Charchapatra

શાર્ક ટેન્ક ઈન્ડિયા

 ‘‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’’ નામનો ટીવી શો હાલમાં ‘‘સોની’’ ટીવી ચેનલ દ્વારા પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે. જેમાં ધંધાર્થી વ્યકિત કે વ્યકિતઓ પોતાના હુન્નર કે ધંધાની સમજ આપી શોમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ (શાર્ક)ને પોતાના ધંધામાં રોકાણ કરવાનું જણાવે છે. ધંધાર્થી ‘‘શાર્ક’’ દ્વારા કેટલા રૂપિયાનું રોકાણ કરાવવા ઈચ્છે છે અને શાર્ક (ઉદ્યોગપતિઓ) ને કેટલી ઈક્વીટી (શેર) આપવા ઈચ્છે છે તે પણ જણાવે છે. શાર્ક (ઉદ્યોગપતિઓ) ધંધા મુજબ યોગ્ય જણાય તે પ્રમાણે રોકાણની રકમ અને ઈક્વીટીની ટકાવારી જણાવે છે. ધંધાર્થીને તે યોગ્ય જણાય તો તે માન્ય રાખે છે, અથવા તો પરસ્પરની ચર્ચા પછી તે બંને સહમતી થી નક્કી કરાય છે. અને અંતે ડીલ ફાયનલ (નક્કી) કરાય છે. જો ડીલ ફાયનલ (નક્કી) ન થાય તો શાર્ક (ઉદ્યોગપતિ) ધંધાના ફેલાવા માટે અને વધુ નફો મેળવવા માટે શું કરવું જોઈએ તેની ઉપયોગી સલાહ ધંધાર્થીને આપે છે. વર્તમાન સમયમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બનતી જાય છે ત્યારે યુવાનો જાતે જ રોજગારી મેળવવા પોતાનો ધંધો શરૂ કરે અને તેમાં રોકાણ મેળવી શકે તે માટે આ ટીવી શો ઘણો ઉપયોગી નિવડે તેવો છે. નવા નવાહુનર કે ધંધાઓ કેવા શરૂ કરવા જેવા છે, તેની પણ સારી જાણકારી યુવાનો ને મળે છે. ત્યારે યુવાનોને પ્રોત્સાહિત કરતા આવા ટીવી શો અન્ય ટીવી ચેનલે પણ ચાલુ કરવા જોઈએ. સોની ટીવી ચેનલે ‘‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’’ ટીવી શો ચાલુ રાખવો જોઈએ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top