Comments

શરીરમાં લખલખું પસાર થઈ જાય તેવી સ્થિતિ

આ વસ્તી મહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતીનું અર્થતંત્ર. એના દ્વારા ચીજવસ્તુ તો ઠીક, હાસ્યથી લઈને હિંસા (જી હાં, હિંસા) સુધી કાંઈ પણ વેચી શકાય છે. મનોભાવ પણ વ્યાપાર માટેની જણસ છે. વપરાશકારને તેની જરૂર ન હોય તો પણ તેને જરૂરતનો અહેસાસ કરાવી શકાય છે અને વાપરતો કરી શકાય છે. બીજી ચીજ છે સેવાઓનું વ્યવસાયીકરણ અર્થાત્ ખાનગીકરણ. જગત આખામાં કલ્યાણરાજ્યનો અંત આવી રહ્યો છે.

સરકારોએ લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી છોડી દીધી છે અને તેને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે. કેળવણી, આરોગ્ય, તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, સસ્તા અનાજનો પુરવઠો એમ દરેક સેવા હવે સેવા નથી રહી; ખાનગી હાથોમાં સોંપવામાં આવેલો ધંધો છે. આ જ્યાં સુધી સેવા હતી અને શાસકો સેવા કરવાનો ધર્મ સમજતા હતા ત્યાં સુધી એ જવાબદારી હતી. એ જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં સુધી શાસકો તેને એક પ્રકારનો બોજો સમજતા હતા, અને માટે વસ્તી ઘટાડવાની વકીલાત કરતા હતા. હવે આ બધી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે શાસકો જવાબદારીમુક્ત થઈ ગયા છે. ખાનગી માલિકી માટે પ્રત્યેક માણસ ગ્રાહક છે. જેટલા ગ્રાહકો વધુ એટલો ધંધો બહોળો.

હમણાં કહ્યું એમ અ-સરકારી અસરકારીનો મહિમા કરીને શાસકોએ લોકોનાં કલ્યાણની જવાબદારી છોડી દીધી છે એટલે શાસકો માટે પ્રજા હવે જેનું કલ્યાણ કરવું જ રહ્યું એવો બોજો મટીને સત્તા સુધી પહોંચાડનારી અને સત્તામાં ટકાવી રાખનારી સંખ્યા અર્થાત્ સાધન બની ગઈ છે. પ્રજાને કોઈને કોઈ ઓળખ પકડાવીને સમૂહમાં ફેરવો એટલે એ સંખ્યા બની જાય અને સંખ્યા સાધન બની જાય. ટૂંકમાં કોર્પોરેટ કંપનીઓ ગ્રાહક (કસ્ટમર – જે પોતાની જરૂરતોને કસ્ટમાઈઝ્ડ કરે તે કસ્ટમર)ને ઉપભોક્તા (કન્ઝ્યુમર – જે જરૂર હોય કે ન હોય કન્ઝયુમ કરે તે કન્ઝયુમર) માં ફેરવી રહ્યા છે અને શાસકો નાગરિકને સમૂહમાં ફેરવી રહ્યા છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પોતે નક્કી કરે છે, જ્યારે ઉપભોક્તાની જરૂરિયાત કોઈ બીજા નક્કી કરે છે. માટે આજકાલ કસ્ટમરની જગ્યાએ કન્ઝ્યુમર શબ્દ વધારે પ્રચલિત છે. આવું જ નાગરિકનું. નાગરિક પાસે અપેક્ષા છે કે તે પોતે સારાસાર વિવેક કરે, જ્યારે સમૂહ અનિવાર્યપણે બીજા દ્વારા દોરવાય છે. આનો અર્થ એ થયો કે પૂંજીપતિઓ અને શાસકો એમ બંને માટે પ્રજા એક સંખ્યા માત્ર છે અને પોતાને અનુકૂળ આવે એવાં લોકોની જેટલી સંખ્યા વધુ એટલો ફાયદો વધુ.

પણ આમાં કેટલાંક જોખમ છે અને જોખમ ખૂબ મોટાં છે. બે જોખમની વાત અહીં કરવી રહી અને એનાં તરફ આંખ આડા કાન કરી શકાય એમ નથી. જો કરવામાં આવશે તો વિસ્ફોટ થવાની શક્યતા છે. યુનોના જાગતિક વસ્તીના આંકડા બહાર પડ્યા એના બે વરસ પહેલાં ૨૦૨૦ ના જુલાઈ મહિનામાં ભારત સરકારના વસ્તીગણતરી વિભાગે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં ૨૦૧૧-૨૦૩૬ એમ પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં થનારા ફેરબદલના આંકડા જોવા મળે છે. એનો અભ્યાસ કરતાં જે જોખમ નજરે પડે છે એ તરફ ધ્યાન દોરવું જરૂરી છે.

ભારત સરકારના પોતાના આંકડા મુજબ કમાવાની વયના (૧૫ થી ૫૯ વરસ) લોકોમાં મોટો વધારો થવાનો છે. ૨૦૧૧થી ૨૦૩૬નાં પચીસ વરસ દરમિયાન ભારતની વસ્તીમાં જે ૩૧ કરોડ લોકોનો વધારો થવાનો છે એમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૮૧.૪ ટકાનું હશે. આ તો વધનારી વસ્તીની વાત થઈ, ભારતની ૨૦૩૬ની કુલ વસ્તીમાં કમાવાની વયના લોકોનું પ્રમાણ ૬૦.૭ ટકાથી વધીને ૬૪.૯ ટકા થશે. આનો અર્થ એ થયો કે ૨૦૩૬ની સાલમાં ભારતની દોઢ અબજની વસ્તીમાં કમાઈ શકવાની ઉમરના અને કામ માંગનારા લોકોની કુલ સંખ્યા ૯૭થી ૯૮ કરોડ હશે.

એક અબજ માણસો પકડો ને! ત્રણમાંથી બે માણસને રોજગારી આપવી પડશે અને રોજગારી છે ક્યાં? બીજું ૬૦ વરસની વયે હવે કોઈ નિવૃત્ત થતું નથી અને ગરીબ પ્રજાનાં બાળકોને આજે પણ ૧૫ વરસનો થાય એ પહેલાં બાળપણમાં કમાવું પડે છે. આમ સોમાંથી અંદાજે ૭૫ જણને અર્થાત્ સવા અબજ લોકોને કામ આપવું પડશે. જો કામ આપવામાં નહીં આવે તો વિસ્ફોટ થવાની પૂરી શક્યતા છે. બીજું એટલું જ મોટું અને કદાચ વધારે મોટું જોખમ રાજ્યોમાં વસ્તીના અસમાન પ્રમાણનું છે. ૨૦૩૬માં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ આ ચાર રાજ્યોની વસ્તી ભારતની કુલ વસ્તીમાં અડધોઅડધ હશે. ભારતની કુલ વસ્તીમાં ઉત્તર પ્રદેશની વસ્તીનું પ્રમાણ ૧૯.૨ ટકા હશે.

બિહારની વસ્તીનું પ્રમાણ ૧૪.૫ ટકા હશે, મધ્યપ્રદેશની વસ્તીનું પ્રમાણ ૮.૨ ટકા હશે અને રાજસ્થાનની વસ્તીનું પ્રમાણ ૭.૨ ટકા હશે. માત્ર આ ચાર રાજ્યોની વસ્તી હશે ૪૯.૧ ટકા. આની સામે ભારતનાં દક્ષિણનાં પાંચ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં માત્ર ૯.૬ ટકા હશે. રાજ્યવાર જોઈએ તો તામીલનાડુ ૧.૯ ટકા, કેરળ ૧.૨ ટકા, કર્ણાટક ૩.૫ ટકા, તેલંગાણા ૧.૫ ટકા અને આંધ્રપ્રદેશ ૧.૫ ટકા. આવી જ રીતે ઓડીસા, પશ્ચિમ બંગાળ, આસામ અને ઇશાન ભારતનાં તમામ રાજ્યોની વસ્તીનો સરવાળો કરો તો એ પણ ભારતની કુલ વસ્તીમાં દસ ટકાથી વધુ નહીં હોય.

એ પછી જમ્મુ, કાશ્મીર, લડાખ, પંજાબ, દેશનાં આદિવાસીબહુલ રાજ્યોની વસ્તી પણ પાંચ ટકાની અંદર હશે. વસ્તીની રાજ્યવાર વહેંચણી જોતાં સવાલ ઉપસ્થિત થાય છે કે શું સમગ્ર ભારત ઉપર એક જ ભાષા બોલનારી અને ચોક્કસ સાંસ્કૃતિક ઓળખ ધરાવનારી પ્રજા રાજ કરશે? ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળતી ભાષા સિવાયની બીજી ચોક્કસ સાંસ્કૃતિક ઓળખને ઘણે અંશે સ્વીકારનારાં ગુજરાત (૬.૮ ટકા) અને મહારાષ્ટ્ર (૭.૯ ટકા)ની વસ્તી ઉમેરો તો ભારતની કુલ વસ્તીમાં આ છ રાજ્યોની વસ્તીનું પ્રમાણ ૬૩.૮ ટકા થવા જાય છે.

જેને હિન્દુત્વવાદીઓ ગર્વથી આર્યાવર્ત કહે છે, જેને અંગ્રેજીમાં કાઉ બેલ્ટ તરીકે ઓળખાવવામાં આવે છે, જેને વિકાસની પરિભાષામાં બીમારુ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેની વધતી વસ્તી અને પછાતપણું ચિંતાનો વિષય માનવામાં આવતો હતો, જેને વિકાસના મોરચે દક્ષિણનાં રાજ્યોની પ્રજાની સમકક્ષ લઈ જવાનો એક જમાનામાં શાસકો મનસુબો ધરાવતા હતા અને પડકાર ઉઠાવતા હતા એ રાજ્યોની પ્રજા માત્ર સંખ્યાના જોરે ભારતનાં બાકીનાં રાજ્યોની પ્રજા ઉપર શાસન કરશે? (લોક-પ્રતિનિધિત્વમાં સત્તાકીય અસમાનતા પેદા ન થાય એ માટે આ ચાર રાજ્યોનું લોકસભામાંનું પ્રતિનિધિત્વ બહોળી વસ્તીવાળાં મતદાર ક્ષેત્રો રચીને નિયંત્રિત રાખવામાં આવે છે પણ એ ક્યાં સુધી રાખી શકાશે?)

આ જે હકીકત આકાર લઈ રહી છે એની ગંભીરતા સમજાય છે કે પછી નશામાં જ રહેવું છે? વળી ૨૦૩૬ની સાલ કોઈ દૂર પણ નથી. આવતાં પાંચેક વરસમાં આનો તાપ નજરે પડવા લાગશે અને સાચું પૂછો તો ઉત્તર ભારતની આર્યાવર્તીય દાદાગીરી સામે દક્ષિણમાં અત્યારે જ અસંતોષ નજરે પડવા લાગ્યો છે. આ સિવાય દક્ષિણ ભારતમાં વસ્તી વધારાનું પ્રમાણ નિયંત્રિત હોવાને કારણે અને આરોગ્ય સહિત વિકાસના મોરચે અગ્રેસર હોવાના કારણે એ રાજ્યોમાં નહીં કમાઈ શકનારા વૃદ્ધોનું પ્રમાણ ઉત્તર ભારત કરતાં વધુ હશે. દક્ષિણમાં પેદા થનારા અસંતોષનું આ પણ એક વધારાનું કારણ હશે.અને પૂર્વ ભારત (પશ્ચિમ બંગાળ અને ઓડીસા), ઇશાન ભારત (આસામ અને આજુબાજુનાં સિક્કિમ સહિત સાત રાજ્યો), આદિવાસી ભારત (મુખ્યત્વે ઝારખંડ અને છત્તીસગઢ), પહાડી ભારત (ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ), વિધર્મી ભારત (કાશ્મીર, લડાખ અને પંજાબ) માં પણ અસંતોષ પેદા થશે. એક વાત નોંધી લેજો; કોઈ પ્રજા કોઈનું આધિપત્ય લાંબો સમય ચલાવી લેતી નથી અને એ પણ આ યુગમાં તો અસંભવ છે.

અત્યારે વસ્તીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવી રહી છે અને નાગરિકને સમૂહમાં-ટોળામાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે એ ખતરનાક ખેલ છે. એમાં ઉપર કહ્યું એમ કોર્પોરેટ કંપનીઓનો અને શાસકોનો સ્વાર્થ છે. પ્રજાને ઓળખ પકડાવીને સંખ્યામાં પરિવર્તિત કરવામાં આવે એમાં ધર્મગુરુઓનો બાવાઓનો પણ સ્વાર્થ છે. માટે તમે જોયું હશે કે આ  રચાઈ છે.  વિચાર કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય એવી સ્થિતિ નજરે પડી રહી છે. પણ તો પછી આનો ઉપાય શું? ઉપાય એક જ છે, વિવેક. વિવેક કેળવો. રાંડ્યા પછી ડહાપણ આવે એનાં કરતાં પહેલાં ડહાપણ અપનાવી લઈએ તો રંડાપો ટાળી શકાય. એક દિવસ ડહાપણ તો આવવાનું જ છે અને છેલ્લો વિજય ડહાપણનો જ થવાનો છે એ નક્કી વાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top