National

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો પર શશિ થરૂરનો ટેકો, ચૂંટણી પંચને તાત્કાલિક પગલાં લેવાની અપીલ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના એક વિધાનસભા મત વિસ્તારમાં નકલી મતદાન અને મતદાર યાદીમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે કેટલીક મતદાર યાદીઓમાં ઘર નંબર “0” દર્શાવવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ પિતાનું નામ નકલી છે. આ દાવા સાથે તેમણે કેટલાક કથિત પુરાવા પણ રજૂ કર્યા.

આ આરોપો પર પ્રતિક્રિયા આપતા ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને સોગંદનામા સાથે તમામ પુરાવા સબમિટ કરવાની માગ કરી છે.

શશિ થરૂરનો સમર્થન:
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાહુલ ગાંધીને ખુલ્લો ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે આ ગંભીર પ્રશ્નો છે, જેનો ઉકેલ તમામ રાજકીય પક્ષો અને મતદારોના હિતમાં તાત્કાલિક લાવવામાં આવવો જોઈએ. “આપણી લોકશાહી અત્યંત મૂલ્યવાન છે અને તેની વિશ્વસનીયતાને બેદરકારી, અસમર્થતા અથવા ઇરાદાપૂર્વકની છેડછાડથી નુકસાન થવા દેવામાં ન આવે,” એમ થરૂરે જણાવ્યું.

તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી કે તે આ મામલે ઝડપથી તપાસ શરૂ કરે અને દેશને દરેક પગલાની જાણકારી આપે.

મલ્લિકાર્જુન ખડગેનો પણ આક્ષેપ:
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીના આક્ષેપોને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે લોકશાહી અને બંધારણને બચાવવાનો સમય આવી ગયો છે. ખડગેએ દાવો કર્યો કે એક સમય હતો જ્યારે ભારતનો ચૂંટણી પંચ વિશ્વભરમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે પ્રશંસા પામતો હતો અને વિદેશી પ્રતિનિધિઓ અહીંથી તાલીમ લેતા હતા. પરંતુ હવે ચૂંટણી પંચ શાસક પક્ષના પ્રતિનિધિ જેવું વર્તન કરી રહ્યો છે.

ચૂંટણી પંચ પર દબાણ
રાહુલ ગાંધીના આક્ષેપો, શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગેના સમર્થન સાથે, ચૂંટણી પંચ પર દબાણ વધારતા દેખાઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે અને રાહુલ ગાંધી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી બાદ શું પગલાં લેવાય છે.

Most Popular

To Top