ઇબ્રાહિમ અલી ખાન માટે ‘નાદાનિયા’ શબ્દ ખુબ યાદગાર બની જવાનો છે, એક તો તેની પહેલી ફિલ્મ હતી જે હવે તેના કરિયર માટે પણ નાદાનિયાં જ સાબિત થઈ રહી છે. આ વાત તો જ્યારે માર્ચ મહિનામાં તેની આ ફિલ્મ ખુશી કપૂર સાથે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ત્યારથી જ લોકો કહી રહ્યા છે, અને હવે તો આ વાત ઘર સુધી પહોંચી ગઈ છે. હાલ ઇન્ડસ્ટ્રીના ‘દિગ્ગજ’ એક્ટ્રેસ અને ઇબ્રાહિમના દાદી શર્મિલા ટાગોરને આ સવાલ પૂછવામાં આવ્યો કે ઈબ્રાહીમની પહેલી ફિલ્મ જોઈ? તેના વિશે શું કહેશો? ત્યારે ખોંખારો ખાતાં શર્મિલાજી એ કહ્યું કે ‘‘આ.. તેની પહેલી ફિલ્મ ભલે હતી પણ તે ‘અપ ટૂ ધી માર્ક નહિ હતી’ એમ તો આ વાત પબ્લીકલી નહી જ કરવાની હોય પણ ઇબ્રાહિમ ભલે સારો દેખાતો હતો ફિલ્મ તો સારી નહિ હતી.’’ પહેલા સૈફ પછી કોઈક વાર સોહા અને હવે ઇબ્રાહિમ માટે પણ એવું જ કહેવાનું રહ્યું.. એ જોતા પાપરાઝીઓના માનીતા નવાબ તૈમુર અને જેહ માટે અત્યારથી મહેનત શરૂ કરાવી પડશે એવું લાગી રહ્યું છે. ખેર હોરર ફિલ્મ માટે જાણીતા વિક્રમ ભટ્ટે પણ ‘નાદાની’ કરતા ઈબ્રાહીમ માટે એવું કહ્યું કે ‘‘સૈફ અલીના ડેબ્યુ કરતા ઇબ્રાહિમ તો ઘણો સારો એક્ટર છે!’’ તો આને કહીશુ ‘મોરના ઈંડા ચીતરવા ના પડે!’ બાકી આ અઠવાડિયે પલક તિવારીની પણ ફિલ્મ આવી રહી છે. (આને ઇબ્રાહિમ સાથે શું લેવાદેવા?) •
