પર કહ્યું કે હમણાં શશી થરૂર આવ્યા છે, માટે સુનંદા મળી શકશે નહીં. શશી થરૂરે આ વાત પોલીસને જણાવી નહોતી. ૩. સુનંદાની હત્યા પછી હોટેલના બે કર્મચારીઓ તેના રૂમમાં પ્રવેશ્યા હતા. તેમણે કમરાને ગોઠવવાનું કામ કર્યું હતું. આ કર્મચારીઓને હોટેલમાંથી ગુમ કરી દેવામાં આવ્યા છે. આ બાતમી પરથી ખ્યાલ આવે છે કે હત્યાની ઘટના પર ઢાંકપિછોડો કરવામાં હોટેલનું મેનેજમેન્ટ સામેલ હતું.

૪. સુનંદાએ તેની હત્યાની આગલી રાતે પત્રકાર નલિની સિંઘ સાથે ફોન પર ૧૬-૧૭ મિનિટ વાતચીત કરી હતી. તેણે પત્રકાર પરિષદ બોલાવીને શશી થરૂરને ખુલ્લા પાડવાની ઇચ્છા પણ પ્રદર્શિત કરી હતી. સુનંદા પાસે કોઇ વિસ્ફોટક માહિતી હતી, જેને કારણે શશી થરૂર મુશ્કેલીમાં મૂકાઇ જાય તેમ હતા. આ માહિતીનો ચોક્કસ સંબંધ તેની હત્યા સાથે હોવો જોઇએ. ૫. સુનંદાની હત્યા થઇ તે દિવસે સવારે બોગસ પાસપોર્ટ ધરાવતા પાકિસ્તાનના બે નાગરિકો દુબઇથી આવ્યા હતા અને સુનંદા જે હોટેલમાં ઊતરી હતી તેમાં જ ઊતર્યા હતા. આ બે પાકિસ્તાનીઓ કોણ હતા? તેઓ શા માટે હોટેલમાં ઊતર્યા હતા? તેઓ ક્યાં ગયા? હોટેલના મેનેજમન્ટે તેમની માહિતી શા માટે દિલ્હીની પોલીસને ન આપી? એ બાબતમાં પોલીસ હજી અંધારામાં છે.

૬. દિલ્હી પોલીસ દ્વારા મીડિયામાં લિક કરવામાં આવેલી પાંચ તસવીરો જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સુનંદાની હત્યા થઇ તે પછી તેની લાશને પલંગ પર ગોઠવીને સુવડાવી દેવામાં આવી હતી અને હોટેલનો કમરો બરાબર ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી હત્યાની કડીઓ હાથમાં ન આવે. સુનંદાના શરીર પર ઇજાની ૧૫ નિશાનીઓ હતી. તે પૈકી ઇજા નંબર ૧૦ ઇન્જેક્શનની સોઇની નિશાની હતી. તેનાથી સ્પષ્ટ થતું હતું કે સુનંદાને ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. આટલી ગંભીર બાબત દિલ્હી પોલીસના ધ્યાન બહાર જાય તે સંભવિત નથી. ૭. સુનંદાની હત્યા પોલોનિયમ નામના કિરણોત્સર્ગી પદાર્થના ઇન્જેક્શન દ્વારા કરવામાં આવી હતી. પોલોનિયમ બજારમાં ક્યાંય મળતું નથી. તે અણુ રિએક્ટરમાં જ વપરાય છે. આ પદાર્થ ભારત અથવા પાકિસ્તાનની સરકારમાં પહોંચ ધરાવતી કોઇ વ્યક્તિ જ મેળવીને હત્યારાને આપી શકે. આ હત્યામાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો હાથ હોવાની પણ સંભાવના છે.

૮. શશી થરૂરના મેહર તરાર નામની પાકિસ્તાની મહિલા પત્રકાર સાથેના સંબંધોને કારણે તેમનો પત્ની સુનંદા સાથે ઝઘડો ચાલતો હતો. મેહર તરાર પાકિસ્તાની જાસૂસ હોઇ શકે છે. તેણે શશી થરૂરને ફસાવીને તેની પાસેથી ભારતના સંરક્ષણને લગતી કોઇ મહત્ત્વની બાતમી કઢાવી હોય તેવું બની શકે છે. આ વાતની જાણ સુનંદાને થતાં તે શશી-મેહરનો ભાંડો ફોડવા ઉત્સુક હતી. આ માટે તે પત્રકાર પરિષદ બોલાવવા માગતી હતી. તે પહેલાં જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

૯. સુનંદા જે હોટેલમાં ઊતરી હતી તેમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. તેની રૂમમાં કોણ આવ્યું અને કોણ ગયું, તેની વિગતો સીસીટીવીમાં રેકોર્ડ થઇ હોવી જોઇએ. હોટેલનું મેનેજમેન્ટ એમ કહે છે કે તેમની પાસે કોઇ સીસીટીવી ફૂટેજ નથી. આ પુરાવાનો નાશ કરવાની તરકીબ છે. ૧૦. સુનંદાના મરણ પછી દિલ્હીની ફાઇવ સ્ટાર હોટેલનો સ્યુટ નંબર ૩૪૫ ઇ.સ.૨૦૧૪ ની ૧૭ જાન્યુઆરીએ સિલ કરી દેવાયો હતો,જે હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. દિલ્હી પોલીસ કહે છે કે આ કમરામાં સુનંદાના મોત બાબતમાં મહત્ત્વના પુરાવાઓ હોવાથી તેને ખોલવામાં આવ્યો નથી.

હકીકતમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે સુનંદાનું ખૂન બીજા કોઇ કમરામાં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના મૃતદેહની સફાઇ કરીને તેને રૂમ નંબર ૩૪૫ માં મૂકવામાં આવ્યો હતો. જો રૂમનાં સિલ ખોલવામાં આવે તો જ આ બાબત પર ખુલાસો થઇ શકે છે. ભારતની બીજી મર્ડર મિસ્ટરીઓની જેમ આ હત્યા પણ કાયમ રહસ્યના આવરણમાં વિંટળાયેલી જ રહેશે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top