Business

સમાધાન કરવામાં શર‘મન’ માનતું નથી

શરમન જોશીની એવી ફિલીંગ્સ હશે કે નહીં તે ખબર નથી પણ અત્યારે તેની સ્પર્ધામાં કોઇ ગુજરાતી અભિનેતા હોય તો તે પ્રતિક ગાંધી છે. જો કે હિન્દી ફિલ્મોદ્યોગમાં આવી રીતે વિચારાતું નથી પણ ગુજરાતીમાં ચર્ચા કરવી હોય તો આ એક મુદ્દો બની શકે. શરમન ‘ગોડમધર’ ફિલ્મથી એટલે કે 1999થી ફિલ્મોમાં છે એટલે કે બાવીસે જ વર્ષથી ફિલ્મમાં અને હવે કયારેક વેબ સિરીઝમાં પણ દેખાય છે. તેના નામે ‘સ્ટાઇલ’, ‘એકસકયુઝ મી’, ‘રંગ દે બસંતી’, ‘ગોલમાલ ફન અનલિમીટેડ’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ‘3 ઇડિયટ્‌સ’ જેવી ફિલ્મોની સફળતા છે. આમ છતાં તેને ઘણો અસંતોષ છે. તે જે પ્રકારની લોકપ્રિયતા ઇચ્છે છે તે સહઅભિનેતા તરીકેની જ નથી. હીરો તરીકેની છે. તેને હીરો તરીકે ફિલ્મો મળે ય છે પણ તે મોટા બેનરની નથી હોતી, તેની હીરોઇનો પણ દિપીકા પાદુકોણ યા તાપસી પન્નુ નથી હોતી એટલે સારી પ્રતિભા છતાં માર પડે છે. છતાં કહી શકાય કે તેને સતત ફિલ્મો મળે છે. ‘વોર છોડ ના યાર’, ‘હેટ સ્ટોરી 3’ ‘1920 લંડન’, ‘કાશી ઇન સચર ઓફ ગંગા’ ને ‘મિશન મંગલ’ના નામો તરત લઇ શકો.

પણ શરમન હવે ફિલ્મો પૂરતો જ પોતાને મર્યાદિત રાખતો નથી. ગયા વર્ષે ‘પવન અને પૂજા’માં તે પવન મહેરા તરીકે આવ્યો હતો. એ એક 10 એપીસોડની જૂદા પ્રકારની લવસ્ટોરી હતી અને તેમાં દિપ્તી નવલ, મહેશ માંજરેકર, ગુલ પનાગ પણ હતા. તેની સાથે જ ‘બારીશ’ સીઝન-2માં પણ તે આશા નેગી સાથે આવ્યો હતો. અનુજ અને ગૌરવી એકબીજાથી સાવ અજાણ્યા છે. બંનેના બેકગ્રાઉન્ડ જૂદા છે. આર્થિક સ્થિતિને સંસ્કાર પણ જૂદા છે અને જો પ્રેમ થઇ જાય તો? એ સિરીઝમાં તે અનુજ હતો.

2021ના વર્ષને કોઇ સારુ ન ગણે પણ ‘ફૌજી કોલીંગ’ ફિલ્મ આવી જેમાં તે એટેક દરમ્યાન એક સિપાહી તરીકે બલિદાન આપે છે અને તેનું કુટુંબ સંકટમાં ફસાઇ જાય છે. તેની ઉમેશ શુકલ દિગ્દર્શીત ‘આંખ મિચૌલી’ રજૂઆત માટે તૈયાર છે. પરેશ રાવલ, શરમન જોષી, અભિમન્યુ દાસાણી, દર્શન જરીવાલા વગેરે અભિનીત આ ફિલ્મ મસ્ત મનોરંજન પૂરું પાડશે. શરમન પાસે ‘ઇશ્ક અનસેન્સર્ડ’ પણ છે જેમાં તે પત્રલેખા સાથે છે. અબ્બાસ-મુસ્તનની ‘પેન્ટ હાઉસ’માં તે ટિસ્કા ચોપરા, બોબી દેઓલ વગેરે સાથે દેખાશે. ગુજરાતી દિગ્દર્શકો તેની પાસે આવે છે- ઉમેશ શુકલ, અબ્બાસ મુસ્તાન પછી દિપક તિજોરીની ‘ટોમ, ડીક એન્ડ હેરી 2’માં તે સના ખાન અને જિમી શેરગીલ સાથે દેખાશે. આ ફિલ્મો રેડી ટુ રિલીઝ છે પણ આ મહિનામાં તો તેની એક જ ફિલ્મ આવશે.

ઉત્તર પ્રદેશમાં પાર્શ્ચભૂમાં બનેલી આ ફિલ્મમાં તે બબલુ છે અને પૂજા ચોપરાને મળે છે જે બીજા સાથે પ્રેમમાં છે અને વર્જિન પણ નથી અને પછી તે તેજસી પ્રધાનને મળે છે ને પ્રેમમાં પડે છે પણ લગ્નના દિવસે તેજશ્રી એક પત્ર મુકીને ભાગી જાય છે, તો હવે શું થશે? શરમન તેની પાસેની આ ફિલ્મોથી ખુબ ખુશ છે. વિષય સારા છે ને તેને જ તે આધાર માને છે. છ-સાત ફિલ્મો છે એટલે 2022માં તે પર્ફોમન્સ દેખાડી દેશે. શરમનની એક વાતને દાદ દેવી પડે કે તે પોતાના લક્ષયમાં સમાધાન નથી કરતો અને તેનું આ વલણ જ તેને જીતાડે છે.

Most Popular

To Top